STORYMIRROR

Murtaza Patel

Inspirational

4.5  

Murtaza Patel

Inspirational

એક વાલીની એ વ્હાલી-વેલેન્ટાઇન વાત !!

એક વાલીની એ વ્હાલી-વેલેન્ટાઇન વાત !!

5 mins
15.1K


“મુર્તઝા દિકરા, તમે આ રીતે અત્યારે અચાનક આમ પૂના જવાનું નક્કી કર્યું છે, તો તમને ખબર છે ને કે એક તો આ મુંબઈ તેના ટ્રાફીક માટે મશહૂર છે અને બીજું જે ટ્રેઈનમાં તમને જવું છે તે બરોબર એક કલાક પછીની છે. તો એક કામ જ થઇ શકશે. કાં તો ટ્રેઈનને આગળ પકડવાનું પ્લાન કરો અથવા જવાના વિચારને પાછળ મૂકી દો.” – તે દિવસે મારા સસરાજીએ આ મુર્તઝાકુમાર આગળ ઇનડાયરેકલી ‘મોડું થવાનું’ કહી દીધું.

પણ... જીવનમાં બનતી કેટલીક અજીબ લાગતી ઘટનાઓ અનુભવ્યા બાદ મને એક રહસ્ય સમજાયું છે: ‘ક્યારેય કશુંયે મોડું કે વહેલું હોતું કે બનતું નથી. જે થાય છે તે એકઝેક્ટ અને એક્ઝીટ જ થયેલું હોય છે. આપણો તો એ તરફનો માત્ર દ્રષ્ટિકોણ બદલાય છે.'

“ડેડી, ઇસ બંદેને અભી હી જાનેકી ઠાન લી હૈ તો ‘નો ટેન્શન’. જેવી પડશે તેવી દેવાશે. અને હું તો એકલો જ છું ને. જો હદમાં હદ જગ્યા નહિ મળે તો ઊભા ઊભા... પણ આજે બસ રાત સુધી ત્યાં પહોંચી જવું છે.” – સસરાજી તેના આ જમાઈની આવી બેફીકરી આગળ એક નાનકડું ચિંતિત સ્માઈલ આપ્યા સિવાય બીજું શું કરી શકે? એટલે... બાંદ્રાથી દાદર ૩૫ મિનીટ્સમાં પહોંચી ૨૦ મિનીટ્સ ટીકીટ લેવા લાઈનમાં ઊભા રહી પસાર કરી મુંબઈ-પૂના સિંહગઢ એક્સપ્રેસ પકડવા આખરે પહેલો કોઠો પસાર કરી જ લીધો.

૫૭ મિનીટ્સ ફાસ્ટ ફોરવર્ડ....

“ડેડી, દાદર સ્ટેશન પહોંચી ગયો છું. ટ્રેઈન આવવાને બસ ૩-૪ મિનીટ્સની વાર હોઈ શકે. જ્યાં પણ ખાલી જગ્યા દેખાશે તેની અંદર... ચાલો જોઉં છું શું થાય છે. પણ પ્લિઝ ડોન્ટ વરી ! ઓકે. પછી વાત કરશું. ઉહ્ફ!” – થાકનો ડૂમો ગળાની અંદર જ રાખી દિલમાં રહેલી મોજનું એક મોજું સસરાજીને ટ્રાન્સફર કરી દીધું.

વાતની સમાપ્તિ સાથે સામે જ એક ઓછી ભીડ લાગતો એક ડબ્બો આવી ઊભો રહ્યો. જેમાં બંદાએ વગર વિચાર્યે એન્ટ્રી મારી દીધી. ને ત્યાં જ....

“બેટા ઇધર આ જાઓ, યહ સીટ પર કોઈ નહિ હૈ. તુમ બૈઠ શકતે હો” સંભળાયું. દરવાજા નજીકની પહેલીજ જગ્યાએ એક પ્રૌઢા મરાઠી ‘આઈ’ સાથે બેસેલા વૃદ્ધ લાગતા મરાઠી માનુષે મને ઈશારો કરી તેની બાજુમાં ખાલી રહેલી સીટ પર બેસાડી દીધો.

