ચાલવાનો આનંદ
ચાલવાનો આનંદ
"ચાલો, મિત્રો ધીણોધર કી ઓર......."
હા, તો આપણે પથ્થરાળ જગ્યા પર સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં સુધી આવ્યા હતા. એમાં મેં આપને કહ્યું હતું કે કદાચ ત્રીસ-બત્રીસ કી.મી. ચાલ્યા હોવાની શક્યતા, એ શક્યતાનું કારણ એ હતું કે એકાદ બે મહિના પહેલા અમે ‘આશાપુરા માતાજી’ એ મિરઝાપરથી ચાલતા ગયા હતા. એ સમયે અમે છ કલાકમાં લગભગ પાંત્રીસથી આડત્રીસ કી.મી ચાલ્યા હતા. એ મારો અંદાજ હતો.
ભારી ઉત્સાહ હોવાના લીધે ભારી થાક ના લાગ્યો છતાંય ઊંઘ લેવી જરૂરી હતી. વાતાવરણ ‘સમ’ હોવાને લીધે અમે ઓઢવા પાથરવાનું કાંઈ લાવ્યા ન હતા. બીજું કારણ ઉંમર અને શરીરનો જોમ જુસ્સો કહી શકાય.
ઊંઘ કેવી આવી તો એના જવાબમાં એમ કહી શકાય કે પથ્થરાળ જમીન પણ શરીરને ઊંઘ લેતાં રોકી ન શકી. દિવસ ઉગવાના સમય આસપાસ અમે જાગ્યા, થોડું ચાલ્યા એટલે એક ગામ આવ્યું. સુર્યના પ્રકાશમાં નજીકમાં જ એક મોટો ડુંગર પણ દેખાવા લાગ્યો.
સત્યાવીસ વર્ષ પહેલાંનું કચ્છ અને અત્યારના કચ્છમાં જમીન આસમાનનો ફર્ક છે મિત્રો. ગામ એટલે એક પણ પાકું ખોરડું નહીં, કાંટાની વાડ. અમારી આશા હતી કે તરત અમને કોઈ માણસ અમને મળે ને અમે એની સાથે વાતો કરીને આ ગામ અને ડુંગર વિશે જાણીએ. ખાસી વાર પછી એક માણસ મળ્યો એણે અડધી કચ્છી અને અડધી ગુજરાતીમાં અમારી સાથે વાતો કરી.
ગામનું નામ તો હાલ મારા સ્મરણમાં નથી રહ્યું પણ એની વાતો ભુલાઈ નથી મિત્રો. અમારો પહેલો પશ્ન એને એ હતો કે અમે ભૂજથી કેટલા દૂર આવ્યા? એણે એના કચ્છી લહેકામાં જવાબ આપ્યો. "આ રહ્યું, ચાર - પાંચ કી.મી.." એવો એનો ભાવાર્થ હતો. એનો જવાબ સાંભળીને અમારા પાંચેય ના હોશ ઊડી ગયા.... આખી રાત ચાલ્યાને કહે છે કે પાંચ કી.મી. ! ખરેખર તો અમારા હોશ ઊડવાના બાકી હતા. બીજો પ્રશ્ન એ કર્યો કે આ સામે દેખાય એ ધીણોધર ને? "ના, ભાઈ ના.. આ તો ‘કારો’ ડુંગર છે." "તો ધીણોધર? એ તો આઘો રિયો.." વળી પ્રશ્ન, "કેટલો?"
"ઘણો બધો..."
અમે આખી રાત ભૂજની લાઈટોના અજવાળે ચાલ્યા અમને એમ કે અમે ભૂજથી દૂર જઈએ છીએ વાસ્તવમાં અમે અર્ધ વર્તુળાકારે ચાલવાનું ચાલુ રાખ્યું એનું પરિણામ એ આવ્યું કે ઘોઘાવાળી કહેવત જેવું થયું.
"ચલો ફીર લડેંગે..." એવું વિચારીને અમે ગામથી થોડે દૂર એક સુકો નદીનો પટ આવ્યો ત્યાં અમે બેઠક જમાવી, જમવાની ઈચ્છા સાથે. નદીનાં પટમાં એક મોટી શીલા હતી, એના નીચેના ભાગની રેત એકાદ ફૂટ ખોદીને પાણી કાઢ્યું. જમવાની વિધી પુરી કરીને અમે ચાલવાનું ચાલુ રાખ્યું.
