કિંમત
કિંમત


હમણાં જ એકાદ અઠવાડિયા પહેલાં મારા એક મિત્રના જન્મદિવસની ખુશીમાં શહેરની બહાર એક હૉટેલમાં પાર્ટીનું આયોજન કરેલ. અમે બધા મિત્રો ધણા દિવસે એકબીજાને મળ્યા હોવાથી ખુશી સાથે એકબીજાની વાતો વાગોળતા હતા. એવામાં અમારી બાજુના ટેબલ પર એક કપલ આવીને બેઠુ. આ કપલમાં જે ભાઈ હતા તેમના દેખાવ અને પહેરવેશ પરથી તેઓ કોઈ સારી જગ્યા પર જોબ કરતા હોય એવું લાગી રહ્યું હતું.
હૉટલના માણસો દરેકના ટેબલ પર જમવાની ડીશ લગાવે છે. બઘાજ જમતા હોય છે એવામાં એક ભાઈ પેલા કપલવાળી વ્યકિત પાસે આવે છે અને તે બન્ને વચ્ચે ઘણીબઘી લાંબી વાતચીત ચાલે છે. આ વાતચીત દરમિયાન કયારેક ઓલા સાહેબ જેવા ભાઈ પેલાને ઘમકાવી રહ્યા હતા. પાછળથી આવેલ ભાઈસાહેબ પાસે આજીજી કરતો હતો. પણ કઈ બાબતે આજીજી કરતો તે સ્પષ્ટ ન હતું. આ બઘી ઘટના હું અને મારી બાજુમાં હૉટલમાં રહેલ છોકરો જોઈ રહ્યા હતા.
ઘણી બઘી આજીજી બાદ ઓલા સાહેબને પેલા ભાઈએ લાલ કલરવાળી પત્તીઓની એક ગડી પકડાવી. પેલા સાહેબ આજુબાજુ ડોકિયું નાખી ઓલી
ગડી ખિસ્સામાં મૂકી. પછી બોલ્યા કે કાલ ઓફિસ આવજે કામ થઈ જશે. આ વાકય સાંભળી હું સ્પષ્ટ થઈ ગયો હતો કે આ ભાઈ કોઈ સારી ઓફિસમાં અઘિકારી તરીકે નોકરી કરે છે.
થોડાક સમયમાં જમ્યાબાદ અમે બહાર રસ્તા પર ઊભા હતા. એવામાં પેલા સાહેબ રસ્તા પર ઊભી ગાડીમાં બેસે છે અને ગાડી ચાલુ કરી જેવો નીકળ્વાનો પ્રયત્ન કરે છે, એવી જ સાહેબની નજર સાઈડ મીરર પર પડે છે, એમાં એક છોકરો દોડતો ગાડી ઊભી રખાવા ઈશારો કરે છે. આ દ્રશ્ય જોઈ સાહેબે ગાડી ઊભી રાખી અને ગાડીનો કાચ ખોલે છે.
તરતજ પેલો છોકરો હાથમાં રહેલ મોબાઈલ સાહેબને પરત આપતા બોલ્યો સાહેબ આપનો મોબાઈલ જે આપ હૉટલમાં ટેબલ પર જ ભૂલી ગયા હતા.
સાહેબ ખુશી સાથે આભાર માની, પાકિટમાંથી એક નોટ કાઢીને બાળકને પુરસ્કાર સ્વરૂપે આપવા હાથ લંબાવે છે.
પેલું બાળક માર્મિક હાસ્ય સાથે બોલે છે," સાહેબ ! હું પ્રમાણિકતાની કોઈ કિંમત નથી લેતો." આટલાજ સાથે બાળક હૉટલમાં પાછું જાય છે અને સાહેબ ભારે પસ્તાવા સાથે ગાડીને ચલાવી મૂકે છે.