STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

નિરર્થક અને સાર્થક

નિરર્થક અને સાર્થક

4 mins
0

નિરર્થક અને સાર્થક


પ્રાચીન કાળની વાત છે. નર્મદાના શાંત તટ પર મહર્ષિ શાંડિલ્યનો પાવન આશ્રમ હતો, જ્યાં પ્રકૃતિ સ્વયં વેદમંત્રોનું ગાન કરતી હોય એવું પ્રભાવી વાતાવરણ હતું. આ આશ્રમમાં મેધાવી નામનો એક યુવાન તત્ત્વજ્ઞાનની સાધના કરવા આવ્યો. તે અત્યંત બુદ્ધિશાળી હતો, પરંતુ શાસ્ત્રોના થોડા અધ્યયનને કારણે તેના અંતરમાં જ્ઞાનનો સૂક્ષ્મ મદ ઘર કરી ગયો હતો.


દીક્ષા અને સાધનાનો સમય પૂર્ણ થતાં, એક પ્રભાતે મેધાવીએ આચાર્ય શાંડિલ્યના ચરણોમાં વંદન કરીને ગુરુદક્ષિણા સ્વીકારવા વિનંતી કરી. ત્રિકાળજ્ઞાની ગુરુદેવ શિષ્યના અંતરમનના તરંગોને ભલીભાંતિ પારખી ગયા હતા. સાધના દરમિયાન જ્યારે ગુરુજીએ કેટલીક ગૂઢ વિધિઓ શીખવી, ત્યારે મેધાવીને થયું હતું કે આમાંની અડધોઅડધ વાતો તો તેણે પહેલેથી જ ગ્રંથોમાં વાંચી લીધી છે; ગુરુજીનો આ ઉપદેશ તો સાવ નિરર્થક અને સમયનો વ્યય છે.

ગુરુએ કહેલી કેટલીક વાતો નિરર્થક લાગી.


જ્યારે અધૂરું જ્ઞાન માણસના મસ્તક પર ચડી બેસે છે, ત્યારે તે વિવેક ગુમાવી બેસે છે.

यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः ।

यदा किञ्चित्किञ्चिद्बुधजनसकाशादवगतं तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥

જ્યારે હું થોડુંક જ જાણતો હતો, ત્યારે મદમસ્ત હાથીની જેમ અંધ બની ગયો હતો અને મારું મન 'હું સર્વજ્ઞ છું' તેવા અભિમાનથી છલકાઈ ગયું હતું. પરંતુ જ્યારે વિદ્વાનોના સાંનિધ્યમાં થોડું-થોડું સત્ય સમજાયું, ત્યારે 'હું તો મૂર્ખ છું' તેવા ભાન સાથે મારો અહંકાર રૂપી તાવ ઉતરી ગયો.


મહર્ષિ શાંડિલ્ય સ્મિત વેરતાં બોલ્યા, "વત્સ મેધાવી, જીવનના આ સંધ્યાકાળે મારે કોઈ સુવર્ણ, રત્ન કે મૂલ્યવાન ઉપહારની અપેક્ષા નથી. જો તું ખરેખર દક્ષિણા આપવા જ માંગતો હોય, તો આ સૃષ્ટિમાંથી એવી કોઈ એક વસ્તુ શોધી લાવ જે તદ્દન વ્યર્થ હોય—જેનો ક્યારેય, કોઈને પણ લેશમાત્ર ઉપયોગ ન થતો હોય."


ગુરુની આ વિચિત્ર આજ્ઞા સાંભળી મેધાવી મનમાં હસ્યો. તેને થયું કે આ તે વળી કેવી દક્ષિણા? આવી નકામી વસ્તુઓ તો ડગલે ને પગલે પડી હોય છે! મેધાવી તો પોતાની બુદ્ધિના ઘોડા દોડાવતો આશ્રમની બહાર નીકળી પડ્યો.


થોડે દૂર જતાં જ તેના પગ નીચે ભીની માટી આવી. તેણે વિચાર્યું કે આ ધૂળ કરતાં વધુ તુચ્છ અને વ્યર્થ બીજું શું હોઈ શકે? જેવો તેણે મુઠ્ઠી ભરવા હાથ લંબાવ્યો, ત્યાં જ ધરતીના અણુ-અણુમાંથી એક ધરતીનો નાદ ગુંજી ઉઠ્યો:

व्यर्थां नृशंस! कलयस्यथ मां किमर्थम्? मद्गर्भजं सकलविश्वविभूतिजातम्।

सस्यं च पुष्पसुरभिस्तव भूतदेहः, मत्तोऽभवन्, किमु तथापि निरर्थकाऽहम्?

 "હે માનવ! તું મને વ્યર્થ સમજે છે? શું તને એ ભાન નથી કે આ સમગ્ર સૃષ્ટિનું વૈભવશાળી ઐશ્વર્ય મારા જ ગર્ભમાંથી પ્રગટ થાય છે? આ લીલીછમ વનસ્પતિ, પુષ્પોની સુવાસ, અન્નના ભંડાર અને ખુદ તારો આ નશ્વર દેહ પણ મારા જ પંચમહાભૂતોમાંથી ઘડાયો છે. છતાં હું તને નિરર્થક લાગું છું?"


ધરતીનો આ પ્રત્યુત્તર સાંભળી મેધાવીનું મસ્તક લજ્જાથી ઝૂકી ગયું. તે આગળ વધ્યો. થોડે દૂર એક ખરબચડો, બેડોળ પથ્થર પડ્યો હતો. મેધાવીને થયું કે આ તો કોઈના કામનો નથી. જેવો તેણે પથ્થર ઉઠાવવા હાથ અડાડ્યો, કે તરત જ પાષાણમાંથી એક દિવ્ય વાણી પ્રગટી:


अधीत्य शास्त्राणि च तत्त्ववेत्तः! संकीर्णदृष्टिः कथमद्य जातः?

