જીવનમાં ગુરુનું મહત્વ
જીવનમાં ગુરુનું મહત્વ
" ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર,
ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમઃ "
અષાઢ સુદ પૂનમ એટલે "ગુરુપૂનમ " અથવા "વ્યાસપૂનમ".આ દિવસે ગુરુની સમીપે એમનાં સાંનિધ્યમાં શિષ્યભાવથી વંદના, ગુરુપૂજન કરવામાં આવે છે. આપણે ત્યાં વૈદિકકાળથી ગુરુનું આદરણીય સ્થાન રહ્યું છે. રાજા મહારાજાઆે પણ પોતાના દરબારમાં ગુરુને સ્થાન આપી એમના માર્ગદર્શન હેઠળ સુચારું
રાજ્યવહીવટ સંભાળતા.
સામાન્યરીતે લોકમાનસમાં ગુરુનો સંકુચિત અર્થ કરતા હોય છે.જેમકે, તિલક કરી કંઠી બાંધે
તે ગુરુ .પણ ,ગુરુનો આવો સંકુચિત અર્થ કરવો વાજબી નથી.
"ગુરુ"-શબ્દનો અર્થ મોટું, વિશાળ, શ્રેષ્ઠ એવો થાય છે.
"ગુરુ"- અર્થાત્ 'અજ્ઞાનરૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાય તે. '
ગુરુ એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ નહિ ગુરુ માતા, પિતા, શાળાના શિક્ષક પણ હોય. વ્યાપક અર્થમાં જોઈએ તો તે ધર્મગુરુ, વિદ્યાગુરુ, આધ્યાત્મિકગુરુ, અને સદ્ ગુરુ પણ હોય.
ગુરુ શિષ્ય પરંપરાથી વિચારીએ તો ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના અવતારકાળમાં મહર્ષિવસિષ્ઠ અને સાંદિપની જેવા ગુરુ વગર તેઓ પોતાનો આદર્શ ન સ્થાપી શક્યા હોત. દેવર્ષિ નારદ ના હોત તો વાલિયો લૂંટારો મહાત્મા વાલ્મીકી ના બન્યા હોત અને આપણને રામાયણરૂપી મહાન ગ્રંથ ન મલ્યો હોત. દ્રોણાચાર્ય જેવા ગુરુ વગર અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર ન બન્યો હોત. ભોજલરામ જેવા ગુરુ મળવાથી જલારામ જેવા પરોપકારી સંત મલ્યા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા સમર્થ પુરૂષના લીધે વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિનો ઉદય થયો. કુરૂક્ષેત્રના રણમેદાનમાં શ્રીકૃષ્ણ જેવા ગુરુનાં ગીતાજ્ઞાન વગર અર્જુન યુધ્ધ માટે તૈયાર ન થઈ શક્યો હોત. દરેક મહાપુરુષોના જીવનમાં કયાંક ને ક્યાંક ગુરુનું યોગદાન રહ્યું છે.
આધુનિક ટેક્નોલોજીના સમયમાં લોકોને ગુરુનું મહત્વ સમજાવીએ અને ગુરુ પ્રત્યેની ભાવના સ્થાપિત કરીએ અને ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરીએ. છેલ્લે, કબીર સાહેબ ના દોહાને યાદ કરીએ -
" ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાય,
બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો દિખાય.. "
