માનવ દેવ
માનવ દેવ
છેલ્લી ત્રણ પેઢીથી ગામનાં સરપંચ પદે બિનહરીફ ચૂંટાયા કરતાં એવાં દેવેન્દ્રસિંહ દોલતસિંહ જાડેજા પાંચેક વર્ષથી નિવૃત્ત થયેલા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે, પોતાનાં વતનનાં રામપુર ગામમાં ત્રીજી પેઢીનાં એકના એક વારસદાર તરીકે, ગામલોકોનાં અતિશય ભાવ અને આગ્રહવશ ગ્રામ પંચાયતનું સરપંચ પદ શોભાવી રહ્યા હતા !
ગામમાં આ એકજ દરબારી ઘર હતું અને પેઢી દર પેઢી અસલ દરબારી મેઈન્ડ-મર્યાદા, રીતરિવાજો અને સંસ્કૃતિનાં જતન અને જાળવણી માટે ગામ અને આજુબાજુનાં વિસ્તારોમાં જાણીતું હતું.
પોતાના પિતાજી અને દાદાજી સ્વચ્છ અને બિન વિવાદાસ્પદ ન્યાયિક વહીવટ જાગૃત અને સેવાભાવી બની ચલાવતાં રહ્યા હતા એટલે નવેસરથી ગામનાં વિકાસ અને સુવિધાઓ માટે ખાસ કરવા જેવું કંઈ બાકી ન હતું.
સરકારશ્રીની કોઈ પણ યોજના ગામને મળવાની બાકી હોય એવી એક પણ ન હતી. વહીવટી સૂઝબૂઝ અને કંઈક કરી છૂટવાની તમન્ના હતી.
એટલે જ સાચા અર્થમાં લોકશાહીને શોભે એવા સરપંચશ્રી અને સભ્યો એક આદર્શ ગામ અને ગ્રામ પંચાયતનો જીવંત નમૂનો હતો.
સરપંચશ્રી અને તેનાં કુટુંબીજનોનાં, એટલાં પરગણામાં લોકો હંમેશા આદર કરતાં, સ્વેચ્છાએ હૃદયપૂર્વક માન આપતાં.
એવાં, રળિયામણાં રામપુર ગામમાં આજે સરપંચશ્રી દેવુભા બાપુનાં ભાઈબંધ અને જે એક -એક્સ આર્મી ઓફિસર અને હાલ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મુખ્ય અધિકારી,
શ્રી પાંડુરંગ બડગુજર સાહેબ પોતાનાં મિત્ર એવા નિવૃત્ત પી. આઈ. શ્રી ડી.ડી.જાડેજા સાહેબને ખુશીથી મળવા આવવાનાં હતાં અને અષાઢી બીજનો તહેવાર પણ હતો ગામનાં વિશાળ કોમ્યુનિટી હૉલ ખાતે ગામનાં ગૌસેવા મંડળના કલાકારો દ્વારા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરેલ હતું.
લોકલાડીલા સરપંચશ્રીનાં મહેમાન એટલે આખાં ગામનાં મહેમાન ! એવા ભાવથી ગામલોકોએ આવનાર મહેમાનશ્રીનાં સન્માન સ્વાગત માટે પણ સરપંચશ્રીને પૂછીને તૈયારીઓ કરેલી.
એક તો અષાઢી બીજનો તહેવાર ! એમાં મેઘરાજા મનમૂકીને વરસી બતાવતા હતા. ગામ આખું આજ હેલે ચઢ્યું હતું ! નાનાં મોટાં સહુ લોકો કોમ્યુનિટી હૉલમાં અકડેઠઠ ભેગાં થયેલાં.
દેવુભા સરપંચ અને સભ્યો બધાં સહ કુટુંબ એક અલગ બેઠક વ્યવસ્થા પ્રમાણે બેસી ગયેલાં મહેમાન આવે એટલી જ વાર હતી . ગામનાં કલાકારો તેની કલા દર્શાવવા માટે અધીરા બની થનગનતા હતાં.
ત્યાં જ મહેમાન શ્રી પધાર્યા ! સરપંચશ્રી અને સભ્યોએ સામે ચાલીને આવકાર્યા, આસન, સન્માન, સ્વાગત ઔપચારિકતાઓ અને સ્વાગત વિધિ પૂર્ણ થઈ.
એટલે, આયોજન મુજબ સરપંચશ્રીએ ઉભા થઈ માઈકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરી અને કાર્યક્રમ શરૂ થયો.
સરપંચશ્રી દેવુભા અને મહેમાન શ્રી બડગુજર સાહેબનાં કુટુંબીજનોની બેઠક વ્યવસ્થા નજીક નજીક અને સ્ટેજ પાસે જ રાખેલ હતી.
કલાકારોએ, કાર્યક્રમ શરૂ કરતાં, લતા મંગેશકરજીએ ગાયેલું ગીત " એ મેરે વતનકે લોગોં, જરા આંખમેં ભર લો પાની...."
એ ગીત ઉપર એક આબેહૂબ અનુભૂતિ થાય એવાં દૃશ્યો ગોઠવીને દિલધડક દ્રશ્યો સંવાદો,અભિનય રજૂ કરતાં, સહુ પ્રેક્ષકો સાથે આગંતુક મહેમાનો અને સરપંચશ્રી સહિત સહુ ગદગદિત થઈ ગયાં ! સહુની આંખો ભીની થઈ ગઈ હતી !
