અનામિકા
અનામિકા
'ડુંગરો તો દુરથી જ રળિયામણા પાસે જઈ જુઓ તો ફક્ત પત્થર... નિર્જિવ, નિસ્તેજ અને નિષ્પ્રાણ.' પલાશ બોલ્યો.
'હા, તે નિષ્પ્રાણ છે, નિસ્તેજ પણ છે. પણ એજ નિષ્પ્રાણ ડુંગરોમાં અદ્ભુત ચેતનતા વસેછે, પ્રાણ તો તેના પ્રત્યેક ઢાળે હિલોળા લે છે. જોતો તેના પ્રત્યેક પથ પર વીંટળાઈને ઉગી નીકળેલી એ નાની -નાની ઝાડી, એ ઝાડીમાં ચારો ચારતા, ચરતા મૂંગા અં... ના કદાચ અભાષ્ય ભાષા બોલનારા પ્રાણીઓ, અને એજ ઝાંખરાની વચે ક્યાંક સતત તડકી છાયડીની રમત રમતી પેલી કાળી-ભૂરી, નાની-મોટી વાદળીઓ એ બધાજ તેને જીવંત બનાવે છે. અને એટલેજ કદાચ પ્રકૃતિ અહી મનભરીને મહેકી ઉઠે છે, પવનની સાથે મદમસ્ત બનીને લહેરી ઉઠે છે. હા તેની પાસે પત્થરો છે, પણ માટીયે છેજ. અને એજ પત્થર અને માટીનો ઉપયોગ આ નાના મકાનો બનાવા માટે થાયછે. એજ મકાન જે ઘર છે, કોઈનું સપનાનું, પોતાનું. અને એટલેજ જે જીવંતતા આ ડુંગરોએ કે આ પત્થરોમાં છે ને તે તારા શહેરની કોન્ક્રીટની હરિયાળીમાં નથી પલાશ.'
અનામિકા એ પલાશની આંખોમાં જોયું અને ફરી બોલી 'આમપણ એ શહેર હવે મારા માટે નથી, એ જગ્યા સાથે હવે મારો સંબંધ ક્યારનોય તુટીને વેરવિખેર થઈ ગયો છે. અને....'
'અને.. અને શું પ્રાશાં ? જે પ્રકૃતિની ,જે જીવંતતાની તું વાત કરેછે તે બધાને નથી દેખાતી. બધાને તો ત્યાં માત્ર પત્થરજ દેખાયછે અને એવા પત્થરો વચ્ચે જીવવા કરતા તો મોત વધુ સારું.' ખિન્નતા સાથે પલાશ બોલ્યો.
પણ એ ના ભૂલીશ પલાશ કે -એ પત્થરજ છે જેની આપણે એક આસ્થા સાથે પૂજા કરીએ છીએ,એ પત્થરજ છે જેની દીવાલ આપણને સુરક્ષા આપેછે, અને એ પત્થરજ છે જેને હવાની લહેરખીથી કાગળને બચાવવા ભારણ તરીકે વાપરીએ છીએ. કારણકે આ પત્થર જે ભારણ, જે સુંદરતા, સુરક્ષા આપેછેને તે કદાચ બીજી કોઈ જીવંત વસ્તુના જ આપી શકે. અનામિકાએ કહ્યું.' અને એક પલ માટે બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ.
અચાનક જ પલાશનું મન વધારે ખિન્નતા અને અપરાધની લાગણીથી ભરાઈ ગયું. વાતતો સચીજ કહીને પ્રાશાએ ઉર્ફ અનામિકાએ જે તેને શહેરની ધબકતી જીવંતતા ના આપી શકી તે બધુજ તેને આ નિર્જીવ પહાડોએ આપ્યું છે. બધુજ પ્રેમ, વાત્સલ્ય, પ્રેરણા, સન્માન, અને જીવન પર્યંતનાં સંબંધો.
એ સંબંધો કે જેના માટે તે જીવનપર્યંત તલસી હતી, તડપી હતી, ઘવાઈ હતી, વિખરાઈ હતી. તેજ સંબંધોની હુંફ તેને આ પહાડો પાસેથી મળી હતી, અહી વસતા લોકો પાસેથી તેને તે હુંફ અને પ્રેમ મળ્યા હતા જેની તે હકદાર હતી પણ મેળવી શકી નહોતી. જે સંબંધની પેરવી કરવા માટે આજે તે અહી આવ્યો હતો તેને તો તે વર્ષો પહેલા ઠુકરાવી ચુકી હતી. અને કદાચ એ સંબંધોમાં વાગેલી ઠેસજ તેને આ નિર્જનતા
પાસે લાવી હતી અને પછી અનેરા સંબંધોમાં વણાઈ ગઈ હતી. અહી કહેવા માટે તો તેનો સંબંધ કોઈની પણ સાથે લોહીનો નહોતો, પણ શું સંબંધ સાચવવા માટે લોહીનો હોવો જરૂરી છે ? જો એવું હોય તો તે કદાચ દુનિયાની સૌથી અનલકી છોકરી સાબિત થાય. કારણકે કોણ તેના પોતાના હતા અને કોણ પારકા તે તો તેને ખબરજ નથી પડી આજદિન સુધી નહિ.
