આ દિલ
આ દિલ
વાત મનની કશી માનતું નથી આ દિલ.
સમજાવે ઘણું સમજતું નથી આ દિલ.
તુટ્યું હશે વારંવાર છતાં પણ કયારેય,
પહેલાં એ પ્યારને ભૂલતું નથી આ દિલ.
કહ્યું, મોકો છે તો કરી લે સરભર પણ,
હિસાબ કરવામાં માનતું નથી આ દિલ.
પ્રસંગોપાત થાય જો અવગણના ઘણી
તો પણ, સબંધ કદી તોડતું નથી આ દિલ.
આમ છતાં ભાંગે જો એક વાર તો 'નીર',
પછી ફરી કયારેય સંધાતું નથી આ દિલ.
***
એક નામ કોતરાયું ભીતર ઉરે,
ને હું ભીંજાયો લાગણીના ફોરે.. એક
ક્ષિતિજે ખીલેલ સંધ્યાનાં રંગમાં,
સમંદરના મોજાની મંદ લહેરમાં,
નજર બસ આ એને જ ખોળે.. એક
વાંસળી, ઝરણાં ને પવનનાં સૂરમાં,
ભ્રમરનાં ગુંજનમાં, કોયલના સૂરમાં,
ચર્ચાઇ ગઈ વાત ચૌટે ને ચોરે.. એક
ચારે બાજુ વિખરાઇ અેની યાદ,
વિરહની રાતે સીસકતો આ ચાંદ,
વેદના લખાઇ ભીની કાગળ કોરે.. એક
