અસ્તિત્ત્વ ની ઓળખ
અસ્તિત્ત્વ ની ઓળખ


આજે કબાટમાં કોઈક વસ્તુ શોધતા તૂટેલા મંગળસૂત્ર નાં મોતી હાથમાં આવ્યા. એક સમય એવો હતો કે મંગળસુત્ર પહેર્યા વગર હું ઘરની બહાર ન નીકળતી, તેના માટેનો મારો લગાવ હતો કે આદત એ ક્યારેય હું સમજી શકી ન હતી. એક વાર મારે એક સરકારી નોકરી માટે ઈન્ટરવ્યું આપવાનું હોવાથી, હું મારી સહેલી ના ઘરે અમદાવાદ ગયેલી. વહેલી સવારથી હું કશુંક શોધતી હતી. આખરે કંટાળીને મારી સહેલી એ પૂછ્યું “ અરે, તુ તારા ડોક્યુમેન્ટ્સ ની ફાઈલ ભૂલી ગઈ કે શું?” મેં કહ્યું “ના, એતો રાત્રે મેં મારું મંગળસુત્ર ક્યાંક મુક્યું છે જે મળતું નથી.” તે હસતા હસતા બોલી “કેમ તેના વગર ઈન્ટરવ્યું નહિ આપવા દે તને?” એમ કહી તે મારા માટે ચા બનાવવા જતી રહી. હું થોડીવાર વિચારોમાં ખોવાઈ ગઈ. તે દિવસે મને સમજાયું કે કોઈ સંબંધની નિશાની એ કોઈ સ્ત્રીનાં અસ્તિત્વની ઓળખ ન હોઈ શકે! તે દિવસથી મેં મારા જીવનમાં એક બદલાવ લાવ્યો. મેં મારી પોતાની જાતે શરુ કરેલી પ્રથાનો અંત લાવીને. તે દિવસે હું ઈન્ટરવ્યું આપવા મંગળસૂત્ર પહેર્યા વગર જ ગઈ.
જયારે મેં પ્રથમ વખત ખાખી વર્દી પહેરી અને તેના પર મારા નામની તખ્તી લગાવી ત્યારે મને અહેસાસ થયો કે મારા અસ્તિત્વની ઓળખ એ લોકો મને કોઈની દિકરી, બહેન કે પત્ની તરીકે ઓળખાવામાં નહીં પરંતુ સમાજમાં હું મારા પોતાના નામથી ઓળખાઉ તે છે!