Mamta Patel

Inspirational

2.5  

Mamta Patel

Inspirational

ખુલ્લી આંખો

ખુલ્લી આંખો

8 mins
14K


પ્રીતિ, નાનકડી પ્રીતિ, ખુલ્લી આંખે સપનાઓ જોવા ટેવાયેલી પ્રીતિ. હા! એને આદત હતી. એ ખુલ્લી આંખે સપના જોતી. સપના પણ કેવા કે જે લાગે જ નહીં કે કદી સાચા થશે. એ સપનાઓ ને સાચા કરવા પ્રીતિ બધુ જ કરી છૂટતી. એ હંમેશા કહેતી, બંધ આંખે તો સપના બધા જ જુવે પણ જો સપના સાચા કરવા હોય, સપનાને હકીકત બનાવવા હોય તો ખુલ્લી આંખે સપના જોવા પડે.

બીમાર માની સેવા કરવામાં અને નાની બહેનનું ધ્યાન રાખવામાં એસ.એસ.સી.માં માંડ ૫૦% માર્કસ લાવી શકી પણ ના એ ઉદાસ થઈ કે ના એ રડી. ડોક્ટર થવાના સપનાનું પિંડું વળી ગયું પણ ગણિત ગમતું હોવાથી એણે કોમર્સમાં એડમિશન લઈ લીધું અને એ જ ગમતા ગણિતના જોરે એ કોમર્સના આખરી વર્ષમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ.

ઘરની આર્થિક સ્થિતિ બહુ નબળી નહીં તો બહુ સધ્ધર પણ નહીં. પિતાજીને આર્થિક મદદ કરવા નોકરીએ લાગી ગઈ પણ એનું મન ન માન્યું. એણે સ્ટેનો, ટાઈપિંગ, ટેલી, ફાઇનાન્સ જેવા કોમર્સ ગ્રેજ્યુએટ ને કામ આવે અને આગળ વધવામાં ઉપયોગી થાય એવા બધા જ કોર્સ કરી લીધા.

પછી આવ્યું કોમ્પ્યુટર... કહોને કે ભાવતું હતું ને વૈદે કહ્યું. પ્રીતિએ નક્કી કર્યું કે એ કોમ્પ્યુટરમાં નિપુણ બનશે અને એણે કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કર્યા. ફરી એની ખુલ્લી આંખનાં સપનાંથી એ પોતાના સહકાર્યકર્તાઓથી આગળ નીકળી ગઈ. 

આ બધુ કરતાં કરતાં પ્રીતિ ચોવીસ વર્ષની થઈ ગઈ હતી. મમ્મી, પપ્પા હવે એને લગ્નનું કહેવા લાગ્યા હતા. એને આટલા જલ્દી લગ્ન કરવાની ઈચ્છા ન હોવા છતાં છોકરા જોવાનું ગોઠવવા માંડ્યાં હતાં. ઘરના બધા વડીલોનો એ વિરોધ ન કરી શકી, માગાં આવતાં ગયાં અને એ આનાકાની કરતી રહી. એક દિવસ પ્રીતિ મમ્મી સાથે હવેલી દર્શન કરવા ગઈ અને ત્યાં કોઈ એ એનાં સગપણની વાત શરૂ કરી. સામ સામે જોવાનું રાખ્યું અને બધાને બધું પસંદ પડી ગયું.

છોકરો પ્રીતિની જેમ જ કોમર્સ ગ્રેજ્યુએટ હતો. એક નાનો ભાઈ અને બે બહેનો હતી. માતાપિતાને પણ પ્રીતિ ગમી ગઈ. છોકરાની મોટી બહેન આગળ પડતાં ખાનદાનમાં પરણી હતી એટલે ઘરમાં એનો અને એનાં પતિનો દબદબો હતો. બધાં એમનું માન જાળવતાં. એમને પણ સીધી સાદી પણ નમણી પ્રીતિ પસંદ પડી ગઈ. 

લગ્ન ગોઠવાયાં, ખરીદીઓ થવા માંડી અને એક દિવસ મોટા નણંદબાએ કહ્યું, “હવે નોકરી છોડી દો. મારો ભાઈ સારું કમાય છે. હવે નોકરીની શું જરૂર છે?” પ્રીતિને આ ન ગમ્યું. ઘેર આવીને તેણે મમ્મીપપ્પા પાસે વિરોધ નોંધાવ્યો. કંઈ કેટલીયે મહેનત અને જતનથી પ્રીતિ આ પદ સુધી પહોંચી હતી. આટલી મહેનત કરીને જે મેળવ્યું, એ આમ કોઈના કહેવાથી છોડી દેવાનું? એનું મન માનતું ન હતું.

