જીવન સંગ્રામ ભાગ-૧
જીવન સંગ્રામ ભાગ-૧


શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ, જેને આપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ. પણ આ હોસ્ટેલ કંઈક જુદાજ પ્રકારની હતી. તેનું નામ હતું, તપોવનધામ. તપોવનધામ ન તો કોઈ સ્કૂલ હતી કે ન તો કોઈ કોલેજ. તપોવનધામ તો હતુ વિદ્યાર્થીઓને રહેવા માટે નું ઘર. તપોવન ધામનું વાતાવરણ જોતાજ આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. તે આપણને કોઈ ઋષિ મુનીનો આશ્રમ લાગે. સ્વચ્છ અને સુંદર મકાન, નાના નાના ફૂલ છોડ, સરસ હાર બંધ વવેલ વૃક્ષો. રમત માટેનું મેદાન, ભોજન માટે રસોઈઘર. આમ અહીંનું વાતાવરણ મનોરમ્ય હતું.
આ તપોવન ધામનું સંચાલન પરમાનંદ કરતા હતા. પરમાનંદ વ્યવસાયે શિક્ષક હતાં. તેમણે સરકારી નોકરી છોડી દીધી કે પછી છોડવી પડી તે વિશે તે કંઈ કહેવા માગતા ન હતા. પરમાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે 'તમે જો આ હોસ્ટેલની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલ ખોલી હોત તો સારી એવી કમાણી થાત. આમાં તો તમારો રોટલો નીકળવો કઠિન છે.' ત્યારે જવાબ આપતા પરમાનંદ એ કહ્યું કે 'મેં આ તપોવન ધામ રૂપિયા કમાવા માટે નથી ખોલ્યું અને રહી રોટલાની વાત તો મને પ્રભુ પર વિશ્વાસ છે કે પેટ ભરાય તેટલો રોટલો તો મને મળીજ રહેશે.' 'તો પછી આ તપોવન ધામમાં માત્ર બાર વિદ્યાર્થીઓની જગ્યાએ વધારે વિદ્યાર્થીઓ રાખ્યા હોત તો ?' જવાબમાં પરમાનંદ એ કહ્યું કે 'મારાથી આ ૧૨ વિદ્યાર્થીઓ માંડ સચવાશે અને વળી મારે આ ૧૨ વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાજ નથી, પણ એક આદર્શ માણસ બનાવી સમાજમાં મોકલવા છે. જે સમાજમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરશે. સમાજમાં વૈદિક વિચારોને, આપણી સંસ્કૃતિને ઉભી કરશે. આ ૧૨ વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીજ આ તપોવન ધામમાં નહીં રહે પણ મને જ્યારે એમ થશે કે તેઓ હવે સમાજમાં કંઈક કરી બતાવશે ત્યારે જ તપોવન ધામ છોડશે. એવી શરતે આ વિદ્યાર્થીઓને અહીં રાખ્યા છે.'
