ભલાઈનું ફળ
ભલાઈનું ફળ


એક ગામ હતું. તે ગામનું નામ સુંદરપુર હતું. આ ગામમાં અનેક લોકો હતા. એક ખેડૂત પરિવાર પણ રહેતો હતો. ખેડૂતનું નામ ભલાભાઈ હતું. ખેડૂતની પત્નીનું નામ સીતાબેન હતું. ભલાભાઈ અને સીતાબેન ખુબ દયાળુ અને પરોપકારી હતા. તે ગરીબ હતા. પણ સંસ્કારી હતા. આ ખેડૂત દંપતીને એક દીકરો હતો. તેનું નામ વિક્રમ હતું. વિક્રમ પણ તેના મા-બાપની જેમ ખુબ જ સંસ્કારી અને દયાળુ હતો.
એક વખતની વાત છે. શાળામાં પરીક્ષાના દિવસો ચાલતા હતા. બધા બાળકો તૈયાર થઈને પરીક્ષા આપવા નીકળી ગયા હતા. પણ આજે વિક્રમને ઘરેથી નીકળવામાં જરાક મોડું થઇ ગયું હતું. તે ઉતાવળે ઉતાવળે નિશાળ જઈ રહ્યો હતો. શાળાએ જતા રસ્તામા એક રોડ આવતો હતો. નિશાળ જવા માટે આ રોડ ક્રોસ કરીને સામે છેડે જવાનું હતું. આ રોડ પર ઘણા જ સાધનોની અવાર જવર રહેતી હતી. એટલે રોડ ક્રોસ કરવામાં ઘણું સંભાળવું પડે તેવું હતું. વિક્રમ રોડ પાસે આવીને ઉભો હતો.પણ રોડ ક્રોસ કેમ કરીને કરવો. કેમકે સાધનો ખુબ જ આવી રહ્યા હતા.
એટલામાં તેની નજર તેની બાજુની સાઈડ પર ઉભા રહેલા કે વૃદ્ધ દાદા પર પડી. તેમને પણ રોડ ક્રોસ કરવો હતો. પણ પોતાને ઉંમર થવાને લીધે આંખે ઓછું દેખાતું હતું. એટલે ડરી રહ્યા હતા. વિક્રમે આ જોયું. તે તરત પેલા દાદા પાસે પહોંચી ગયો અને કહ્યું, ‘ચિંતા ન કરો દાદા, મારે પણ એ બાજુ જવાનું છે. ચાલો હું તમને રોડ ક્રોસ કરાવી દઉં. આમ કહી તેણે દાદાનો હાથ પોતાના હાથમાં પકડ્યો. અને વાહનોની અવર જવર બંધ થઇ એટલે દાદાને સાથે રાખી રોડ ક્રોસ કરીલીધો.
તે જેવો સામેની બાજુ પહોંચ્યા ત્યાં વળી એક માજી ઉભા હતા. તેમને રોડ ક્રોસ કરીને પેલી બાજુ જવું હતું. તેમને વિક્રમને દાદાને રોડ ક્રોસ કરતા જોયો હતો. એટલે એમને આશા થઇ કે આ છોકરો મારી મદદ જરૂર કરશે. આમ વિચારી તેમણે વિક્રમને પોતાની મદદ માટે બોલાવ્યો. વિક્રમને તો મોડું થઇ ગયું હતી. પરીક્ષા પણ ચાલુ થઇ ગઈ હશે. પણ એમ છતાં તેણે માજીને મદદ કરવા માટે પોતાની પરીક્ષાની પરવા નાં કરી. તેને ફરી માજીને સામેની બાજુ રોડ ક્રોસ કરવી દીધો. આ બધી ધમાલમા તેને ખાસું એવું મોડું થઇ ગયું.
વિક્રમ શાળાએ પહોંચ્યો ત્યારે પરીક્ષા શરુ થઇ ચુકી હતી, તે નિરીક્ષક સાહેબે પૂછ્યું, ‘કેમ ભાઈ પરીક્ષામાં મોડો આવ્યો ?’ ત્યારે વિક્રમે બધી હકીકત કહી. વિક્રમના ચહેરાને જોતા નિરીક્ષકને વિક્રમની વાત સાચી લાગી. તેમને વિક્રમને પરીક્ષામાં બેસવા દીધો. વિક્રમ ભણવામાં હોંશિયાર તો હતો જ તેને સમય મર્યાદામા જ પોતાનું પેપર પૂરું કરી દીધું.
તે ભણતરની પરીક્ષામાં તો પાસ થયો જ પણ જીવનની પરીક્ષામાં પણ પાસ થયો. શાળાના આચાર્ય તરફથી વિક્રમને તેની માનવતા બદલ ઇનામ આપવામાં આવ્યું.