હલાવ્યા વગર દાઝી ગયેલી ખીચડીની વાત
હલાવ્યા વગર દાઝી ગયેલી ખીચડીની વાત


માત્ર એક અઠવાડિયા પહેલા યુ ટ્યુબ પર રીલિઝ થયેલી આ ફિલ્મે ભારતના શિક્ષણ સાથે નિસ્બત ધરાવતા આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક બુસ્ટર ડોઝ આપ્યો છે. !
પોતાની ફરજના પહેલા જ દિવસે શાળાએ હાજર થતા આચાર્ય કેટલાક દ્રશ્યો જુએ છે. શાળાની બાજુમાં દુકાન પર સિગારેટ ખરીદતો વિદ્યાર્થી, વર્ષોથી તૂટી ગયેલો શાળાનો ગેટ, દીવાલમાંથી છીંડું પાડીને પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ, શાળાની દીવાલની અંદર કચરો ફેંકતા પાડોશીઓ, તૂટી ગયેલા નળિયાવાળા ઓરડાઓ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની ધબાધબી, સ્ટાફરૂમમાં ક્યાંક નાસ્તો કરતા તો ક્યાંક ઘર-ઘરની વાતો કરતા માત્ર પગાર સાથે નિસ્બત ધરાવતા શિક્ષકો, પોતાનો ધંધો મૂકીને એક સાથે મહિનાની સહી કરવા આવેલો ગુટલીબાઝ શિક્ષક, ચાલુ ક્લાસે મોબાઈલ પર ગીત સાંભળતી શિક્ષિકા. અને તેની સામે એક માત્ર પોતાના વર્ગમાં કર્તવ્યનિષ્ઠાથી ભણાવતા સુશીલા ટીચર. ! (દરેક શાળામાં આવા એકાદ શિક્ષક તો હોય જ છે.) પછી તો શુંં જાણે વર્ષોથી વસંતની રાહ જોતી ધરતી પર અમી છાંટણા થયાં. . શાળામાં પહેલી વાર પ્રાર્થના સભા યોજાઈ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયપત્રક બન્યું. પરંતુ ફરી એ જ બન્યું જે બનતું આવ્યું છે. કાવતરા, કિન્નાખોરી અને ઈર્ષા. !! જેણે જેણે આ જગતને કૈક નવું આપવા મથામણ કરી છે. જગતે તેને ખૂબ હંફાવ્યા છે. ! પણ આ આચાર્ય કૈક જુદી માટીના હતા. ! રીસેસના સમયે હંમેશા વિદ્યાર્થીઓની સાથે બેસી નાસ્તો કરતા. લંચ બોક્સ શેર કરતા. સીધા વિદ્યાર્થીઓને સ્વપ્ન સાકાર કરવા આવેલા દેવદૂત. તો તોફાની વિદ્યાર્થીઓ માટે કાલીકા સ્વરૂપ લાગતા હતા. આચાર્યએ રવિવારે શાળા ખુલ્લી રાખી વિદ્યાર્થીઓના ટેલેન્ટને ખોજવાનું શરૂ કર્યું. .હંમેશા વ્યસનો અને મારધાડથી ટેવાયેલા બાળકો હવે ડાન્સ, ચિત્રકામ, વકતૃત્વ, નાટક અને કાવ્ય સર્જન કરતા થયાં. ગીતા રાની સાચા અર્થમાં વિદ્યાર્થીઓના દિલમાં રાજ કરવા લાગ્યા. એક આદર્શ આચાર્યની આદર્શ કાર્યપ્રણાલી ફિલ્મમાં ડગલેને પગલે દેખાય છે. હું કેટલુંક લખું. ! સાહેબ હદય પર હાથ રાખીને શિક્ષકનું ખોળિયું આ ફિલ્મ જોવે અને આંખ ભીની ન થાય તો આપણે આ વ્યવસાયમાંથી રાજીનામુ આપવું જ રહ્યું. !! સતત કાવતરા કરતા શિક્ષકોને માત્ર નોટિસ આપીને, ધમકી આપીને, દબાવીને કે કઈ જ પગલાં ન લેતા આચાર્યોએ આ ફિલ્મ વારંવાર જોવી જોઈએ. એક સમયે પોતાની વિરૃદ્ધમાં સમસ્ત ગામને ઉભું કરી જાતિના નામે હુમલો કરાવતા શિક્ષકને શાળાની ટીમનું નેતૃત્વ સોંપવાની આચાર્યની હિંમત અને કુનેહ કાબિલેદાદ છે. અને પરિણામ એ આવ્યું કે, એક સમયનો કાવતારાખોર વિજ્ઞાન શિક્ષક પોતાનો જીવ રેડીને વિદ્યાર્થીઓ માટે મહેનત કરે છે અને દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓને વિજેતા બનાવે છે. શાળાને ગૌરવ અપાવે છે.