પરમાનંદને જ્યારે તેમના કુટુંબ વિશે પૂછવામાં આવ્યો ત્યારે ત્યારે તેને કહ્યું કે 'મારૂ કુટુંબ આ ૧૨ વિદ્યાર્થીઓજ છે.' તપોવન ધામની રોજીંદી પ્રવૃતિ શું છે ? તેના જવાબમાં પરમાનંદ કહ્યું કે '૫:૦૦ વાગે ઉઠી નાહી-ધોઈ પરવારીને સૂર્ય નમસ્કાર કરવાના, ત્યારબાદ યોગ કરી મન મજબૂત બનાવવાનું, ત્યારબાદ સવારની પ્રાર્થના કરી મન અને વાતાવરણ શુદ્ધ કરવાનું. ત્યારબાદ વૃક્ષોની માવજત કરવાની. પછી સવારનો નાસ્તો કરવાનો. આ નાસ્તો તથા ભોજન બનાવવાનું કામ પણ વિદ્યાર્થીઓને જ કરવાનું થતું. તથા હું અને બધા વિદ્યાર્થીઓ સાથે જમતાં. ત્યાર બાદ અભ્યાસ માટે બધાજ વિદ્યાર્થીઓ બાજુની સ્કૂલમાં જતા ૧૨:૩૦ વાગ્યે પાછા આવી ભોજન લેતા. ત્યાર બાદ બે વાગ્યા સુધી આરામ કરી ૨થી ૩:૩૦ સુધી ખેતી કામ કરવાનું. ૩:૩૦ થી ૫:૩૦ સુધી હોમવર્ક કરવાનું. ૫:૩૦ થી ૬:૩૦ સુધી જુદી જુદી રમતો રમવાની, ત્યાર બાદ સાંજના ભોજનની વ્યવસ્થા કરવાની. ૭:૧૫ વાગ્યે સાંજનું ભોજન લેવાનું. ૮:૦૦ વાગ્યે પટાંગણમાં સાંજની પ્રાર્થના, અને પ્રાર્થના બાદ સમાજની, દેશની, સંસ્કૃતિની આમ જુદા જુદા વિષય પર એક કલાક ચર્ચા થતી. ત્યાર બાદ વાંચન કરવામાં આવતું,અને ૧૧:૦૦ વાગ્યે સૂઈ જવાનું .આમ આવી રોજીંદી પ્રવૃતિ કરવામાં આવતી. વિવિધ ઉત્સવો ખાસ દિવસ તરીખે તરીકે ઉજવતા.'
તપોવન ધામમાં ભણતા આ ૧૨ વિદ્યાર્થીઓના નામ ક્રમશઃ રાજન, રાજ, રતન, રજત, રમણ, ભરત, ભાવિન, ભવ્ય, કમલ, સનત અને ગગન. આ 12 વિદ્યાર્થીઓ એક સાથેજ અભ્યાસ કરતા હતા. બધા વચ્ચે ગજબનું ઐકય હતું,અને હોયજ ને જેને પરમાનંદ જેવી વ્યક્તિના સહવાસમાં રહેવાનું થતું હોય.
આમાં રાજન,રાજ, સનત અને કમલ ને બૌદ્ધિક ચર્ચામાં કોઈ ન પહોંચતું. તો વળી રજત રમણ ભરત અને ભવ્યને રાજકીય ચર્ચામાં કોઈ ન પહોચતું. આમ આ બધામાં નાનપણથી જ કંઈને કંઈ વિશેષ લક્ષણો હતાં,ને એ લક્ષણો ને ધ્યાનમાં રાખીને તેને વિકસાવવા અનુકૂળ વાતાવરણ પુરુ પાડવામાં આવ્યું હતું.
એક દિવસની સાંજે ચર્ચા ચાલતી હતી. પરમાનંદ સમાજમાં કેવી રીતે રહેવું, સમાજ કેવો છે અને કેવો હોવો જોઈએ, તે વિશે ચર્ચા કરતા હતા. ત્યારે રાજે પ્રશ્ન કર્યો કે \સર,સમાજ એટલે શું ? શું, પાંચ પચ્ચીસ માણસો ભેગા મળીને રહે તેને સમાજ કહેવાય ?' જવાબમાં પરમાનંદ બોલ્યા; 'ના,પાંચ- પચ્ચીસ માણસો ભેગા મળીને રહે તે ટોળું પણ કહેવાય અથવા સમૂહ પણ કહેવાય .એટલે કે એ ટોળું છે કે સમૂહ તે તેના વર્તન પરથી નક્કી થાય છે .જ્યારે સમાજ એટલે અમુક રિવાજ, અમુક નિયમ અને આપણી સંસ્કૃતિને અપનાવીને રહેતો માણસોનો સમૂહ.'
'અમુક રીવાજ, અમુક નિયમ એટલે શું ? સનતે પૂછ્યું.'