“કહાં તક જાના હૈ બેટા?” – આઈએ આઈસબ્રેક કરી વાતની શરૂઆત કરી.

“જી મૈ પૂના જા રહા હું.” “બેટા, તુમ્હારા નસીબ આજ અચ્છા હૈ કિ ઇધરકો જગા મિલ ગયા. વરના હમ લોગ વૈસે હી...” – બંને યુગલે સ્માઈલ અને જગ્યા સાથે મારું સ્વાગત કર્યું. અને મેં કહ્યું: “ઓહ શુક્રિયા આંટી. થેંક યુ અંકલ.”

હવે એક કલાક પછીનું ફાસ્ટ ફોરવર્ડ.....

આપણા મુલકની ટ્રેઈનમાં સતત બનતું રહેતું હોય છે, વાતાવરણ અહીં પણ બની રહ્યું. શરુ થયો દેશ – વિદેશ, ધર્મ, રાજકારણ, વેપાર, આબોહવા વાવડના કોમ્બિનેશનની વિવિધ ચર્ચાઓનો દોર...” વાતચીત પરથી એટલું જાણવા મળ્યું કે એ મહારાષ્ટ્રીયન દંપતીમાં વિદેશના અનુભવોની હવા પણ ભરાયેલી હતી. આવું એમણે કરેલી એશિયા અને થોડીક યુરોપની સફર પરથી જાણ્યું.

“બેટા ! આજ તુમ્હારે સાથ બાતેં કરકે હંમે ઇતની ખુશી હુઈ હૈ કે બસ જૈસે....” – વાત  જાણે તેમના ગળે અટકાઈ ગઈ. ત્યારે... “લો યેહ પૂરિયાં ખાઓગે?” – કહી એમના પતિદેવે ઢાંકણ ખોલી પિત્તળનો ડબ્બો મારી આગળ ધરી દીધો. “રાસ્તેમેં મુજે તો ખાનેકી બહુત આદત નહિ હૈ પર... યેહ તુમ્હારી આંટી કી ઝીદ કે આગે મૈ...

ને મેં સવાલ કર્યો: “આપ દોનોભી લંબી સફર કરકે આયે હો ક્યા?”

“હા બેટા... તુમ્હારે અંકલકી ઝીદથી કે ઇસબાર ઉત્તર-પ્રદેશકી યાત્રા કે લીયે જાયેં. તો બસ દિલ... બહેલાને કે લીયે....” – ફરી વાર એ માની જીભ પર આવેલી વાત ત્યાં જ અટકાઈ ગઈ.

“...બેટા લો ના... મેરી બનાઈ હુઈ પૂરિયાં તો મેરે બેટે કો ભી બહોત પસંદ...” –અટકેલી વાત ખોટકાતી હોય એવી બ્રેક આવી. – ને...

“તુમ યેહ લો... સુરેખાકે હાથોં કે યેહ મોદક ખાને કે લીયે તો મેરે દોસ્ત ખાસ ઘર પર આતે હૈ...” – સ્ટિલના મોદક-ડબ્બાના ઢાંકણ સાથે અંકલ મનોહરનું મોહક મન પણ ખુલી ગયું.

ખાતાપીતા એકબીજાની ફેમેલીની ઓળખ... કામધંધો વ્યવસાય વિકાસની અધૂરી રહેલી વાતો અને કર્જત સ્ટેશન પછી શરુ થયેલાં મનોહરી દ્રશ્યોએ તેમની મધુરી વાતોવાળી સફરને સાવ હળવી કરી નાખી.... ને જુઓ તો ખરી કલાપી સાહેબ પણ યાદ આવી ગયા.... ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !’ –

પણ મને હજુ અસલ વાતની ક્યાં ખબર હતી કે સુરેખા-મનોહરનું આ જોડું ‘સુખી’.... હતું કે?

