જીયો જિંદગી - ૧
જીયો જિંદગી - ૧
રજુઆત - મિલાપ
"કોણ જાણે કેમ લોકો ને આ કોલેજ લાઇફ કેમની ગમતી હશે. આના કરતા તો સ્કૂલની લાઈફ કેટલી સુંદર અને એટલી જ વ્હાલી, સ્કૂલના શિક્ષકો, મિત્રો, સ્કૂલનું પરિસર કોણ જાણે કેમ આ કોલેજ સામે ઝાંખું લાગતું."
આ વાત કરી રહ્યા છે ક્રિશની જે કોલેજના ફર્સ્ટ યરમાં ભણી રહ્યો છે. જેને મન જિંદગી એ કોઈ જલસા પાર્ટી નહિ પણ ભગવાન એ આપેલો આશીર્વાદ છે અને એજ રાહમાં અત્યાર સુધી આગળ વધી રહ્યો છે. શરૂઆતથી ક્રિશને કોઈ વધારે પડતા મિત્રો નહિ અને વધારે કઈ ફરવાનું ને ઉઠબેસ નહિ. દરેક સાથે કામ પૂરતી વાત અને બસ સંતોષી જીવ. જેટલું મળ્યું એમાં ઘણું બધું છે તેવો ભાવ. ભણવામાં ઉત્તમ અને તમામ શિક્ષકોનો ફેવરિટ. દરેક સાથે માનથી અને શાંતથી વર્તનારો આ ક્રિશ દરેક વડીલો અને પરિવારમાં દરેક સભ્યનો માનીતો. આમ જલ્દી કોઈ એને કઈ પૂછે નહિ (અહીં વાત છે સારા પ્રસંગે) પણ જરૂરિયાતમાં પેહલો તેનેજ યાદ કરે, અને ક્રિશ પણ હાજર જ હોય. કોઈ પણ કામમાં ના નહિ. તે બધીજ વસ્તુ માં આગળ પડતો. દરેક કામમાં આગ્રહી, મમ્મી ને ઘરકામમાં મદદ હોય કે પપ્પાનુ બેન્કનું કામ હોય દરેક જગ્યાએ ખડે પગે હાજર. પણ જયારે વાત પોતાના માટેની આવે ત્યારે એ ગેરહાજરજ હોય. ક્યારેય પોતાનું ના વિચારે. હંમેશ બીજાનુંજ વિચારે. અને બીજાના દુઃખને પોતાનું માનતો ક્રિશ કોઈ કાન્હાથી કમ નથી.
હવે વર્તમાન માં આવીએ,
કોલેજ જઈ રહેલો ક્રિશ હંમેશા એક વિચારે અટવાયેલો રહેતો કે સ્કૂલની લાઈફ મજાની હતી. પણ હવે એ વાતને કોઈ બદલી શકે તેમ હતું નહિ. એટલે કોલેજના પ્રોફેસર સાથે પણ એ એટલીજ ગંભીરતા પૂર્વક અને માન આપીને વાત કરતો. એવામાં બનેલ એવું કે કોલેજના પેહલાજ દિવસે ક્લાસમાં પ્રોફેસર જેવા પ્રવેશ્યા ત્યારે સૌ ચૂપ હતા જયારે ક્રિશ એકલો ઉભો થઇને ગુડ મોર્નિંગ સર કીધું. આ વર્તન પ્રોફેસરને તો ખુબ જ ગમ્યું પણ બીજા લોકો માટે જોક્સનો વિષય બની ગયો. કોલેજમાં પણ કોઈની સાથે વાત ના કરી શકતો કારણ બીજા બધા મસ્તી અને ક્લાસ બન્ક કરવાના મૂડમાં હોય અને આ ભાઈ ભણવાના ધ્યાનમાં હોય. ઘણીવાર બન્યું છે કે આખા ક્લાસમાં એ એકલોજ હોય ને બીજા વિદ્યાર્થીઓ કેન્ટીનમાં કે ગલ્લે ગપ્પા મારી રહ્યા હોય. પ્રોફેસર પણ ઘણી વાર તેને સલાહ આપતા કે ગ્રુપ બનાવીને કોલેજ લાઈફ એન્જોય કરવી જોઈએ.
પણ ક્રિશ એટલે ક્રિશ કોઈનું માને નહિ અને પોતાના માટે એની પાસે કોઈ સમય નહિ બસ જે કરવું છે એ સમય કરાવે એમ કરવું જોઈએ. .
એ એવું માનતો કે,
"જિંદગી એ ઈશ્વરે આપેલું અમૂલ્ય રતન છે,
જેની પરખ આપણામાં રહેલો ઝવેરી જ સમજી શકે"
(આગળના ભાગમાં જોઇશુ કે કેવી રીતે ક્રીશની જિંદગીમાં વળાંક આવ્યો, અને આ અણધાર્યો બદલાવ શું લાવશે ?)