'જેમ કે માણસે માણસ પર અત્યાચાર ન કરવો.પોતાના કુટુંબ સાથે રહેવું. કુટુંબ પ્રત્યે પોતાની ફરજો અદા કરવી, જેવી કે બાળકો, પત્ની, મા -બાપ,ભાઈ- બહેનનું ભરણ પોષણ કરવું વગેરે.'
'તો શું કુટુંબ એટલે બીજાના માટે જીવવું તે જ ! આશ્ચર્યથી રાજન બોલ્યો.'
'હા તારી વાત સાચી છે પણ થોડો ફેરફાર છે. કુટુંબ એટલે બીજાના માટે જીવી પોતાનું કલ્યાણ કરવું.'
'તો સર આપણે બધા રહીએ છીએ તે સમાજ છે કે ટોળું છે કે સમૂહ કે પછી કુટુંબ રજત બોલ્યો.
પરમાનંદ એ કહ્યું કે 'ના .....આ નથી સમાજ કે નથી સમૂહ ... આતો છે, વિદ્યાની દેવી સરસ્વતીનું મંદિર અને આપણે છીએ તેના પુજારી.'
'સર સમાજમાં શાંતિની સ્થાપના કેવી રીતે થાય ? રજતે અધીરાઈથી પૂછ્યું.'
'સમાજમાં શાંતિ ધર્મ દ્વારાજ આવે.' પરમાનંદ એ જવાબ આપ્યો.
'પણ સર આજે સમાજમાં ધર્મના કારણેજ અશાંતિ ફેલાણી છે તો પછી શાંતિની વાત ક્યાં કરવી ?ભારપૂર્વક ભવ્ય બોલ્યો.
'આજે ધર્મને એક વાડા - સંપ્રદાયમાં બાંધી દેવામાં આવ્યો છે .પરંતુ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે 'દરેકના હૃદયમાં મારો વાસ છે, દરેક જીવ મારો અંશ છે .જો આ વાત બધા સમજે તો વિશ્વ- બંધુત્વની, ભાઈચારાની લાગણી ઉભી થાય અને આપોઆપ શાંતિ આવી જાય. પરમાનંદે ભવ્ય પ્રશ્નનો ઉત્તર આપ્યો.
બસ હવે ઘણો સમય થઈ ગયો છે ચાલો ગુડ નાઈટ.
બધા:- ગુડ નાઈટ સર
બધા પોતપોતાના રૂમમાં સૂવા જતા રહે છે. બારે બાર વિદ્યાર્થીઓ ભણી ને ખૂબ આગળ વધ્યા .તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો...
રજત :- એમ.એ.એમ.એડ. કોલેજકાળથીજ વિદ્યાર્થી યુનિયનનો નેતા. હાલ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલ.
રમણ:- એમ.એ.એમ.એડ.રાજકીય ક્ષેત્ર
રાજ:- એલ.એલ.બી. વકીલાત કરવી.
રતન:- આઇ.એ.એસ.કલેક્ટર.
સનત:- પોલીસ કમિશનર.
રાજન:- સી.આઇ. ડી.ક્રાઇમ બ્રાન્ચ ચીફ ઇન્સ્પેક્ટર.
રાજેશ:- જનરલ સર્જન ડોકટર .
ભરત:- રાજકિય ક્ષેત્ર.
ભવ્ય:- રાજકીય ક્ષેત્રમાં આગળ વધવું.
ભાવિન:- આઇ.એ.એસ. કલેક્ટર.
કમલ:- પોલીસ ઇન્સ્પેકટર.
ગગન:- શીક્ષક. બાળકોને નાનપણથીજ સારા વિચારો આપી સારા નાગરિક બનાવવાની ઇચ્છા.
આમ તો આ બારે બાર વિદ્યાર્થીના સરખા ગુણની વાત કરીએ તો વૈદિક વિચાર પચાવવાની ક્ષમતા, અસત્ય તથા અન્યાય સામે લડત આપવી, નીડરતા, દેશ પ્રેમ, સમાજસેવા, તેજસ્વિતા, નમ્રતા, તત્પરતા વગેરે જેવા ગુણો તો હતાજ અને કેમ ન હોય પરમાનંદ એ આવા ગુણોનું વાવેતર કરવા તો પોતાની પાસે રાખ્યા હતા.