મમ્મીપપ્પાએ પ્રીતિને સમજાવી, “જો બેટા, આ ભણતર, આ નોકરી... એ બધું તો ચાલ્યા કરે, આખી જિંદગી સાથ કોઈ ન આપે. છોકરો સારો છે, જેટલું મન નોકરીમાં લગાવ્યું હતું તેટલું ઘરસંસારમાં લગાવ અને સુખી થા.” બે ચાર દિવસના મનોમંથન પછી પ્રીતિ તૈયાર થઈ નોકરી છોડવા. આ નોકરી ન હતી પ્રીતિનો જીવ હતો. જેમ જીવ શરીરથી અલગ થાય ત્યારે વેદના થાય તેમ પ્રીતિએ પણ વેદના અનુભવી. લાચાર હા, લાચાર પ્રીતિએ નોકરી છોડી દીધી, અને ફરી પાછું ખુલ્લી આંખે સપનું જોયું, પોતાના નાનકડા અને સુખી સંસારનું...

પ્રીતિ પરણીને સાસરે આવી. દૂધમાં સાકર ભળે તેમ કુટુંબમાં ભળવાની કોશીશ કરવા માંડી. સાસુ અને નણંદના ફરમાનો માએ આપેલા સંસ્કારોથી માથે ઉપાડવા માંડી પણ... પણ ફરમાનો વધતાં ગયાં અને આરમાનો તૂટતાં ગયાં.

સાસુ, નણંદ અને લાચાર પતિના આદેશો અને આક્ષેપોથી પ્રીતિ તૂટવા લાગી.

લગ્નને ચાર મહિના થઈ ગયા હતા. પ્રીતિ 'મા' બનવાની હતી. હંમેશાં કામથી લદાયેલી રહેતી પ્રીતિ સપના જોવાનું ન ચૂકી. એની ખુલ્લી આંખોએ સપના જોવા માંડ્યા. બધું ઠીક થઈ જશે, હવે તો હું મા બનવાની છું. આ લોકો ધીરે ધીરે મને અપનાવી લેશે, એમની આ કડકાઇ અને ઉપેક્ષા પ્રેમમાં પલટાઈ જશે. પણ ના...! એવું ન થયું.

નણંદબાનું ફરમાન આવ્યું, આપણે જેન્ડર ટેસ્ટ (બાળકની જાતિ પરિક્ષણ)  કરાવી લઈએ. જો મારી જેમ તમને પણ દીકરો અવતરવાનો હોય તો જન્મ આપવાનો નહીં તો ગર્ભ પડાવી નાખવાનો. પ્રીતિ રહેસાઈ ગઈ. એ ક્યાં આવી ગઈ હતી, કેવા જંગલમાં! કે જ્યાં શરીર તો માણસોના છે પણ મન પશુથી પણ બદતર. એના મને તેને સાંત્વના આપી, ના... એનાં ગ્રેજ્યુએટ પતિ જરૂર આનો વિરોધ કરશે. પણ... એ ખોટી ઠરી.

પ્રીતિનો પતિ એને પ્રેક્ટિકલ સમજાવવા માંડ્યો. અને પ્રીતિ ટુકડે ટુકડે કપાતી રહી. એ નફરત કરવા લાગી એના પતિ અને સાસરિયાંથી. પ્રીતિ એ એના મમ્મી પપ્પાને વાત કરી. મમ્મી એ કહ્યું કે એ એના સાસરિયાને સમજાવશે. ફરી એક આશા જાગી જે ઠગારી નીવડી અને પ્રીતિએ સાસરિયાનું ઘર છોડી દીધું.

પ્રીતિ પિયર આવી. વડીલોએ સમજાવ્યું, “ખબર નહીં હવે આ સંબંધ કેવો વળાંક લેશે, ગર્ભ પડાવી નાખ. તારે જવાબદારી નહીં. તું અને તારો પતિ અલગ થઈ જાવ તો તું પણ નવેસરથી જિંદગી વસાવી શકે.” પણ પ્રીતિ ન માની, એની ખુલ્લી આંખોએ એક મસ્ત મસ્ત બાળકનું સપનું સજાવી લીધું હતું. 

નવ મહિના વીતી ગયા. પ્રીતિના પેટમાં બાળક મોટું થતું ગયું અને પતિ સાથેના સબંધો ક્ષીણ થતા ગયા. કારણકે આ નવ મહિનામાં એનો પેલો 'પતિ' એકેવાર જોવા કે મળવા નહોતો આવ્યો. નવ મહિના પૂરા થયા, પ્રીતિએ જોયેલા પેલા સપનાનો પૂરો થવાનો અવસર આવી પહોંચ્યો. ધનતેરસના પવિત્ર દિવસે ભગવાને એને રુપરુપનાં અંબાર સમી એક દીકરી આપી, જાણે સાક્ષાત લક્ષ્મી. 

