ગુરુ વંદના
ગુરુ વંદના


શિક્ષક કભી સાધારણ નહીં હોતા..... ચાણક્યના આ વાક્યને સાર્થક કરતા મારા જીવન ઘડતરમાં જેમનો વિશેષ ફાળો રહ્યો છે તેવા મારા ગુરુજનોને શિક્ષકદિનની શુભકામના. પણ હા, મારે આજે એવા ગુરુજીની વાત કરવી છે જેમણે મારા ગુરુ તરીકે, અમારા સમાજમાં દીકરીઓના શિક્ષણની ચિંતા કરનાર ચિંતક તરીકે તેમજ અમારા કુટુંબ સાથે ઘરોબો કેળવીને મને મારા જીવનમાર્ગ પર આગળ વધવાની તક આપી. મારા આદર્શ ગુરુજનોમાં જેમની આગવી છાપ છે. તે એટલે મારા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય બાબુલાલ પ્રજાપતિ સાહેબ.
આજથી દસેક વર્ષ પહેલાં અમે ત્રણ બહેનો અને એક ભાઈ તેમજ હાથ મજૂરી કરીને કુટુંબના છ સભ્યો નું માંડ ભરણપોષણ કરાવનાર મારા પિતા પર અમને ભણાવવાની મોટી જવાબદારી હતી. ધોરણ 10 પછી મારો અભ્યાસ બંધ થતો હતો. પણ રિઝલ્ટ આવ્યું કે સાહેબ મારા ઘેર આવ્યા અને પૂછ્યું કે -હેતલબેનનું શું રિઝલ્ટ આવ્યું ? મારી મમ્મીએ જ જવાબ આપી દીધો.. ટકા તો સારા આવ્યા છે પણ હવે ભણાવવાની
નથી. ત્યારે કલાકો સુધી બેસીને ધોરણ 12 સુધી ભણાવવાની પરવાનગી લીધી. બે વર્ષના સમયગાળામાં સાહેબે કેટલીયે વખત અમારા ઘરે આવીને અમારા ખબર અંતર પૂછ્યા. છેવટે મારુ ધોરણ 12નું પરિણામ આવ્યું. મારી ખુશીનો પાર રહ્યો નહીં. પણ આગળ ભણવાની બાબતમાં મારી મમ્મીએ સાફ ના પાડી દીધી. પાછા સાહેબ ઘરે આવ્યા. મને ભણાવવા માટે કેટલાય ઉદાહરણ આપ્યા. છેવટે ફી પણ સાહેબ ભરશે અને કોલેજ પણ ગામમાં આ વર્ષે શરુ થઈ છે. એટલે દીકરી રોજ આપણી નજર સમક્ષ રહેશે.... આ બધું સમજાવટ બાદ કોલેજ કરવાની છૂટ મળી. છેવટે મારી મહેનત અને ગુરુજીની સપનું ફળ્યું. હું કોલેજમાં પ્રથમ આવી. કોલેજ કક્ષાએ મારું સન્માન થયું. પણ એનાથીયે મને વધુ આનંદ ત્યારે થયો જયારે મારું સન્માન મારી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં 26મી જાન્યુઆરી ના દિવસે પ્રમાણપત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું. આજે હું સુરત મધ્યસ્થ જેલ માં જેલ સિપાહી તરીકે ફરજ બજાવી રહી છું પણ મારા આ દિવસોને ભૂલી શકતી નથી.