“આઈ ! મૈ તો આપકે લીયે એક અજનબી ઇન્સાન હું. આપ લોગોસે કભીભી પહેલે જાન-પહેચાન નહિ હુઈ... ફિરભી આપને હમસે દિલ ખોલકર બાતેં કી હૈ, ઇતને પ્યારસે મુજે અપને હાથોંકા બનાયા ખાના ખિલાયા ઇસકા કારણ?”

દોસ્તો, તેમને મારો આ સવાલ કદાચ એક-બે વાક્યનો લાગ્યો હશે પણ એમનો જવાબ મારા માટે એક મોટી કથા જેટલો ભારે રહ્યો છે.

“બેટા, મૈને અભી તક તુમ્હે સિર્ફ અપને એક લડકે બારેમેં બાત કી થી ન. જબ કી મેરા દૂસરા નૌજવાન લડકા ૬ સાલ પહેલે હમારે સામને નદીમેં ડૂબ ગયા હૈ..... ઔર હમ કુછ નહિ કર પાયે... ક્યોંકી હમારે સિવા વહાં કોઈ નહિ થા... મૈ ક્યા કરું? યેહ તો કુછ ભી કરકે અપને આપ કો સંભાલ લેતે હૈ પર મૈ?...............

ઇસલિયે જબ ભી હમ ઉસકા ચહેરા કિસી અજનબીમેં દેખતે હૈ.... તો બસ ઐસે લગતા હૈ કે જૈસે વોહ હમારે પાસ આ ગયા હૈ... ઔર યકીન માનના કી તુમ્હારી સુરતભી ઉસસે બહુત મિલતી હૈ... ઇસલિયે કાફી દિનોંકે બાદ હંમે ઐસા લગા કી વોહ આજ ફિરસે મેરે હાથોકા ખાના ખાને કે લીયે વાપસ આયા હૈ... ઔર દેખો તો સહી... વિઠ્ઠલજીને આજ તુમ્હારે લીયે ખાસ યેહ સીટભી ખાલી રખી હુઈ થી....”

મનોહર અંકલ તો એક પિતા તરીકે બાજુમાં બેસીને વાટકો થઇ ચૂકેલી એ વાતને વારંવાર ક્યાંક ‘અટકાવવા’ માંગતા હતા. જ્યારે સુરેખા આઈ તો... આંખોમાં ભરાયેલા સમંદરને ખાલી કરવા મથતી એક મહાસાગરી મા જ જોઈ લ્યો!

પૂના પહેલા આવતા એ શહેરી-ગામમાં આવેલો મોટો બંગલો કદાચ હજુયે તેમની હાજરીથી ભરાયેલો હશે. હવે તેમનો મોટો દિકરો પિતાની સાથે બગાવત કરી બીજે દૂર રહેતો હોય અને બીજો તો કાયમ માટે દૂર થઇ ગયો હોય ત્યારે.... મા-બાપને ‘સુખી’ દેખાવવા શું શું કરવું પડે?

સુરેખા આઈને મેં તેમના પાલવથી આંસુઓ ભીંજાતા-લૂછાતાં બે વાર જોયા. એક વાર જણ્યા-દિકરાને ગુમાવતી ઘટના કહેતા કહેતા. ને બીજીવાર આ અજાણ્યા-દિકરા મુર્તઝાથી વિદાય થતી વેળાએ માથે હાથ મુકતી વખતે....

આખી ઘટનામાં મને... ‘સારાંશ’ ફિલ્મનો એક હિસ્સો જ દેખાયો છે એટલે ચાર કલાકની આ મુસાફરીની દાસ્તાન પણ... સારાંશમાં જ...

ઊભી વાટ: ...પૂના સ્ટેશને પહોંચી પહેલુ કામ સસરાજીને તુરંત ફોન કરી તેમની ‘ફિકર લઇ’ લેવાનું કર્યું. કેમ કે એ પણ આખરે તો દૂર રહેતી દિકરીનો બાપ જ છે ને? દરેક લોકો ચિંતાને ચિતામાં થોડા નાખી શકે છે?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational