ભાઈ વિજયને પત્ર
ભાઈ વિજયને પત્ર
પ્રતિ
વિજય સંઘાર
૪-A, ગોકુલધામ સોસાયટી,
અમદાવાદ, ૩૮૨૧૨૦.
વ્હાલા ભાઈ,
તારો પત્ર વાંચીને આજે આ પત્ર લખી રહી છું. આશા રાખું છું કે તું ત્યાં બરોબર હોઈશ. અહીંયા મમ્મી-પપ્પા અને હું અમે બધા બરોબર છીએ. તું કંઈ ચિંતા ન કરતો. તારો પત્ર વાંચ્યું તારા બારમાં ધોરણનું પરિણામ આવ્યું અને તેમાં તને તારા ધાર્યા મુજબનું પરિણામ પ્રાપ્ત થયું નથી સાંભળી દુઃખ થયું અને બીજું તે લખ્યું હતું કે તારા મિત્રએ પરિણામ પછી આપઘાત કર્યો છે તે સાંભળી અતિ દુઃખ થયું. તેથી જ હું આ પત્ર લખી રહી છું. ભાઈ તને માંડીને વાત કરું છું.
જિંદગીમાં અભ્યાસ ખૂબ જરૂરી છે. તે માટે આપણે ખૂબ મહેનત અને ધગશથી કાર્ય કરવાનું હોય છે. પરંતુ કોઈ એક પરિણામ પરથી આપણી આખી જિંદગીનો નિર્ણય લઇ શકાતો નથી. દરેક વ્યક્તિમાં અલગ અલગ હુન્નર હોય છે બધી વ્યક્તિઓના પરિણામ ઉત્તમ જ આવે તે તો શક્ય નથી ને ! હાર પછી જીત અને જીત પછી હાર એજ તો જીવન છે.
આપણી આજુબાજુ કેટલીય એવી વ્યક્તિઓ છે જેઓ અભ્યાસમાં મધ્યમ રહી છે. પરંતુ આજે તેઓ તેમની બુદ્ધિમત્તાથી વિશ્વવિખ્યાત બની છે. આજના આધુનિક યુગમાં કેટલાયે માતા-પિતા તેમના બાળકોને ઉચ્ચ પરિણામ લાવવાની દોડમાં મૂકી રહ્યા છે. તેઓ એ ભૂલતા જાય છે કે પ્રભુ એ દરેક બાળકમાં અલગ-અલગ હુન્નર ભરેલું છે. તું જરા પણ ચિંતા ન કરતો તારા આ પરિણામથી અમે બધા અહીંયા ખુશ છીએ. તને જે વિષયમાં રુચિ હોય તું તે કર તારી જાત પર ભરોસો રાખ.
તારા મિત્રની વાત કરીએ તો "જો, ભઈલા જિંદગી એ ભગવાને આપેલ એક અનમોલ ભેટ છે અને જિંદગીની એક એક પળ કીંમતી છે. તારા મિત્રએ આપઘાત કર્યો તો શું એ કોઈ વાતનો રસ્તો છે ?" તે અતિ દુઃખનીય બાબત છે. આપણા મા-બાપએ આટલા દુઃખ વેઠીને આપણને ભણાવ્યા અને આપણે તેમને આવું પરિણામ આપીયે. દરેક સમસ્યાનું કંઈ ને કંઈ તો સમાધાન હોયજ છે. બસ જરૂર છે આપણી સમસ્યા અન્ય સાથે વહેંચવાની જેમ કે, આપણા મિત્રો, પરિવારજનો, હિતેચ્છુઓ વગેરેને વાત કરી સમાધાન લાવી શકાય છે. અને હા પપ્પા એ આપેલ શીખ કયારેય ન ભુલતો કે, "કુદરતે આપેલી જિંદગી રૂપી અનમોલ ભેટને હંમેશા સાચવીને રાખીએ".
હું આશા રાખું છું કે આ પત્ર વાંચ્યા પછી તારી નિરાશા દૂર થઈ હશે. અને અમે બધા હંમેશા તારી સાથે જ છીએ. બસ તું આગળનો અભ્યાસ ખૂબ મહેનત અને ધગશથી કર ચોક્કસ ધાર્યું પરિણામ મળશે. હા રક્ષાબંધન આવે છે તો આવતા પત્ર સાથે રાખડી પણ મુકું છું. બધાના સ્નેહ સાથે.
લિ.
તારી બહેન