બધાજ સાંજના ભોજન બાદ તપોવનના પટાંગણમાં બેઠા બેઠા ચર્ચા કરતા હતા. એટલામાં પરમાનંદ આવે છે. બધા સાથે મળીને પ્રાર્થના કરે છે ત્યારબાદ.....
પરમાનંદ :- 'હવે તમારે તમારા ઘેર જવાને થોડા દિવસોજ છે. પછી તમારે તમારી રીતે જીવવાનું છે. મેં આપેલા, એટલે કે આપણી વૈદિક સંસ્કૃતિના વિચારોને તમારા જીવનમાં ઉતારીને પુરેપુરો ઉપયોગ કરજો. કોઈ લાલચમાં આવી તમારી ફરજ ચૂકશો નહીં. તમારા હોદ્દાનો દુરુપયોગ કરી કોઇ સામાન્ય માણસને હેરાન ન કરશો. આ વિચારોને તમારા જીવનમાં ઉતારી તે જ પ્રમાણે તમારું જીવન જીવજો. તમે બધા અલગ અલગ કાર્યક્ષેત્રમાં જવાના છો. બધા જ ઈમાનદારીથી પોતાની ફરજને પૂરેપૂરા વફાદાર રહેજો. બીજા માણસોને તમારાથી કંઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખજો. અને દોષિતને કોઈ પણ ભોગે છોડતા નહીં. કોઈથી ડરી ને તેના શરણે ન થતા. કોઈની સામે લાચારીથી તમારું મસ્તક નમાવતા નહીં. અને આપણી વૈદિક સંસ્કૃતિને સમાજમાં પાછી ઊભી કરવાનો પ્રયત્ન કરજો. તમારામાં તમારા હોદ્દાનો અહંકાર રાખજો પણ એ અહંકાર અભિમાનમાં ન પરિણામે તેનું ધ્યાન રાખજો. કારણ કે, અહંકાર વગરનો માણસ બીજાનો શિકાર બને છે. ભગવાન પર પૂરેપૂરી શ્રદ્ધા રાખજો. દુઃખમાં ભાંગી ન જતા અને સુખમાં છકી ન જતા. મારી આવી વાતોનો અર્થ એ નથી કે મને તમારા પર વિશ્વાસ નથી પરંતુ મારે મારી ફરજ તો પૂરી કરવી કરવી પડે ને. બાકી મને તમારા પર પુરેપુરો વિશ્વાસ છે.
રજત:- પણ સર, અમારે કુટુંબમાં રહેવું પડશે. સંસાર ન માંડતા બ્રહ્મચારી બનીએ તો સમાજમાં સારું કામ કરી શકીએ. જો કુટુંબ, સંસારમાં રહીશું તો અમે એમાં જ રચ્યા-પચ્યા રહીશું અને અમારે ખરેખર જે કાર્ય કરવાનું છે તે રહી જશે.
પરમાનંદ:- રજત, જો તમારે સમાજને ખરેખર સમજવો હોય તો સમાજમાં રહેવું પડશે. અને રહી વાત સંસારની તો માણસને મહાન બનાવવામાં મોટો ફાળો સ્ત્રીનોજ હોય છે, કારણકે નારીએ મહાશક્તિશાળી છે. જો તે ધારે તો માણસને સફળતાના ઊંચા શિખર પર બેસાડી દે, અને જો ધારે તો ઊંડી ખાઇમાં પછાડી દે. અને વળી જો સંસારમાં નહીં રહો તો સંસારમાં કેવી-કેવી મુશ્કેલી ઊભી થાય છે અને તે કઈ રીતે નિવારી શકાય તે શીખવા નહીં મળે. અને માણસનું સાચું ઘડતર તો પરિસ્થિતિ અને સમય -સમાજ કરે છે." કુટુંબમાં રહી કુટુંબનું કામ કરી પોતાનું અને સમાજનું કલ્યાણ કરે તે જ આદર્શ માણસ."
