હું છું ને !!!
હું છું ને !!!


હું છું ને !!! સ્ત્રી વિશે, સ્ત્રી માટે કંઈક વિશેષ.
આ વાર્તા મેં એક સ્ત્રી વિકટ પરિસ્થિતિમાં બીજી સ્ત્રીને કઈ રીતે મદદ કરી શકે એ વાતને ધ્યાન માં રાખી ને લખી છે ... મને વિશ્વાસ છે કે તમને આ ચોક્કસ પસંદ આવશે.અને તમે તમારા ફીડબેક મને જરૂરથી મોકલાવશો.
રેખા પોતાને એક રૂમમાં બંધ કરીને બેઠી હતી. મોઢા પર ગુસ્સો અને હાથની મુઠ્ઠીઓ દબાઈને વાળેલી હમણાં થોડીકવાર પહેલાજ રૂમનો દરવાજો ધબ દઈ પછાડી, પગ પર શરીરનો બધોજ ભાર દઈ ચાલતી રેખા પોતાના પલંગ પર વિખરાઈ ગઈ. આ પહેલીવાર નહોતું. રેખા જયારે પણ લગ્નની વાત આવે ત્યારે આ રીતે જ વર્તન કરતી. રેખાની આટલી વાત વાંચતા જ તમને મનમાં ચોક્કસ એવું થતું હશે કે રેખા એ આજકાલની મોર્ડન છોકરી જેવી હશે જે પોતાની મરજીથી જિંદગી જીવવાની જીદ્દ કરતી હોય કે માત્ર કરિયર જ એની આખરી ચોઈસ હોય પણ વાત આવી કોઈજ નહોતી.
રેખાની ઉમર ૨૨ વર્ષની હતી. લગ્ન કરવાની ઈચ્છા એને પણ હતી પરંતુ એ ઇચ્છતી કે એની મોટી બહેન જયા જે એનાથી ૩ વર્ષ મોટી હતી એના લગ્ન પહેલા થાય. છેલ્લા ૫ વર્ષથી જયા માટે છોકરાઓ જોવાનું કામ ચાલુ હતું પણ એમાં બહુ મોટી અડચણ હતી એને એ હતી જયાની શારીરિક પરિસ્થિતિ.
જયા માં બને એ શક્ય નહોતું અને આ વાત જયા પહેલેથી જ જણાતી હતી. જયાના માં-બાપ પણ આ વાતથી અજાણ નહોતા. ખુબજ સુંદર અને હોશિયાર એવી જયા એટલી દુઃખી રહેતી કે એના દુ:ખે એને ડિપ્રેશનમાં ધકેલી દીધી. આ છે મહેતા પરિવારની બંને દીકરીઓની કહાની જ્યાં લગ્નની વાતે ઘરમાં ભૂકંપ આવી જતો.
જયા માટે જયારે છોકરો જોવામાં આવે અને એને જયાની પરિસ્થિતિ જાણવામાં આવે કે જયા ઘરમાં નાના બાળક ને જન્મ નહિ આપી શકે તો સામે પક્ષના લોકો મોઢું ચઢાવી તો ક્યારેક ગુસ્સામાં ચાલ્યા જતા. ક્યારેક તો જયા ને અપમાનિત પણ થવું પડતું.
એકવાર આ રીતે જ જોવા આવેલ છોકરાની મમ્મીએ જયાને મોઢા પર અશુભ અને કલંકિત કહી. એટલુંજ નહિ તેમને કહ્યું કે જયા એ સ્ત્રીમાંજ ન ગણાય. આ વાત સાંભળી ત્યાં હાજર રેખા ગુસ્સાથી લાલ થઇ એમને તરતજ ત્યાંથી ચાલી જવા કહ્યું.
મહેતા પરિવારમાં એવું અવારનવાર બનવા લાગ્યું. મોટે ભાગે એવું થતું કે જયા રડવાનું શરુ કરી દેતી અને રેખા ગુસ્સે થઇ એના માં-બાપને છોકરા ને ઘરે ના બોલવા વિનંતી કરતી. આ પરિસ્થિતિમાં વાંક કોઈનો નહતો પણ પરિણામ હંમેશા ઝગડો જ આવતું.