સાહેબ. આ વાત પરથી એટલું તો સાબિત થાય છે કે, આચાર્યએ શિક્ષકોને ધ્યાનમાં નથી રાખવાના પરંતુ તેનું ધ્યાન રાખવાનું છે. જેમ બાળકની સો ભૂલ માફ કરીયે છીએ તો શિક્ષકની ભૂલ માટે સજા કેમ !! સજા નહીં સાજા કરે તે આચાર્ય. .શાળામાં પહેલી વખત યોજાયેલું વાલી સંમેલનનું દ્રશ્ય આચાર્યની પ્રતિભા અને દીર્ઘ દૃષ્ટિની ચાડી ખાય છે. .એકદમ સામાન્ય ઘરના વાલીઓ શાળાના રંગરોગાન માટે ઉદાર હાથે ફાળો આપે છે. ડબ્બો પૈસાનો ભરાઈ જાય છે. અને શાળાનું કલરકામ, સફાઈ સહુ સાથે મળી
ને કરે છે. કાવતરાઓ, અરજીઓ અને શિક્ષણ માફિયાઓના ષડયંત્રો વચ્ચે પણ વિદ્યાર્થીઓ માટે ઝઝૂમતા આચાર્યમાં સાક્ષાત ઈશ્વરના દર્શન થાય છે. પોતાના પિતાજીનું અવસાન થતાં માત્ર તેમને અંતિમ હાર પહેરાવી પ્રણામ કરી શાળાએ પહોંચી જવું એથી વધારે સમયપાલન બીજું શુંં હોઈ શકે ? ખૂબ જ કડક શિસ્તના હિમાયતી છતા ગીતા રાની કોઈ દબંગ આચાર્ય નથી. ફિલ્મમાં ઘણા દ્રશ્યોમાં તેમનો પ્રેમાળ ચહેરો દેખાય છે. શાળાનો નાનકડો વિદ્યાર્થી તેમને લગ્નનો પ્રસ્તાવ મૂકે, હાઈસ્કૂલની તરૂણીને ગમતા છોકરા વિશેનું માર્ગદર્શન અને પોતાના પ્રિય પાત્રના મૃત્યુ બાદ આર્મી છોડી બાળકો માટે જીવન સમર્પિત કરવાની ઘટના કેમ ભૂલી શકાય ? પોતાના બાળકને માત્ર સમય પસાર કરવા મોકલતા વાલીઓ માટે ફિલ્મ એક નવી જ દિશા બતાવે છે. પોતાના બાળકને માટે માત્ર ફી ભરવાની જ જવાબદારીથી ઉપર પણ ઘણું કરવાનું છે. પોતાની સાચી મૂડી તો બાળક છે. પોતાના જીવનનો મહત્તમ સમય બાળક માટે જ હોઈ શકે. ! આ વાત વાલીઓએ સમજવી જ રહી. નવમા ધોરણમાં નાપાસ થયેલા બ્યાશી વિદ્યાર્થીઓ કે જે ગામમાં મજૂરી કરતા હતા તેને એકત્ર કરવા શિક્ષકો ઘરે ઘરે ગયા. સહુને સીધા દસમા ધોરણમાં ભણાવ્યા. ખૂબ મહેનત કરી બોર્ડની પરીક્ષા અપાવી. માનવતાની રુએ થયેલી ભૂલ મહાકાય બની. પરિણામ. અરેસ્ટ વોરંટ. .