અધૂરી આશા
અધૂરી આશા
આજે શિક્ષકદિન એટલે મારા માટે ખરેખર ગુરુ વંદનાનો દિવસ. મારા બાળપણને યાદ કરું તો પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી જ પ્રાર્થનાસભામાં શિક્ષકદિનની ઉજવણીની જાહેરાત થાય. ”જે બાળકોને શિક્ષકદિનની ઉજવણી માં ભાગ તેવો હોય તે પોતાનું નામ અને વિષય લખાવી જાય” મને મારી શાળાના બાબુભાઈ પ્રજાપતિ સાહેબ સાથે વિશેષ લગાવ. બાળકો પ્રત્યેની તેમની લાગણી, અને પ્રેમ તેમને બાળકોના દિલમાં વસાવી દીધા હતા. ગામલોકો તરફથી તેમણે મળતું સન્માન જોઈને મને પણ મોટા થઇ શિક્ષક બનવાની તમન્ના જાગતી. અને હું દોડતી સાહેબ પાસે શિક્ષક પાસે નામ લખાવવા દોડતી.
મારું નામ લખાવવા માટે હું જાઉં ત્યારે સાહેબ મને કહે –‘તું થોડીવાર રહી જા. છેલ્લે જે વિષય બાકી રહે તે તારા”. અને છેલ્લે અંગ્રેજી જેવો કઠીન વિષય મારા ભાગે આવતો. બે-ત્રણ દિવસની તૈયારી પછી માંડ એકાદ કલાકની તૈયારી થતી. આગલા દિવસે પાછા પ્રાર્થનાસભામાં નિયમો કહેવામાં આવતા. દરેક વિદ્યાર્થીની બહેનો સાડી પહેરીને આવશે. મને થતું કે –બહેનો બધા ડ્રેસ પહેરીને આવે છે. છતાં સાહેબ કશું કહેતા નથી ને અમને સાડી ! સાંજે છૂટ્યા પછી પેટીમાંથી કેટલીયે સાડી કાઢવાની –પહેરવા માટે મોટી બહેનને આજીજી કરવાની –સાડી પહેર્યા પછી કઈ સારી લાગશે તે જોવાનું.-
બધીજ પૂર્વ તૈયારી પછી સાડી પહેરીને શરમાતાં-શરમાતાં શાળામાં જવાનુ. પછી પ્રાર્થના સભા, પીરીયડ, રિસેસ અને ફોટો પડવાનો હોય ત્યારે સાડી ઘરેણાથીએ વહાલી લાગતી. અને પછી તો કાઢવાનું મન પણ ના થતું. છેલ્લે સભા ભરાય અમારા વખાણ થાય તાલીઓના ગડગડાટ થાય. અમારો આનંદ બમણો થઇ જાય.નાનકડું ઇનામ પણ મળે કેટલાય દિવસ તેને સાચવીને રાખીએ. પછી એમજ થાય કે-મોટા થઈને પણ હું શિક્ષિકા જ બનીશ. બી.એ.બી.એડ થઇ પણ શિક્ષિક ના બની શકી. આજે હું સુરત શહેર પોલીસ તરીકે મારી ફરજ બજાવી રહી છું. પણ મારો આ અનુભવ ભૂલી શકતી નથી.