અનુભૂતિનું અત્તર
અનુભૂતિનું અત્તર
સિલિકોન વેલીની ખુશનુમા સવાર. રોમેરોમમાં તાજગી ભરતો શીતળ હવાનો સ્પર્શ. બેકયાર્ડની બહાર આવેલા રેડ મેપલ વૃક્ષોમાંથી આવતો પંખીઓનો ચહકાટ. સૂર્યના પહેલા કિરણ સાથે જ સૂર્યનમસ્કારના 12 આવર્તન પુરા કરી મેટ પર સુતા સુતા રેટિના ડિસ્પ્લે થી અવનવા દ્ગશ્યો ખુલી જાય છે. સાથે એ પણ એહસાસ થાય છે કે રેટિના ડિસ્પ્લે બનાવવા પાછળ કાંઈ કેટલાય લોકોના રાતો જાગીને કરેલા અથાગ પ્રયત્નો પડેલા છે.
કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ. .. કયાં 1963 પહેલાંનું કેરળનું એ નહિ જાણીતું ગામ - થુમ્બા. .જ્યાં સાઈકલના કેરિયર પર રોકેટ મૂકીને એક માણસ સાઇકલ દોરીને લઇ જઇ રહ્યો છે ને બળદગાડામાં નાસાએ મોકલેલ પાર્ટસ જઇ રહ્યા છે. ત્યાંનું ચર્ચ એટલે રોકેટનું વર્કશોપ અને લોન્ચ સ્ટેશન અને પાદરીનું ઘર એટલે ઈસરો ની ઑફિસ. ને ક્યાં આજની હરણફાળ- ના ના હરણફાળ નહીં, ચંદ્ર કૂદકો.
જીવનમાં પણ કંઈક આવું જ નજર સામે આવે છે. અતિતના વાઈડ એંગલ લેન્સથી વર્તમાનનું પ્રતિબિંબ જોઈએ તો ઘણી બધી સ્લોફી ઉભરી આવે છે. પહેલા ભારતીય માઇનિંગ એન્જિનિયર બનવાનું ગૌરવ જેના નામે છે એવા મારા નાનાજીનું નવમું સંતાન એટલે મારી મા. પિતા પાસેથી પ્રેરણા લઈ ખૂબ ભણવાની મહેચ્છા ધરાવતી આ બાળકી મુંબઇ પોદાર સ્કૂલમાં ભણી. ભણવાનું હોય કે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ હોય - બધામાં ભાગ લેવો એટલું જ નહીં નંબર પણ લાવવો. પિતાની આંખનો તારો. 14 વર્ષે મેટ્રિક થઈ પણ ભાવિના ગર્ભમાં શુ છુપાયું છે તે કોણ જાણી શક્યું છે?
પિતાનું અણધાર્યું મૃત્યુ. ભણવાનું છૂટી ગયું. લગ્ન થઈ ગયા. ઘરસંસાર અને દિકરીઓમાં ગૂંથાઈ ગઈ. પતિની ટ્રાન્સફરેબલ નોકરી ને નાના ગામડાઓમાં રહેવાનું. પણ બચપણનું સપનું હજુ આંખોમાં સચવાયેલું. ગામડામાં લાઈટ પણ નહોતી ત્યાં કોલેજ તો ક્યાંથી હોય? એક્સટર્નલ અભ્યાસ કરી 28 વર્ષે ગ્રેજયુએટ થઈ.
