એકલતાનો નિવેડો
એકલતાનો નિવેડો


અંજુ આજે મોડી ઊઠી. કારણ એજ કે આજે રવિવાર હતો.નોકરી પર જવાની ઉતાવળ આજ આરામ પર હતી. પણ સૂરજને આરામ ક્યાં ? એ એની નિયત ગતિએ ઉપર તરફ ચડતો હતો. મચ્છરજારીથી મઢાયેલી બારીએથી પારદર્શક સુતરાઉ પડદા ચીરતા રાતા કિરણો અંજુના બેડરૂમમાં છુટા હાથે ઉજાસ વેરતો હતો. આખો ચોળતી ચોળતી અંજુ બેઝિંગ સુધી પહોંચી. એની આંખો દર્પણ તરફ હતી. એના સિલ્કી વાળ અસ્તવ્યસ્ત, કરમાયેલ પારિજાતના પુષ્પ સમો ચહેરો અને નિસ્તેજ આંખો સુધી એની નજર ફરી.
બેઝિંગનો નળ ચાલુ હતો. પાણીનો પ્રવાહ બંને હાથના સહયોગથી રચાયેલા ખોબે એકત્રિત થઈ નૂર ગુમાવી ચૂકેલા ચહેરે છંટકાવ થતા. એની નીંદર તો ઊડી પણ એ આધેડ વયની હતી. એટલે ચહેરો ખીલ્યો નહિ. ચાર બીએચકે લુકઝુરિઅર્સ ફલેટની દીવાલો વચ્ચેની એકલતાએ વર્ષોથી પિસાતી અંજુ રસોડા તરફ સરકી. એના હાથમાં એકલતાનો નવો સંગાથી એવો સ્માર્ટફોન સુગમ ધૂન મધ્યમસર અવાજે રજૂ કરતો હતો એના સુરમાં સુર પૂરતી અંજુ કોફી બનાવતી હતી. ત્યારે અચાનક રણકેલો ડોરબેલ અંજુને દરવાજો ખોલવા ફરજ પાડતો હતો.
દરવાજો ખુલ્યો ન ખુલ્યોને ધસમસતી હવા અને સૂર્યના કિરણો એક સામટા વગર અનુમતિએ પ્રવેશ્યા. બંનેના માર્ગને અવરોધતી અંજુની કાયા એની ક્ષમતાથી કઈક વધારે લાંબી બની પછવાડે પથરાઈ ગઇ. અંજુની નજર પગથિયાં પર ઉભેલા બારેક વરસના છોકરા પર અટકી. એણે પ્રાથમિક શાળાનો મેલો યુનિફોમ પહેર્યું હતું. કુપોષણથી જુંજતો નાજુક દેહ સૂકા તળખલાની માફક થોડો હવાના જોરે સહેજ ડગતો હતો. પણ એના અદબરૂપે ગોઠવાયેલા હાથ એના શિષ્ટાચારના દર્શન કરાવતાં હતાં.
એ અજાણ્યા છોકરે હાથ જોડી કહ્યું,'આન્ટી કઈક કામ મળશે ?'
'ના કંઈ કામ નથી.'
'સાફસફાઈનું કામ કરી આપું ?' હું બહું સરસ સફાઈ કરીશ. તમને નિરાશ નહિ કરું.મહેરબાની કરીને મને કામ આપો કહેતા છોકરો પગે પડ્યો.'
અંજુ ડઘાઈ ગઈ.એક ડગલું પાછળ ખસી આજીજી કરતા બાળકને ઊભો કર્યો. એના મસ્તિકમાં પગે પડેલા છોકરાનો સ્પર્શ પહોંચતા અંજુ વિચારોમાં અટવાઈ ગઈ. એક તરફ નાના બાળકને કામ પર રાખવાનો ગુનો તો એક તરફ એ છોકરાની મજબૂરી હતી. હવે શું કરવું એના ખુદના પ્રશ્નએ અંજુ ખુદ ફસાઈ ગઈ. છોકરો આશાભરી નજરે ત્યાં સુધી તાકી રહ્યો જ્યાં સુધી અંજુ બોલી નહિ. આખરે અંજુએ બંને મુજવતાં સવાલો વચ્ચેનો રસ્તો પસંદ કરતાં કહ્યું; 'બોલ, તારે પૈસાની જરૂર છે.'
'ના નથી જરૂર '
'તો જમવાનું જોઈએ છીએ ?'
'હા જોઈએ છે.'
'તો હું તને જમવાનું આપીશ તારે કામ કરવાની જરૂર નથી.'
'ના આંટી હું નહિં લુઉં.'
'કેમ નહિં લુઉં ?'