જયાના લગ્ન થશેજ નહિ એવું ધારી હવે જયા ના માં-બાપે રેખા માટે છોકરા જોવાનું ચાલુ કર્યું. રેખા દેખાવે વધુ સુંદર અને ચબરાક હતી પણ સ્વભાવે તડ ને ભડ કરનારી. પોતાની મોટી બેન માત્ર માં નહિ બની શકવાને કારણે તે આમજ લોકોના મહેણાં-ટોણાં ભોગવતી રહેશે એ જોઈ રેખા એ પણ પોતાનો વિચાર બદલ્યો.
ના, લગ્ન નહિ કરવાનો વિચાર નહી પણ બીજો.
એકવાર રેખાને જોવા આવેલા છોકરા અને એના માં-બાપને રેખાએ મોઢે કહી દીધું." હું લગ્ન માટે તૈયાર છું પણ મારી એક શરત છે. હું ક્યારેય પોતાના બાળકને જન્મ નહિ આપું." આ સાંભળી માત્ર સામે પક્ષથી આવેલા છોકરાના પરિવારના જ નહિ પરંતુ રેખાના પરિવારના પણ બધા ચોંકી ગયા. રેખા આ શું બોલી ગઈ પણ રેખાના ચહેરા પર છલકાતા વિશ્વાસને જોઈને એ નક્કી હતું કે રેખા આ વિચાર બદલશે નહિ. રેખા માટે આ નિર્ણય અડગ હતો. જેટલીવાર એને જોવા કોઈ આવતું રેખા આ જવાબ જ આપતી. દર વખતે ઘરમાં મહાયુદ્ધ થતું. જયારે પણ આવી પરિસ્થિતિ સર્જાતી ત્યારે રેખા આવીજ રીતે પગ પછાડી પોતાના રૂમમાં ચાલી જતી. જયા આ બધું જોઈને ખુશ તો નહોતી જ પણ એને ખ્યાલ હતો કે રેખા પોતાની પરિસ્થિતિ જોઈને જ આ નિર્ણય લીધો છે. જયા ના પડખે સહિયારો આપવા માટે કોઈ રહ્યું નહિ ત્યારે રેખાએ કંઈક આ રીતે પોતાની બહેનને સાથ આપ્યો.
સમાજમાં આવા લોકો થકી સુધારો આવે કે નહિ એ તો મને પણ ખબર નથી પણ લાચાર અને કોઈ પણ વાંક ગૂના વગર ગુનેગાર ની નજરે જોવાતી વ્યક્તિને જયારે કોઈ આ રીતે સાથ આપે ત્યારે એટલો સાથ પણ એને હિંમત આપે છે. રેખાના મા-બાપ પણ તેની આ જીદ્દને સમજતાં હતાં. તેઓ જાણતા હતાં કે રેખા પોતે પણ સાચી છે અને જયા ને તે પુરેપૂરો સાથ આપે છે અને આપતી રહેશે. જયા કે રેખા ને સમજવાવાળો છોકરો મળશે કે નહિ એ હું સમાજ પાર છોડું છું પણ મારી વાત પૂરી કરતા પહેલા એટલું ચોક્કસ કહીશ કે માત્ર માં બની શકે તેવીજ સ્ત્રી ને ખરી સ્ત્રી ગણતાં લોકો અને એક સ્ત્રીનો માત્ર પોતાના પરિવારનો વંશ વધારવા ઉપયોગમાં લેતા લોકોની આ દુનિયામાં કમી નથી.
આવા વિચિત્ર વિચારો ધરાવતા આપણા સમાજના લોકોને એ સમજવાની જરૂર છે કે સ્ત્રી માત્ર બીજ નથી જે તમને ફળ આપીને પોતાની જવાબદારી પૂરી કરે. સ્ત્રી એક એવું ફૂલ છે જે તમારા ઘર ને મહેકાવે છે. તમારા ઘરની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં પોતાનો જીવ ત્યાગે છે. તમારા પરિવાર ને એક બનાવી રાખે છે સ્ત્રીને એક વસ્તુ કે મશીન ગણી ઉપયોગ કરતા લોકો સજાગ રહે કારણકે દુનિયામાં જો જયા જેવી લાચાર સ્ત્રીઓ છે તો રેખા જેવી પ્રશ્ન પૂછનારી અને સામે વળતો પ્રહાર કરનારી સ્ત્રીઓ પણ મોજૂદ છે બસ જરૂર છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીને નિડરતાથી મદદ કરે ને કહે હું છું ને..!