આ એ યુગની વાત છે જ્યારે ગામડામાં વીજળી ન હતી કે ન હતા પાણી માટે નળ, ઘર નો ફ્લોર પણ ગારથી લીપેલો હોય કે પછી પત્થરનો હોય. ગામમાં શાળા તો ખરી પણ શાળામાં બેન્ચ નહીં. પલાંઠી વાળી આસન પર બેસવાનું. ખોળામાં નોટબુક રાખી લખવું પડે .શાળાનું બિલ્ડીંગ નહીં. ત્યાંના રાજાએ રાજમહેલમાં શાળા ચલાવવા પરમિશન આપી. પરંતુ, આર્કિઓલોજીની રીતે અદ્ભુત છતાં તળાવના કાંઠે આવેલો ભવ્ય એવો રાજમહેલ જર્જરિત થઈ ગયેલો. ત્યાં સાપ નીકળે, ઘો નીકળે, કાચીંડા નીકળે. વરસાદ પડે ને પ્લાસ્ટર ખરે, લાકડાના પિલર પડે ને બાળકોને ઘેર જવાની રજા મળી જાય.સાયન્સના વિષયો શાળામાં ન ભણાવાય, કે ન તેની પરીક્ષા લેવાય. તેમ છતાં દીકરીને ધેર ભણાવી અમદાવાદ સાયન્સ કોલેજમાં એડમિશન અપાવ્યું. S.S.C.ની પરીક્ષા આપવા પણ બીજા ગામ જવું પડે.રોજબરોજના જીવન માટે જ એટલો સંઘર્ષ કરવો પડે કે બીજી કોઈ વાત માટે ન તો સમય રહે ન શક્તિ. પરંતુ, હાર માનવી એ મારી માતાના સ્વભાવમાં જ ન હતું ભલે સામનો ગામડાની સુવિધા વગરની પરિસ્થિતિનો હોય, લોકોનું જુનવાણી માનસ હોય, ચાર દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી ઉછેરવાની જવાબદારી હોય કે ટૂંકા પગારમાં 6 સભ્યોના પરિવારનો ઘરસંસાર ચલાવવાનો હોય. પ્રેમાળ પતિનો સાથ અને સ્વયંમાં શ્રદ્ધાએ આ કુટુંબ એવું ખુમારીભર્યું જીવન જીવતું હતું કે સલામ ભરવી પડે.સાંજ પડે ને સમગ્ર કુટુંબ સાથે બેસી અલકમલકની, જ્ઞાન- વિજ્ઞાનની, જીવનજ્ઞાનની વાતો અને કિલકારીઓથી ગુંજી ઉઠે. બેડમિન્ટન ચેમ્પિયન માતા ને કેરમ ચેમ્પિયન પિતાએ દીકરીઓને એવી તૈયાર કરી કે શાળામાં તો નંબર લાવે પણ યુવક મહોત્સવ હોય કે વિજ્ઞાનમેળો- તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ વિજયી બને. ગુજરાતી ધૂળિયા નિશાળમાં ભણેલી એ દીકરીઓને જીવનનું પણ એવું શિક્ષણ આપ્યું કે એ ક્યાંય પણ જઈને ઉભી રહે તો એની નોંધ જરૂર લેવી પડે.
માની હિંમતને દાદ તો ત્યારે આપવી પડે કે એક દીકરીને ગ્રેજ્યુએટ થઈ સાસરે વળાવી દીધી અને બીજી દીકરી ગ્રેજ્યુએશન કરે એની સાથે પોતે પણ પોતાની દીકરીની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે રેગ્યુલર કોલેજમાં ભણીને 42 વર્ષની વયે B. ed. કર્યું અંગ્રેજી વિષય સાથે .દરેક વખતે 14 વર્ષનો ગેપ. 14 વર્ષે મેટ્રિક, 28 વર્ષે ગ્રેજયુએટ, 42 વર્ષે B. ed. ન થાકી, ન હારી , બસ એક લક્ષ્ય, જે હાંસલ કરી શિક્ષક બની અને આચાર્ય તરીકે નિવૃત્ત. માત્ર પોતાની જ નહીં પણ શાળાની અગણિત દીકરીઓની માર્ગદર્શક, પથપ્રદર્શક બની, જેને એ પોતાની સાચી કમાણી કહે છે.
મેટ પર સૂતાં હું સૂર્યનારાયણના તાપની વધતી જતી તીખાશ અનુભવી રહી હતી પણ હું તો હજુ જાણે ટ્રાન્સમાં જ હતી. એક વખત મારા યોગના ક્લાસમાં વાતવાતમાં મારી માતાની શાળાની એક વિદ્યાર્થિનીને ખબર પડી કે હું કોની દીકરી છું તો તે બોલી ઉઠી. "ઓહો, હવે મને ખબર પડી કે તમે આટલું સરસ કેમ બોલો છો ."
મૂર્તિની મહાનતા પાછળ છે શિલ્પીના ટાંકણાનો ટંકાર, સંગીતની સુરાવલીઓની પાછળ છે સ્વરનો ઝંકાર, તાળીઓના ગડગડાટ પાછળ છે પુરુષાર્થ અને પરિશ્રમનો રણકાર -એ જ છે પ્રકાશ અને પ્રિઝમ થી બનતું સપ્તરંગી મેઘધનુષ- મારી અનુભૂતિનું અત્તર !