સરપંચશ્રી અને મહેમાન અધિકારી ચાલુ કાર્યક્રમમાં કંઈ અગત્યની વાત કરી રહ્યા હતા ! કાર્યક્રમની પ્રથમ કૃતિ પૂર્ણ થતાં, સહુએ તાળીઓ પાડીને અભિનંદન પાઠવ્યા.
સરપંચશ્રીએ સહુનો કોલાહલ શાંત કરી પછી એક ખુશાલીની જાહેરાત કરતાં જણાવ્યું કે, "આપણાં ગામનાં આ કલાકારોએ આપણાં દેશનાં સૈનિકોની શૂરવીરતા ભરી લડાઈનું દૃશ્ય અમારા આ આર્મી ઓફિસરશ્રીને ખૂબજ ગમ્યું છે ! તેઓશ્રી એક ખુશીની જાહેરાત કરવા માગે છે, શ્રી બડગુજર સાહેબ !
મારા મિત્ર દરબાર શ્રી દેવુભા અને ગ્રામજનો ! મને શ્રી દેવુભાએ બે પરિવારો પર કોરોના મહામારીમાં આવેલ દુઃખની વાત કરી છે. મને પણ ખૂબજ દુઃખ થાય છે.
એમાં સૈનિક તરીકે ભાગ લેનાર આ ગામનાં બાળ કલાકાર એવા ભાઈ, શ્રી કિશોરકુમારના સરસ અભિનયથી ખુશ થઈ અને આજે "વર્લ્ડ ચોકલેટ ડે" પણ હોવાથી, આ ગામમાં એક ચોકલેટની ફેક્ટરી બનાવવાની તમામ યોગ્ય મદદ કરવાની જાહેરાત કરૂં છું.
તેની આવકમાંથી એકાદ વર્ષ પહેલાં કોરોના બીમારીમાં આ ગામનાં આ બાળ કલાકાર કિશોરભાઈનાં પિતાજીનું અવસાન થયું હતું તે રીતે બે કુટુંબો કોરોના મહામારીમાં નિરાધાર બની ગયાં તેનાં કુટુંબનાં ગુજરાન ચલાવવા અને તેનાં બંનેનાં સંતાનો નોકરી ધંધો કરે ત્યાં સુધી આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે ચૉકલેટ ફેક્ટરી શરૂ કરવા માટે સરકાર શ્રીના નિયમો મુજબ તાત્કાલિક અસરથી સહાય મંજુર કરૂં છું અને કાલે બધાં બાળકો તેની નિશાળમાં ભણવા જાય ત્યારે બે-બે ચોકલેટ મારા તરફથી આપવામાં આવે તેવી જાહેરાત પણ કરૂં છું. દરેક કલાકાર મિત્રોને જીલ્લા રમતગમત અધિકારી તરફથી યોગ્ય કદર કરવા ભલામણ કરૂં છું, પ્રસંશાપત્ર અને મારા તરફથી પાંચસો- પાંચસો રૂપિયા ઈનામ આપું છું.
જે કોઈને ઈચ્છા હોય તે સર્વને મારાં પરિચિત બિઝનેસ મેન પાસે ચોકલેટ બનાવવાની રીત અને ફેક્ટરી ચલાવવાની જાણકારી તાલીમ ફ્રી માં આપવામાં આવશે.
ગામ આખું ,આ જાહેરાત સાંભળીને સહુ ભાવ વિભોર થઈ ગયાં. કાર્યક્રમ શાંતિથી આનંદથી સફળતાઓ પૂર્વક સંપન્ન થયો.
આજે એક વર્ષ બાદ ફરીથી,"વિશ્વ ચોકલેટ દિન" આવ્યો આજે બાળ કલાકાર કિશોરભાઈનાં હસ્તે સરપંચશ્રી દેવુભા અને બડગુજર સાહેબ તથા સમસ્ત દાતાશ્રીઓ અને ગ્રામ જનોની ઉપસ્થિતિમાં અનેરા ઉત્સાહમાં "માનવતા ચોકલેટ ફેક્ટરી-રામપુર"નું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપર આગળનાં કમ્પાઉન્ડમાં, મજબુત થાંભલા ઉપર તિરંગો રાષ્ટ્ર ધ્વજ હરખાતો લહેરાતો હતો.
બંને ગરીબ પરિવારોનાં અને સમસ્ત ગામ લોકોનાં આશીર્વાદ, વરસતા વરસાદની મહેક સાથે વરસતા હતા !માનવતાની મહેક અનેરી સુગંધ પ્રસરાવતી હતી !
સહુ લોકો એનાં ગામની આ ફેક્ટરીની ચોકલેટ ખરીદવા ઓર્ડર આપી નોંધાવતાં હતાં.
આ બધું વાતાવરણ જોઈને સરપંચશ્રી અને શ્રી બડગુજર સાહેબનાં હસતા ચહેરાઓ ઉપર અવિરત આનંદનાં આંસુ વહેતાં હતાં !અને એ બધાં દૃશ્યો બંને નિરાધાર પરિવારો અનેક આશા, અરમાનોથી ચમકતાં ચહેરે આભારદર્શક નજરે નિહાળી રહ્યાં હતાં !
