ધીરજનાં ફળ મીઠા
ધીરજનાં ફળ મીઠા


પરિવારમાં હરખીને કામ કરતી ને વળી શિક્ષકની નોકરી પણ કરતી. અતિ ગુણીયલ અને સંસ્કારી એવી પ્રિયા નામ પ્રમાણે તેના સ્વભાવ ને લીધે તે સાસરિયામાં સૌને પ્રિય છે. તેને એક પુત્રી અને એક પુત્ર છે. બંને પણ પ્રિયાની જેમ સુસંસ્કારી છે. અચાનક એનાં સુખેથી ચાલતાં પરિવારમાં દુ:ખના વાદળો ઘેરાવા લાગ્યા. એનો નાનો દિકરો ખૂબ જ બિમાર થઈ ગયો. એવો બિમાર થઈ ગયો કે ડૉક્ટરો પણ એનો ઈલાજ કરવા અસમર્થ થઈ ગયા.
બિચારી પ્રિયા ઉપર તો જાણે 'દુ:ખના ડુંગર તૂટી પડ્યા.' સાસરિયામાં એનાં પતિ સિવાય બીજું કોઈ દોડધામ કરી શકે એમ ન હતું એટલે ઘરમાં બધાની અનુમતિ લઈ તે તેના પિયરે રહેવા લાગી. થયું એવું કે ધીરે ધીરે એના સાસરિયાંઓએ પણ ખબર કાઢવા આવવાનું છોડી દીધું. તેના પતિએ પણ સાથ છોડી દીધો. હવે તો દુ:ખના ટાણે પિયરીયાઓનો જ સાથ રહ્યો. હવે તો તેને 'ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા'. આ આઘાત તેનાથી સહન ન થતાં તે પોતે પણ ખૂબ બિમાર થઈ ગઈ. હવે તેણે 'આપઘાત' કરવાનું વિચાર્યું પણ મા-બાપને તેનો અણસાર આવતાં તેમણે પોતાના સોગંદ આપી ને ખૂબ જ આશ્વાસન આપ્યું. તેથી તેનામાં થોડો આત્મવિશ્વાસ આવ્યો.
હવે તો પ્રભુ પર 'શ્રદ્ધા' અને 'ધીરજ' રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તે તેનાં પુત્રની સારસંભાળ ખૂબ જ ચીવટથી કરવા લાગી અને રોજ રાત્રે પ્રભુની મૂર્તિ આગળ ચોધાર આંસુડે રડી પડતી હતી. આખરે થોડાક જ દિવસોમાં ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી. તેનો પુત્ર સાજો થઈ ગયો. પ્રિયાના જીવનમાં આનંદ છવાઈ ગયો. આ બાજુ તેના સાસરિયાઓને ખબર પડતાં તે પણ દોડી આવ્યા. પ્રિયા બધી જ 'આપવિતી' ભૂલી ગઈને તે સાસરિયામાં સુખેથી રહેવા લાગી.
આમ, જો એને ઉતાવળ કરીને આપઘાત કર્યો હોત તો ? આજે જે સર્વ તરફ પ્રિયાની વાહવાહી થાય છે એ સર્વ સુખ ક્યાંથી મળત ?
એટલે જ તો આ કહેવત સાચી છે કે, 'ધીરજનાં ફળ મીઠા'.