રાજ :-'સર,એક પ્રશ્ન પૂછું, જો તમે ગુસ્સે ન થાવ તો અને મારા પ્રશ્નનો બીજો અર્થ ન કાઢો તો...'
પરમાનંદ :- પૂછ... પ્રશ્નો પૂછે તો જ તેનો જવાબ મળે ને.પછી ભલેને તે ગમે તેવો હલકો પ્રશ્નો હોય. એક તો પ્રશ્નો પૂછવામાં કદી સંકોચ ન રખાય અને વળી તે પ્રશ્નનો જવાબ આપણી અપેક્ષા મુજબજ આવશે તેવી આશા ન રખાય. માટે રાજ તુ નિસંકોચ તારો પ્રશ્ન પૂછ.
રાજ:- 'સર,તમે કહ્યું કે કુટુંબમાં રહી કુટુંબનું કાર્ય કરી પોતાનું અને સમાજનું કલ્યાણ કરે તે આદર્શ માનવ .તો સર .....તમારે કોઈ કુટુંબ.......?'
પરમાનંદ:- 'રાજ, તારી આ વાતનો જવાબ જ્યારે તમે જવાના હશો ને તે છેલ્લે દિવસે આપીશ, કારણ કે મારો જવાબ સાંભળ્યા પછી તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં.'
રતન :- 'પણ સર, જો સમાજમાં શાંતિ સ્થાપવી હોય તો ધર્મથી શાંતિ સ્થાપી શકાય તો અમે બધા આ જુદી જુદી પોસ્ટ (નોકરી ) સંભાળવાને બદલે ધર્મ એટલે કે વૈદિક વિચારો લઇને સમાજમાં જઈએ તો વૈદિક સંસ્કૃતિને સમાજમાં ઝડપથી સ્થાપી શકાશે.'
પરમાનંદ :- 'રતન આ તારો વિચાર સારો છે પણ તે હજી સમાજને જોયો નથી. તું ધારે તેટલી સહેલાઈથી વૈદિક સંસ્કૃતિ સ્થાપવી શક્ય નથી. કારણ કે આજનો માણસ સ્વાર્થી બની ગયો છે. દરેક માણસ કાં' તો બીજાની ગુલામી કરે છે અને કાં' તો બીજા પાસે ગુલામી કરાવે છે.'
ભવ્ય:- 'આમાં કંઈ સમજાયું નહીં સર.'
પરમાનંદ:- 'આજે સમાજમાં કંઈક હોદાવાળી, પૈસાવાળી વ્યક્તિ બીજા માણસને તુચ્છ ગણે છે, જ્યારે સામી બાજુ સામાન્ય માણસ કોઈ પૈસાવાળી કે હોદાવાળી વ્યક્તિને મહાન સમજી તેની ચાપલૂસી કરે છે. આજે સમાજમાં શ્રીમંત પ્રથા ચાલે છે.'
ગગન:- 'સર આ શ્રીમંત પ્રથા એટલે શું ?'
પરમાનંદ :- 'શ્રીકૃષ્ણની પેલી વાત તો તમે જાણો છો ને કે ઈન્દ્રની પૂજા બંધ કરાવી અને ગોવર્ધન પૂજા ચાલુ કરાવી.'
કમલ:-' હા.....હા...... પછી ઇન્દ્ર ......વર્ષા વરસાવે છે ને...........'
પરમાનંદ:- 'હા આજે સમાજમાં પણ મોટા વગશાળી, પૈસાદાર માણસોની પૂજા બીકથી જ કરે છે. બસ હવે ઘણો સમય થય ગયો ચાલો હવે સૂઈ જાવ.
ભરત:- 'પણ સર,મારા એક પ્રશ્નનો જવાબ આપો ને પ્લીઝ, અમે બધા એકબીજા વગર રહી શકીએ તેમ નથી.અને વળી,તમે અમને જુદી જુદી પોસ્ટ (નોકરી ) અપાવી છે તો એમાં ક્યારેક અમારે સામ - સામી લડાઈ લડવાની પણ થાય તો ત્યારે અમારે શું કરવાનું ?'
પરમાનંદ:-'પહેલા એક વાત ધ્યાનમાં રાખો કે મેં તમને કોઈ પોસ્ટ (નોકરી )અપાવી નથી. તમારી ધગશ, મહેનત અને કાબેલિયતથી તમે તમારી પોસ્ટ (નોકરી) મેળવી છે. મેં તો માત્ર માર્ગદર્શન આપ્યું છે. અને બીજું કે સંબંધ એ લાગણીથી બંધાયેલો હોય છે. તમે જ્યારે તમારી ફરજ પર જાવ ત્યારે લાગણી ઘેર મૂકીને જવું પડશે અને સામ - સામે આવો ત્યારે એક વાત યાદ રાખવાની કે મારી હારમાંજ મારા મિત્રની જીત છે. ભગવાન ન કરે કે આવા દિવસો આવે.'
રજત:- 'સર,આ બધા તો ઠીક પણ હું, રમણ, ભરત અને ભવ્ય અમે ચારે રાજકીય ક્ષેત્રમાં છીએ. તમે કહેતા હતા કે રાજકારણ એ ગંદી રમત થઈ ગઈ છે, તો પછી અમને રાજકીય ક્ષેત્રમાં જતા શા માટે ન રોક્યા ?'
પરમાનંદ:- 'કોઈ વસ્તુ ખરાબ છે તેથી તે નો કરવી જોઈએ એમ મેં ક્યારેય કહ્યું નથી. અને વળી,આ રાજકીય ક્ષેત્રમાં તો તમે ધારો એટલી અને ધારો એવી સમાજસેવા કરી શકો છો. પણ,જો ઈમાનદાર રહો તો. અને મને ખાતરી છે કે તમે તમારી ફરજ પૂરેપૂરી ઈમાનદારીથી નિભાવશો. એટલે જ તમને આ ક્ષેત્રમાં આગળ વધતા અટકાવ્યા નથી. બસ હવે સુઈ જાવ. સવાર થી તમારે તમારી ફરજ પર હાજર થવાનું છે ....માટે બધાને ગુડ નાઈટ'
બધા:- 'ગુડનાઈટ સર.'
બીજા દિવસે સવારે બધા પોત પોતાની ફરજ પર હાજર થયા. આખો દિવસ ઉમંગથી પસાર કર્યો. સાંજે પાછા તપોવન ધામમાં આવ્યા. બધા જમીને સાંજે પ્રાર્થના માટે પટાંગણમાં બેસી અંદરોઅંદર ચર્ચા કરતા હતા.પરમાનંદ આવે છે. બધા સાથે મળીને પ્રાર્થના કરે છે.
પરમાનંદ :- .કેવો રહ્યો પહેલો દિવસ ?'
રજત, રમણ, ભરત, ભવ્ય,:- ખુબજ સરસ રહ્યો, થોડાજ સમયમાં ચૂંટણી આવે છે અને અમને બધાને ધારાસભ્યની ટિકિટ આપવાનું પક્ષ પ્રમુખે નક્કી કર્યું છે. માટે અમે આજથીજ અમારો પ્રચાર પોતાના મત વિસ્તારમાં શરૂ કરી દીધો છે.'
પરમાનંદ:- 'પણ એ ધ્યાન રાખજો કે પ્રચાર કરતી વખતે બીજાની લીટી ભૂસીને તમારી લીટી મોટી નથી કરવાની બરાબર.'
