ભણતર અને ગણતર
ભણતર અને ગણતર


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક ગામ હતું. આ ગામમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં ચાર ભાઈ રહેતા હતા. તેમાં ત્રણ ભાઈઓ ખુબ જ હોંશિયાર હતા. જયારે સૌથી નાનો ભાઈ ભણવામાં કમજોર હતો. એટલે બાકીના ત્રણ ભાઈ તેને ખુબ કનડગત કરતાં હતા. તેના મમ્મી પપ્પા પણ ત્રણ ભાઈઓને સારું રાખતા હતા. જયારે નાના દીકરો ભણવામાં ઠોઠ હતો એટલે એને ઓછું રાખતા હતા.
પણ આ ચારેય ભાઈઓમાં નાનો ભાઈ ભલે ભણવામાં ઠોઠ હતો. પણ ખુબ લાગણીવાળો અને દયાળુ હતો. તે હંમેશા બીજા લોકોની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. હવે એક દિવસની વાત છે. આ ચારેય ભાઈઓને શાળામાં રજાઓ પડી ગઈ. એટલે ચારેય ભાઈ પોતાના મામાને ઘરે જતા હતા. ત્રણ ભાઈ આગળ ચાલતા હતા. જયારે ચોથો નાનો ભાઈ પાછળ ચાલતો હતો. હવે જતા જતા રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. એ ખાડો એટલો મોટો હતો કે કોઈ જાનવર કે માણસ એમાં પડી જાય તો બહાર નીકળી શકે નહી. ત્રણેય ભાઈઓએ એ ખાડો જોયો.પણ એ ત્રણેય જણા ખાડાની બાજુમાંથી નીકળી ગયા.
પણ જયારે આ ચોથા ભાઈએ એ ખાડો જોયો ત્યારે તેને વિચાર આવ્યો કે ‘આટલા મોટા ખાડામાં કોઈ પડે તો મરી જ જાય. એટલે તેણે વિચાર્યું કે મારે આ ખાડો પૂરી દેવો જોઈએ. તેને પોતાના ભાઈઓને ખાડો પુરવા વિનંતી કરી, પણ કોઈ ભાઈએ મદદ કરી નહિ. પછી તે જાતે જ એકલો આજુ બાજુથી ઢેખાળા અને માટી ભેગા કરી ખાડો પુ
રવા લાગ્યો. અને ખુબ મહેનતને અંતે તેને ખાડો પૂરી દીધો.
એમ કરતા ચારેય ભાઈ ચાલ્યા. હવે રાત પાડવા આવી હતી. અને અંધારું પણ થઇ ગયું હતું. ત્યાં રસ્તા વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો. એક પછી એક એમ ત્રણેય ભાઈ એ પથ્થર સાથે અથડાઈને નીચે પડ્યા. પણ કોઈએ એ પથ્થર ત્યાંથી ખસેડ્યો નહિ. પછી છેલ્લે ચાલતો ચોથો ભાઈ પણ આ પથ્થર સાથે અથડાયો. પણ તેને વિચાર કર્યો કે આ પથ્થર આખો દિવસ કેટલા માણસોને નડતો હશે. મારે આને દૂર કરવો જોઈએ. આમ વિચારી તેણે તાકાત ભેગી કરી એ મોટા પથ્થરને રસ્તા વચ્ચેથી દૂર કર્યો.
પણ આ શું ! તેને જેવો પથ્થર દૂર કર્યો. એ પથ્થર નીચેથી એક કોથળી મળી. તેમાં કંઇક ભરેલું હતું. તેને ખોલીને જોયું તો અંદર સોનામહોર ભરેલી હતી. તેમાં એક ચિઠ્ઠી પણ આપી. પણ તે ભણવામાં ઠોઠ હતો. એટલે તેને તે ચિઠ્ઠી વાંચતા આવડી નહિ. એટલે તે એ થેલી બીજા દિવસે શાળામાં લઇ ગયો. અને આચાર્ય સાહેબને આપી. આચાર્ય સાહેબને આખી વાત કરી. આચાર્ય સાહેબે ચિઠ્ઠી વાંચી. લખ્યું હતું, ‘રસ્તા વચ્ચેથી પથ્થર હટાવવાનું ઇનામ.’ આચાર્ય સાહેબ આખી વાત સમજી ગયા.તેમણે આખું ગામ ભેગું કર્યું. તેના મમ્મી-પપ્પાને પણ શાળામાં બોલાવ્યા. બધાને બધી વાત કરી. અને જાહેરમાં નાના છોકરાના વખાણ કરી તેને ઇનામ આપ્યું.
આમ જીવનમાં માત્ર ભણતર જ નહિ ગણતર પણ જરૂરી છે.