બાળપણથી લઈને કોલેજ સુધી તે એક ભ્રમમાં જીવતી હતી. પણ જીવન એક ભ્રમ નહિ પણ હકીકત છે. તેનો સ્વીકાર કરતા તેને ઘણો સમય લાગ્યો... ઘણો બધો... બસ.. અચાનક વિચારોને ખંખેરીને પલાશની સામે જોઈ તે બોલી,“હું એ બધાને બહુ પાછળ છોડી ચુકી છું. હવે કઈ જ યાદ નથી કરવું મારે”. તું ....તું.... અહીંથી બને તેટલો વહેલો નીકળીજા. કારણકે પહાડોની હાડમારીવાળી જિંદગીમાં તું જીવી શકીશ નહિ. તું તો આમ પણ આરામ પસંદ છેને. અનામિકાએ પલાશની સામે જોઇને વ્યંગ સાથે કહ્યું.
કારણકે,.....કારણકે પલાશે વચ્ચે રોકતા કહ્યું, કારણકે તું શું એમ કહેવા માંગે છે કે, “હું પલાશ શરદ મહેતા” આ ડુંગરામાં આમજ ઓચિંતો બધા અજાણ્યાલોકો વચ્ચે, અજાણ્યા પ્રદેશમાં આવી ચડ્યો હોઈશ ? તો તું ખોટી છે. હા આ પ્રદેશ અજાણ્યો છે, પણ તું તો નહીને. તું તો મારી મદદ કરીશને, આફ્ટર ઓલ વી આર ફ્રેન્ડસ, એન્ડ આઈ થીંક મોર ધેન ધેટ. એમ આઈ રાઈટ ?
નો. યસ વી આર ફ્રેન્ડસ. બટ ધેર ઇસ નોટ મોર રીલેશનશીપ બીટવીન યુ એન્ડ મી. અત્યારે હું બદલાઈ ચુકી છું, મારું અસ્તિત્વ બદલાઈ ચુક્યું છે, મારી ઓળખ બદલાઈ છે, હું એ પ્રાશા નથી જે ન્યુયોર્કથી આવીને લેટનાઈટ પાર્ટીસ કરતી હતી, કે જે વૈભવી બંગલામાં સતત પોતાનું એક અસ્તિત્વ શોધતી હતી. હવે હું એક અલગ દુનિયામાં છુ, એ દુનિયા જે મારી છે; મારી પોતાની. અહી બધુજ છે જે એ વૈભવોમાં નહોતું શાંતિ, પ્રેમ, દયા, કરુણા અને પોતીકાપણું એ બધુંજ જે એ વૈભવી શહેરી જીવનમાં નહોતું પ્રાશાબોલી. ફરી એ જ શાંતિ અને નીરવતા એ બંને વચ્ચે ફેલાઈ રહી. અહી તે બંને એકબીજાને જાણતા તો હતા છતાં અજાણ હતા.
તો તું નક્કી કરીને આવ્યો છે કે તારે અહી રહેવું છે. વિચારી લે જે અહી તને શહેરનો એક પણ વૈભવ નહિ મળે, રહી શકીશ ? પ્રાશાં બોલી. અને મને લાગે છે કે તું અહી બે દિવસ પણ નહિ રહી શકે. આટલું બોલીને પ્રાશા પલાશ તરફ મર્માળુ હસી. આ હાસ્યમાં પણ ક્યાંક છુપાયેલા દર્દને પલાશ પારખી ગયો. આખરે ક્યારેક એ હાસ્યના અવિરત પડઘા, એ ખીલતું હાસ્યજ તો તેની જીંદગી હતું. પાગલ હતો તે આ હાસ્ય પાછળ. પણ....પણ હવે બધુજ ખતમ થઇ ગયું હતું. બધુંજ શું સાચેજ ? શું સાચેજ પ્રાશા તેને તેના તે ભૂતકાળના...ના આ ના થઇ શકે. પલાશ બસ વિચારતો જ રહ્યો.