રાજ :- 'સર, મારે આજ એક એવો કેસ લડવાનો થયો કે એક વ્યક્તિ ઉપર તેનીજ વાડીના મજુરની છોકરીના ખૂનનો આરોપ છે. જ્યારે તે વ્યક્તિ કહે છે કે આ ખુન મેં નથી કર્યું. બસ હવે તે વ્યક્તિને ખરેખર નિર્દોષ જાહેર કરાવું ને એને નિર્દોષ છોડાવવું ત્યારે જ મને શાંતિ થશે.'
પરમાનંદ:- 'ના રાજ,તું એને નિર્દોષ છોડાવવા માંગે છે. પણ, તને ખબર છે કે તે ખરેખર નિર્દોષ છે.
રાજ :- 'તે વ્યક્તિના કહેવા પ્રમાણે તે...'
પરમાનંદ:- 'નહીં, તે વ્યક્તિના કહેવા પર નહીં પણ હકીકત પર તારે આ કેસ લડવાનો છે. જો તે વ્યક્તિ ખરેખર નિર્દોષ છે તો તારે તેને બચાવવી જોઈએ. પણ જો તે વ્યક્તિ ગુનેગાર છે તો તારેજ સજા કરાવવી પડશે કારણકે, તે જ તારો વ્યવસાય છે અને તે જ તારો માનવ ધર્મ છે.'
રાજ:- 'તો સર, મારે હવે શું કરવાનું ?'
પરમાનંદ:- 'તે વ્યક્તિનું નામ શું છે ?'
રાજ :-'જતીન અજમેરા.'
પરમાનંદ :- 'તારે કોર્ટમાં અપીલ કરવાની કે આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવે. કારણ દર્શાવવા કોર્ટને રજૂઆત કરવાની કે આ કેસના પુરાવા અધૂરા છે. માટે આરોપીની અરજી નામદાર કોર્ટ માન્ય રાખે તેવી અરજી કરવાની બરાબરને.'
રાજ:- 'હા સર સવારે જ અરજી કરવી દવ.'
પરમાનંદ:- 'બરાબર.ચાલો ત્યારે, બધાને ગુડ નાઈટ'
બધા:- 'ગુડ નાઈટ સર.'
બીજે દિવસે કોર્ટમાં રાજે રજૂઆત કરી કે જતીન અજમેરાના કેસમાં અપૂરતા પુરાવા છે. માટે તેની તપાસ સીઆઇડી દ્વારા કરાવવામાં આવે. અદાલતે રાજ ની રજૂઆત માન્ય રાખી અને કેસની તપાસ સીઆઈડીને સોંપી. તથા હુકમ કર્યો કે સીઆઇડી દ્વારા ઝીણવટથી તપાસ કરવામાં આવે અને બને તેટલી ઝડપથી પુરાવા અદાલતની સામે રજૂ કરે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતા રાજ પોતાની ઓફીસ તરફ પાછો જતો હતો, ત્યાં જ મોબાઈલની રીંગ વાગે છે .
રાજ :- (મોબાઇલ ઓન કરી )હેલો.......
સૂર્યદીપ :- 'સૂર્ય દીપ સિંહ બોલું છું. જો વકીલ તે આજે કોર્ટમાં જે કંઈ માંગણી કરી છે તે પાછી બંધ કરાવી દે. આ કેસની સી.આઈ.ડી. તપાસ ન થવી જોઈએ. બદલામાં તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા માંગી લે અને નહીં તો આ સુર્યદીપ સિંહના પંજામાંથી કોઈ બચ્યા નથી સમજ્યો.'
રાજ :- 'ચુપ મને લાંચ આપનાર હું તને પણ સજા કરાવી શકું છું.'
સૂર્યદીપ:- 'જો વકીલ ઠંડા દિમાગથી વિચારી રાખજે, હું તને પાછો ફોન કરીશ સમજ્યો.'
ફોન કટ થાય છે. રાજ ત્યાંથી સીધો પોતાની ઓફિસે જાય છે. સામી બાજુ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ચીફ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજન આ કેસની તપાસ માટે પોલીસ સ્ટેશને ઇન્સ્પેક્ટર કમલને મળવા જાય છે.
ક્રમશ:..