પ્રીતિના માબાપ અને બીજા સબંધીઓએ પ્રીતિનાં સાસરિયાંને સમજાવ્યાં. પણ તે લોકો એક ના બે ન થયા. એ લોકો ન તો નવા અવતરેલા બાળકને જોવા આવ્યા કે ના તો સુવાવડ પછી પ્રીતિને તેડી જવા માટે આવ્યા.

પ્રીતિ દુ:ખી થઈ પણ હિમ્મત ન હારી. નાનકડી લાગતી પ્રીતિ હવે નાજુક પણ મજબૂત ઈરાદાઓવાળી સ્ત્રી બની ગઈ હતી. એણે ફરી એક સપનું જોયું, ખુલ્લી આંખે... હું એકલા હાથે મારી દીકરીને મોટી કરીશ, ભણાવીશ, જે બનવું હશે તે બનાવીશ અને દુનિયાને બતાવી આપીશ કે દીકરી એટલે શું?

એના આ મજબૂત ઈરાદામાં તેના મમ્મી, પપ્પા અને નાની બહેને પુરો સાથ આપ્યો. 

પ્રીતિએ ફરી નોકરી શોધી લીધી. બે વર્ષનો સમય વીતી ગયો હતો. જે ક્ષેત્રમાં એ કાલે માસ્ટર હતી તે જ ક્ષેત્રમાં આજે થોડી પાછળ રહી ગઈ હતી. એણે કોમ્પ્યુટર ખરીદ્યું અને નોકરી પરથી ઘેર આવીને નાનકડી પાયલને ખોળામાં બેસાડીને તેણે ફરીથી કોમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું અને જે પાછળ છૂટી ગયું હતું તે તેણે આત્મસાત કરવા માંડ્યું.

સમય સાથે રેસ કરતી પ્રીતિ નવા શિખરો સર કરતી ગઈ અને તેની મહેનત રંગ લાવતી ગઈ. 

પાયલને સૌથી સારી સ્કૂલમાં ભણવા બેસાડી. હમેશા અવ્વલ માર્કસથી પાસ થતી પાયલને જોઈને એ પોરસાતી. ફરી એ ખુલ્લી આંખોથી સપના જોવા માંડી. એક પછી એક વર્ષ વીતતા ગયા. પોતાની વધતી આવક અને પાયલની પ્રગતિથી ખુશ પ્રીતિ સપનાઓમાં રંગ ભરવા માંડી. ટૂંકી માંદગીમાં પપ્પાને ગુમાવ્યા અને નાની બહેનને સાસરે વળાવીને પ્રીતિ અને તેની મમ્મી પાયલમાં પોતાનો સંસાર શોધવા લાગ્યા. એ કહેતી કે મારી મા એ પાયલની મા છે અને હું એનો બાપ. આમ, એક મા અને બાપની ફરજ બજાવતી ગઈ. એના આ યજ્ઞમાં તેની માનો પ્રત્યક્ષ અને નાની બહેનનો પરોક્ષ રીતે પૂરેપૂરો સાથ હતો. 

પાયલે એસ.એસ.સી.ની પરીક્ષા આપી. પ્રીતિએ તેને મેડિકલમાં મોકલી ડોક્ટર બનાવવાની પૂરી તૈયારી રાખી હતી પણ... પ્રીતિના સપનામાં એક રંગ ઓછો પડ્યો. પાયલ થોડા જ માર્કસ માટે મેડિકલમાં ન જઈ શકી. પ્રીતિ થોડી ઉદાસ થઈ પણ હિમ્મત ન હારી. પાયલે પેરા મેડિકલ એટલે કે ફાર્મસીમાં એડમિશન લીધુ. વર્ષો વીતતા ગયા. નાજુક પ્રીતિના નક્કર સપનાં પૂરાં થવાની અણી પર જ હતાં કે તેણે તેની મા ગુમાવી.

ફાર્મસીના ચાર વર્ષ પૂરા થયા. પાયલ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. પ્રીતિના સપનામાં રંગ પુરાઈ ગયા. એ કહેતી, મારી પાયલ મોટી ઓફિસમાં મોટી મેડમ બનશે અને કોઈ રાજકુમાર તેને પરણવા આવશે. 