પાક્કા રસ્તા વગર ચાલવાની મજા ઓર હો, પણ હિંમત હોય ત્યાં સુધી જ. ધીણોધર જોયા અને માણ્યા સિવાય અમારી હિંમત હારવાની તૈયારી ન હતી. આજના દિવસમાં કેટલીય વખત એકદમ સિધ્ધાં ચઢાણ આવ્યા, રેડીયાના ગીતો અને ઓલ ઈંડિયાના હિંદી ગીતો એ ખૂબ સહારો આપ્યો. [છેલ્લા દસેક વર્ષ થી ઓલ ઈંડિયા રેડિયોની ઉર્દુ સેવા બંધ કરેલ છે આ સ્ટેશને મને ઉર્દુ ભાષા સમજવામાં ખૂબ મદદ કરેલી.] ચાલબાઝ અને વારીસ ફિલ્મનાં ગીતો એ દિવસે વાગ્યાં હતાં અને એનાં ઊંચા ઊંચા લેવલના શબ્દોની સાથે - સાથે અમારા પગ ઊપડતા હતા.
ચાલવામાં ને ચાલવામાં પાંચ લિટરમાંથી એક લિટર પાણી ક્યારે થઈ ગયું અને સુકી ભાજી ક્યારે ઊડી ગઈ એ યાદ જ ન રહ્યું. એટલે કે જયરામ અને ગલસર ગગા ભાઈને ઊપાડવાનું વજન ઓછું થઈ ગયું.
પ્રવાસ કરવાથી માણસને નવા - નવા અનુભવો મળે છે, વિદ્યાર્થીઓને ઘણુ બધું શીખવા મળે છે. આ પ્રવાસથી કચ્છને નજીકથી જોવાનો અને જાણવાનો મોકો મળ્યો. જમીન, વનસ્પતિ, ખડકો, ખેતીના પાક અને કચ્છના લોકોનો પ્રેમ નજીકથી અનુભવ્યો.
સવારના નવથી બપોર પછીના ચાર વાગ્યા સુધી નોન-સ્ટોપ ચાલ્યા, પણ ધીણોધરનો આછો-આછો આકાર પણ અમને દેખાતો ન હતો. ધીરજ ખુટતી હતી અને થાક અને નિરાશા વધતી હતી. "હવે શું કરવું?"
એવા સમયે અમે એક ઊંચી ટેકરીની ધાર એટ્લે કે ટોચ પર ચડીને થોડા ઊભા રહ્યા અને ઝીણી નજરે એક આશાનું કિરણ જોયુ. દૂર દૂર એક ખેતર દેખાતું હતું. [પથ્થરાળ જમીન હોવાના લીધે કચ્છમાં ખેતરો બહુ ઓછાં છે.] અમારા પગમાં નવું જોમ આવ્યું. અમે પગનું એક્સિલેટર થોડું વધુ દબાવ્યું.
સપાટ જગ્યાએ દૂરની ચીઝ પણ આપને નજીક દેખાય, અમારે પણ એવું જ થયું. ખેતરે પહોંચતા અમને પિસ્તાલીસ મીનીટ કરતાં વધારે સમય લાગી ગયો. અમે ઝડપભેર ખેતરમાં પ્રવેશ કર્યો.ખેતરના અડધા ભાગમાં લીલોતરી હતી,કદાચ થાકના લીધે શું વાવેતર છે એ ધ્યાન થી જોયું ન હતું એમ કહી શકાય. બાજુમાં એક જુનુ ટ્રેકટર પડ્યું હતુંહતું,ઝાડ- ઝાખર થી બનાવેલુ કામચલાઉ ખેતરમાં રહેવાનું બનાવ્યું હોય એમ લાગતું હતું.
આ જગ્યાએ બે માણસો બેઠા હતા. એમણે અમને આવકાર આપ્યો અને એ પછી તરત જ પાણી આપીને થરમોશમાંથી કાઢીને ગરમાગરમ ચા પાઈ.
એ પછી અમારી સાથે વિગતે વાત કરી. "છોકરાઓ તમે ખૂબ થાકેલા લાગો છો અને ક્યાંથી આવો છો?" આટલી મુશ્કેલીભરી સ્થિતિમાં આ લાગણી શું એ નું વર્ણન કરું? ગરમ ચા અને હુંફાળી લાગણીઓથી અમારો અડધો થાક ઊતરી ગયો. હવે ધીણોધર જઈશું એવું આશાનું કિરણ દેખાયું. "ફીર મિલતે હે દોસ્તો. શાયદ કલ..."