'મારી મમ્મીએ ના પાડી છે કે બેટા ક્યારેય મફતમાં મળે એ ક્યારેય લેતો નહિં. મહેનતથી મેંળવેલા રોટલાનાં એક એક ટુકડામાં આપણાં પરસેવાની મીઠાશ હોય. નાનામાં નાનું કામ કરજે પણ નમ્રતાને કયારેય છોડતો નહિં અને આપણાં હક બહારનું ક્યારેય અપનાવતો નહિં.'
અંજુને છોકરાની વાતમાં રસ પડ્યો એણે આગળ પૂછ્યું.
'બીજું શું કહ્યું છે તારી મમ્મીએ ?'
'બીજું તો ઘણું બધું કહ્યું છે આંટી. પણ મને કામ આપશોને ?' કહી ચતુરાઈ પૂર્વક છોકરાએ અંજુને મૂળ વાત પર લાવી દીધી.
'હા આપીશ પણ તે મારી વાત કાપી નાખી.'
છોકરો અંજુની વાતે થોડો છોભિલો પડી ગયો. પણ અંજુએ એના ઉમંગને તૂટવા ન દીધો.
'બોલને બીજું તારી મમ્મીએ શું કહ્યું ?'
'બીજું એ કે માણસ બનીને રહેજે.'
'સારું ચાલ અંદર આવી જા.' હું તને કામ બતાવી દઉં.' કહેતા તો છોકરાનો ચહેરો ખીલી ઉઠ્યો.
અંજુ એ છોકરાને એના સ્ટડીરૂમમાં લઈ ગઈ. સ્વચ્છ રૂમેં દાખલ થયેલો છોકરો અવાક બની પુસ્તકોની ક્રમશ ગોઠવણ અને એલઈડી લાઈટના ઉજશને કુતૂહલવશ નીરખી રહયો હતો. અંજુએ દિવાલમાં અદભુત કારીગરીએ ટિકાઉ લાકડાનું પારદર્શક કબાટનો દરવાજો ખોલતા કહ્યું 'આ પુસ્તકો ઉતારી સફાઈ કરી ફરી પાછી હતી એ રીતે ગોઠવી દેવાની.' આ તારું કામ પૂરું કર ત્યાં સુધી હું જમવાનું તૈયાર કરી દઉં. કહી અંજુ રસોડામાં ચાલી ગઈ.
છોકરો સ્ટુલ લઈ ચીંધેલા કામે વળગ્યો એનું ધ્યાન એના કામમાં જ હતું પણ સાથે સાથે પુસ્તકો જોવાની એની ઘેલછા અંદરના પાના ઉથલાવા મજબૂર કરતા હતા. એની નજર અંદરના પાના પર ફરતી હતી ત્યાંજ અંજુ કપમાં કોફી લઈને આવી. છોકરે અંજુને જોતાંજ એણે એનું કામ આરંભ્યું પણ એનો વાંચનનો શોખ અંજુની નજરમાં કેદ થઈ ગયેલો.
નજીક આવેલી અંજુએ કપ ધરતા કહ્યું, 'લે કોફી પી લે.' અજાણ્યા છોકરે આનાકાની કરી પણ અંતે અંજુના આગ્રહે પી લીધી.
અંજુએ એને પૂછ્યું, 'તને વાંચનનો શોખ છે ?'
'હા હું રાતે વાંચવા બેસુ છું.'
'હ.... તારું નામ શું છે ?'
'મનુ. પણ બધાં મને મન્યો કહે છે.'
અંજુ મનુની વાતે થોડું હસી અને મનુને પણ હસાવવાની એણે કોશિશ કરતાં મનુ પણ હસી પડ્યો.
આજ અંજુનું વરસોથી મુંગું પડેલું ઘર હસી રહ્યું હતું. એકલતાથી ઘેરાયેલા મકાને કદાચ અંજુ આજ પહેલી વખત હસી હશે. એટલેજ કરમાયેલો ચહેરો આધેડ વયે પણ અર્ધકળીની માફક ખીલ્યો હતો.
અંજુ પાછી ફરી રસોડામાં ચાલી ગઈ અને ઘણો સમય રસોઈ બનાવવામાં વિતાવ્યો. એને હરખ હતો આજ રસોઈ બનાવવામાં કેમકે એને આશા હતી કે મનુ એની સાથે જમશે. એ એના દૂર વિદેશમાં રહેતા એના સંતાનના ખોટા વાયદા એને યાદ આવી ગયા. પણ એ ક્યારેય પાછો આવ્યો નહિ બસ થોડા થોડા અંતરે ખબર-અંતર પૂછવા માટે ફોન આવતો હતો. અને હવે એ પણ ધીરેધીરે નામનનો જ આવતો હતો. વર્ષોથી રાહ જોઇને થાકેલી અંજુ દીકરાની આશા છોડે એ શક્ય ન હતું કેમકે અંજુ એક મા હતી એની આશાઓ તો એ મરે ત્યારેજ છૂટે. એવા આળાઆવળા વિચારોમાં રાચતી હતી. ત્યાંજ મનુ કામ પતાવી રસોડાની બહાર ઊભો રહી બોલ્યો.