અચાનક એક દિવસ પ્રીતિને ચક્કર આવ્યા. એને લાગ્યું કે ઘર અને બહારની જવાબદારીઓથી એ થાકી છે. એકવાર પાયલ નોકરી કરવા માંડશે એટલે એ કામના કલાકો ઓછા કરી નાખશે. પણ એને ક્યાં ખબર હતી કે ઉપરવાળો એના જિંદગીના કલાકો ઓછા કરી રહ્યો હતો. નબળાઈ વધતી જતી હતી. એ ડોક્ટર પાસે ગઈ અને રિપોર્ટ્સ કઢાવ્યા. એનું હિમોગ્લોબિન ઓછું આવ્યું. સગસબંધીઓ ખબર કાઢવા આવ્યા તે લોકોને પણ એ કહેતી રહી, “કંઈ નહીં એ તો ટામેટાં, બીટ એવું બધું ખાઈશ એટલે બધું બરાબર થઈ જશે. હજી તો મારે પાયલને મેડમ બનતી જોવાની છે અને તેને ધામધૂમથી પરણાવવાની છે.”

પાયલને મલ્ટીનેશનલ કંપનીમાં મોટા પગારની જોબ મળી ગઈ. પ્રીતિ ખુશખુશાલ થઈ ગઈ. “બસ હવે એણે પરણાવવાનું બાકી, મારી ફરજ હવે પૂરી થવા આવી.”

ફરી રિપોર્ટ્સ નીકળ્યા, હિમોગ્લોબિન વધવાને બદલે ઓછું થયું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે પ્રીતિને અપ્લાસ્ટિક એનેમિયા હતો. જેમાં એના બોનમેરોએ ફંક્શન કરવાનું બંધ કરી દીધું હતું. પ્રીતિને હવે બ્લડ ચડાવવું પડતું. દર મહિને પાયલનાં ફ્રેંડ્સ પ્રીતિ આન્ટીની ખબર કાઢવા આવતા. એ ધ્યાનથી જોયા કરતી, એમાંથી કોની સાથે પાયલની જોડી જામે? એ પાયલની મજાક ઉડાવતી, પાયલ પણ હસીને વાત ઉડાવી દેતી.

પાયલનો બહુ સારો એક મિત્ર હતો, અક્ષય. પાયલને એ પ્રેમ કરતો. પથારીમાં પડેલી પ્રીતિને આ ખ્યાલ આવી ગયો. એ ફરી સપના જોવા માંડી. એકવાર હું થોડી ઠીક થાઉં એટલે પાયલનાં મનની વાત જાણી લઈશ અને તેને પરણાવી દઈશ. બસ મારી બધી જ ફરજો અને જવાબદારીઓ પૂરી.

પણ ના...! ઉપરવાળો એટલો મહેરબાન નહોતો. સમય સાથેની રેસમાં પ્રીતિ હારી ગઈ. પ્રીતિનિ હાલત બગડતી ચાલી. હવે તો લોહી ચડાવ્યા પછી પણ એનું હિમોગ્લોબિન વધતું નહીં. એ નખાતી જતી હતી. એની આંખોની આજુબાજુ કાળા કુંડાળાં પડી ગયા હતા પણ તેની આંખોની એક જ ચમક બિલકુલ બરકરાર હતી, પોતાની ફરજ પૂરી કરવાની. 

પાયલ ખૂબ ઉદાસ રહેતી. નાની ઉમરમાં એણે પણ ઓછા દુ:ખ નહોતા જોયા. બાધા, માનતા, દેવ દર્શન કઈ જ બાકી ન રાખ્યું. એના આ સંઘર્ષના દિવસોમાં બે જણ અડીખમ તેની બાજુમાં ઊભાં રહ્યાં હતાં, એક એની માસી અને બીજો અક્ષય. પાયલ માનવા લાગી હતી કે અક્ષયનો પ્રેમ સાચો છે અને માસીએ બંનેને પરણાવવાનું મનમાં નક્કી કરી લીધું હતું. 

પ્રીતિએ ભાન ગુમાવ્યા પછી ત્રણ દિવસ સુધી એનો શ્વાસ ચાલ્યો પણ જીવ નીકળતો ન હતો. સગાસબંધીઓએ પ્રીતિની બહેનને સલાહ આપી કે એના કાનમાં કહે કે એ પાયલની ચિંતા ન કરે. એની બહેનેન પ્રીતિના કાનમાં કહ્યું, “મોટી બહેન તું પાયલની ચિંતા ન કર. આટલી તકલીફ ન ભોગવ અને અહીંની ચિંતા છોડીને અનંતની યાત્રાએ શાંતિથી નીકળી જા. અને જાણે આની જ રાહ જોતી હોય તેમ પ્રીતિનાં શ્વાસ દસ જ મિનિટમાં થંભી ગયા. રહી ગઈ ફક્ત ખુલ્લી આંખો. કદાચ એ પાયલને અક્ષય સાથે પરણાવવાનું આખરી સપનું જોઈ રહી હશે એની આદત પ્રમાણે ખુલ્લી આંખે...   

મમતા પટેલ

 


Rate this content
Log in

More gujarati story from Mamta Patel

Similar gujarati story from Inspirational