અમારા માસ્તર…!!!
અમારા માસ્તર…!!!


રામ સાહેબ એ અમારા માસ્તર, છોકરાઓના પીર. સાહેબની ઉમર અમારા દાદા જેવડી ખરી પણ નિશાળની ચાલીમાં સાહેબ હડી કાઢીને ભાગી જતા છોકરાઓને પકડી પાડે. નેતરની પચાસ સોટીની સજા અને સો ઉઠબેસ કરાવે. સાહેબની આંખની શરમ એટલી કે દુરથી આવતાં જોઈને છોકરાઓ ખમીસ સરખા કરવા લાગે. અમે સાહેબને કદી હસતાં કે ગમ્મત કરતા જોયા હોય એવું હાંભરતું નથી.
સાહેબ પારિવારિક કારણોસર એકલા રહેતા. નિશાળ પછીની એમની દિનચર્યા બઉ ઓછાં જાણે. સાહેબ મળતાવડા નહી એટલે લોકો જરુર પડે ત્યારે જ બોલાવે. કોક છોકરાં કહેતાં કે સાહેબ જાસુસી સંસ્થાના ભેદી કાર્યકર છે. અમુક કહેતા કે સાહેબ કામરુપ દેશમાથી આવેલ તાંત્રિક છે જે નાના છોકરાઓને પશુ-પંખી બનાવી નાખે. કોક કહેતું સાહેબ બીજા વિશ્ર્વયુધ્ધનાં નિવ્રૃત સિપાહી છે.
હું બાલમંદિરમાં હતો ત્યારે પણ રામ સાહેબ હતાં અને શહેરમાં ભણવા ગયો ત્યારે પણ સાહેબ બે હાથ પાછળ વાળી થોડી ગરદન ઝુકાવી બાજુ નજર રાખતા-રાખતા ચાલીમાં હડી કાઢતાં. પણ આજે હું ત્રીસનો થયો. મારી દિકરીને ભણવા બેસાડી અને રામ સાહેબ યાદ આવ્યા. નિ:સાસો નાખ્યો કે નથી આજે રામ સાહેબ જેવા માસ્તર કે જેના અવસાન બાદ લોકોને ખબર પડી કે સાહેબ તો ગંભીર બિમારીથી પિડાતા હતાં અને તેઓએ પોતાના ઈલાજના બધા પૈસા નિશાળ માટે વાપરી નાખ્યાં…!!!