'આંટી કામ પતી ગયું જોઈ લો.'
અંજુ એના કહ્યા મુજબ સ્ટડીરૂમમાં ગઈ અને આશ્ચર્ય સાથે કહેવા લાગી. 'અરે વાહ મનુ તે તો લાઈબ્રેરીની કાયા 'જ પલટ કરી નાખી.બહું સરસ કામ કર્યું.'
ઉપરોક્ત શબ્દો મનુને કાને રુચિકર થઈ પડ્યા એ આનંદમાં આવી મનોમન હરખાતો રહયો.
અંજુએ મનુને સોફામાં બેસવાનો આદેશ આપ્યો પણ પોતાનું યોગ્ય સ્થાન મેળવી ફર્સ પર બેસી ગયો. અંજુએ તેને ટોક્યો પણ એ એકનો બે ન થયો. બસ એટલું જ બોલ્યો કે 'મારી જગ્યા અહીં જ છે.'
ઉતાવળે અંજુએ હાથ ચલાવ્યો અને મનુને જમવાનું પીરસી એ પણ ફર્શ પર પલાંઠી વાળીને બેસી ગઈ. એણે એની પણ થારી તૈયાર કરી ત્યાંતો મનુ ખાખી ચડ્ડીના ખિસ્સામાંથી કાળું ઝભલુ પહોળું કરી જમવાનું ભરતો જોઈ અંજુએ પૂછ્યું.
'મનું કેમ ઝભલામાં ભારે છે ?'
'કાકી ઘરે મારી મા અને મારી નાની બહેન મારી રાહ જોતા હશે. હું એમને મૂકીને કેમનો મારુ પેટ ભરું.
પણ હુંય તારી મા જેવી જ છુને તું મારી સાથે ક્યારે જમીશ.'
'ફરી કામ હોય તો બોલાવજો હું એ દિવસે તમારી સાથે જમીશ.'
'તો કાલે પાછો આવીશને મનુ ?'
'હા ચોક્કસ આવીશ.'
'એક બીજી વાત કહું ?'
'હા બોલોને.'
'તારે ચોપડી જોઈતી હોય તો લઈ જા ચાલ હું તને આપું કહી અંજુ મનુને લઈને સ્ટડીરૂમમાં પ્રવેશી.
મનુએ આંગળી ચીંધીને ચોપડી પસંદ કરી અને અંજુએ એજ ચોપડી ખુશી ખુશી એના હાથમાં મૂકી દીધી.
ખુશખુશાલ વદને મનુએ અંજુ પર હાસ્ય વેર્યું. અંજુ ખુશ થઈ ગઈ અને માથે હાથ ફેરવીને બોલી' બેટા, હવે દરરોજ મને મળવા આવીશને ?'
'પણ કાકી કાલે તો નિશાળે જવાનું છે.'
'તો પાંચ વાગ્યે છૂટ્યા પછી આવજે. હું તને રોજના કામ પર રાખું છું.'
'ક્યાં કામે ?'
'શાળાએથી છૂટ્યા પછી તારે તારી નોટ ચોપડી લઈને અહી આવવાનું આ તારું કામ. હું તારું ટ્યુશન લઈશ.અને સાંભળ તારા મમ્મીને લેતો આવજે.'
ભલે કહેતોકને મનુ આનંદભેર પગથિયાં ઉતરી ગયો. અંજુના ચહેરા પર કઈક સારું કર્યાનો આંનદ સવારી કરી રહ્યો હતો.પણ આ ક્ષણે બન્ને જીવને મુંઝવતો રસ્તો અંજુએ બખૂબી શોધ્યો હતો. એક તરફ મનુની જરૂરિયાત પૂરી થાય અને એ ભણે તો બીજી તરફ વરસોથી અનુભવાતી એકલતામાં મનુ એક નાનકડી વાત કરે અને આ સુના ઘરનું કરમાયેલું પુષ્પ થોડી ક્ષણ માટે ખીલે બસ એટલોજ સ્વાર્થ અંજુમાં હતો.
અંજુની નજર જતાં મનુને જોઈ રહી હતી પણ રસ્તાનો વળાંક વળી ચુકેલો મનુ એની દ્રષ્ટિથી વિખૂટો પડ્યો અંજુએ દરવાજો બંધ કર્યો અને આખાય ઘરની એકલતાએ અંજુને ઘેરી લીધી.