ધરપકડ. અને જેલવાસ. સમસ્ત ગ્રામજનોનો હલ્લાબોલ. પોલીસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન. આખી રાત નાના નાના ભૂલકાઓ અને વાલીઓ ભૂખ્યા અને તરસ્યા પોતાના શિક્ષકને છોડાવવા આંદોલન કરતા રહ્યા. વહેલી સવારે બોર્ડનું પરિણામ આવવાનું હતું. જેલમાં બેઠેલા ગીતારાનીના મનમાં તો સવારના પરિણામની જ રાહ હતી. એ દિવસની સવાર સહુનું મંગલ કરનારી હતી. બોર્ડની પરીક્ષામાં શાળાના બ્યાશીમાંથી ઓગણએશી વિદ્યાર્થીઓ પાસ થયા. ! આ પરિણામ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે કોઈ ચમત્કારથી કે ગીતારાની માટે કોઈ ભારતરત્નથી જરાય ઓછું ન હતું. ! ફરી એકવાર સાબિત થયું કે જો તમેં સાચા છો તો સમગ્ર બ્રહ્માંડની બધી જ તાકાત તમારી સાથે હોય છે. .અંતે સરકારે તેમની ભૂલ માફ કરી વિદ્યાર્થી હિતમાં કરેલા કાર્યને બિરદાવ્યું. .
મિત્રો,
મેડમ ગીતારાની ફિલ્મ આપણા સહુની આંખો ખોલવા માટે મળેલો એક સંકેત છે. વર્ષોથી ઘરેડ બની ચૂકેલી આપણી શિક્ષણની ખીચડી હલાવ્યા વગર દાઝી ગઈ છે. હવે તે બળી જાય એ પહેલાં જાગી જવાની જરૂર છે. શિક્ષણ એ માત્ર વાતોથી નહીં. એક્શનથી જ સુધરી શકે. હંમેશા ફાઈલો, પરિપત્રો અને વાઉચરની ઝંઝટમાં રહેતા શિક્ષકો અને આચાર્યો ક્યાંક પોતાનું મૂળ કામ ભૂલીને ખોટા રસ્તે તો નથીને. ! સૌ પ્રથમ આ પ્રશ્ન મને મારી જાત સાથે થાય છે. બીજી બાજુ આશાનું નવું કિરણ લઈને આવેલી નવી શિક્ષણનીતિ આપણી શાળામાં આમૂલ પરિવર્તનનું બ્યુગલ વગાડવા થનગની રહી છે. સરકાર સતત શિક્ષણ માટે ચિંતિત છે ત્યારે આપણી ભૂમિકા શું ?? સાહેબ સાપ પણ અમુક સમયે કાંચળી બદલે છે તો આપણે તો શિક્ષક છીએ. !! થઈ જાવ તૈયાર સાથીઓ. .કહી દો આવતી કાલને. ભલે ગમે તેવી આફત આવે આશાનો દિપક ક્યારેય નિસ્તેજ નહીં થવા દઈએ. .મહામારીના યુગમાં મોતને ભેટતા પહેલા હું તો મારી ખીચડી દાઝવા નહીં દઉં. ! શું તમે તૈયાર છો ?
જો આ લેખ તમારા હદયસ્થ શિક્ષકત્વને સ્પર્શે તો ગુજરાતના વધુમાં વધુ શિક્ષકો સુધી આ વાત પહોંચાડી ખિસકોલી કર્મનું પુણ્ય મેળવો.