प्रासाददुर्गामरमन्दिराणि मत्तो भवन्ति प्रणतानि यत्र।

टङ्कप्रहारान् निखिलान् विसोढ्वा देवाकृतिं यामि समर्चनीयाम्,

एतादृशे मत्प्रणयेऽपि नूनं व्यर्थं हि मां मन्यसि किं नु विद्वन्?

 

"હે તત્ત્વજ્ઞાનના અભ્યાસી! આટલા શાસ્ત્રો ભણ્યા પછી પણ તારી દૃષ્ટિ આટલી સંકુચિત રહી? જે ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ અને દેવાલયોમાં તું શીશ ઝુકાવે છે, તેનું નિર્માણ કોનાથી થાય છે? ટાંકણાના ઘા સહન કરીને હું જ તો દેવપ્રતિમા બનું છું! મારા આટલા સમર્પણ પછી પણ તું મને નકામો ગણે છે?"


મેધાવી સ્તબ્ધ થઈ ગયો. તેની તર્કશક્તિ પરાસ્ત થઈ ચૂકી હતી. તેણે આગળ જતાં સૂકા પાંદડા, કાંટા, અને અંતે ઝેરી વનસ્પતિ તરફ પણ હાથ લંબાવ્યો, પરંતુ દરેક તત્ત્વએ સૃષ્ટિના સંતુલનમાં પોતાની અનિવાર્યતા સિદ્ધ કરી આપી.

કણ-કણમાં જ્યાં ચેતનાનો વાસ છે,

હર એક રજકણમાં પ્રભુનો શ્વાસ છે;

વ્યર્થ નથી કશુંય આ બ્રહ્માંડમાં,

માત્ર 'હું'પણાનો જ મિથ્યા ભાસ છે.


સંધ્યાના કેસરી રંગો આકાશમાં પથરાઈ રહ્યા હતા તેનું પ્રતિબિંબ એવું તો હતું કે જાને સુવર્ણ કણો ધરતી પર પથરાયા હોય. મેધાવી એક વટવૃક્ષ નીચે બેસી ગયો. તેના અંતરમાં જ્ઞાનનો દીપ પ્રગટ્યો. તેને સમજાયું કે પરમાત્માની આ સૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ નકામો કે તુચ્છ નથી. ખરેખર જો કોઈ તત્ત્વ સર્વથા વ્યર્થ, ભારરૂપ અને વિનાશકારી હોય, તો તે છે મનુષ્યની ભીતર રહેલો મિથ્યા અહંકાર! "અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું", તો પછી એક સામાન્ય સાધકની શી વિસાત?

खं वायुमग्निं सलिलं महीं च ज्योतींषि सत्त्वानि दिशो द्रुमादीन्।

सरित्समुद्रांश्च हरेः शरीरं यत्किञ्च भूतं प्रणमेदनन्यः॥ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ

આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, તારાઓ, સમસ્ત પ્રાણીઓ, દિશાઓ, વૃક્ષો, નદીઓ અને સમુદ્રો—આ સૃષ્ટિમાં જે કાંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે બધું જ ભગવાન શ્રીહરિનું શરીર (સ્વરૂપ) છે. એમ જાણીને અનન્ય ભાવથી સૌને પ્રણામ કરવા જોઈએ.



મેધાવીના નેત્રોમાંથી પશ્ચાત્તાપના અશ્રુ વહેવા લાગ્યા. તે ખાલી હાથે, કિંતુ અત્યંત હળવા હૃદયે આશ્રમમાં પાછો ફર્યો. મહર્ષિ શાંડિલ્યના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દઈને તે ગદ્ગદ કંઠે બોલ્યો, "ગુરુદેવ! હું સમગ્ર સૃષ્ટિ ફરી વળ્યો, પણ મને ક્યાંય કોઈ વ્યર્થ વસ્તુ ન મળી. અંતે મને સમજાયું કે આ જગતમાં સૌથી નકામી અને વિઘાતક વસ્તુ મારું અજ્ઞાન છે.

જે મને આપના જ્ઞાનના અમૃતથી વંચિત રાખતો હતો. આજે હું એ જ અજ્ઞાન આપના ચરણોમાં ગુરુદક્ષિણા રૂપે અર્પણ કરું છું."


મહર્ષિએ મેધાવીને ઊભો કરીને હૃદય સરસો ચાંપી લીધો. સદ્ગુરુ તો સદાય પોતાના જ્ઞાનનો ખજાનો લૂંટાવવા તત્પર જ બેઠા હોય છે, પરંતુ શિષ્યનું પાત્ર જો અહંકાર, સંસારની વ્યર્થ ચિંતાઓ અને પૂર્વગ્રહોથી ભરેલું હોય, તો તેમાં અમૃત શી રીતે સમાય? સાધક અને સિદ્ધ વચ્ચે, શિષ્ય અને ગુરુ વચ્ચે જો કોઈ દીવાલ હોય, તો તે કેવળ 'હું'પણાની છે. પાત્ર ખાલી થતાં જ મેધાવીનું અંતર ગુરુકૃપાના અલૌકિક પ્રકાશથી ઝળહળી ઉઠ્યું.


વાર્તા પરિચય: જ્યારે એક બુદ્ધિશાળી શિષ્યને ગુરુના ઉપદેશો અધૂરા અને નિરર્થક લાગવા માંડે છે, ત્યારે ગુરુ તેની પાસે દક્ષિણામાં સૃષ્ટિની સૌથી 'વ્યર્થ વસ્તુ' માંગીને તેને પ્રકૃતિના અણુ-અણુ સાથે સંવાદ કરાવે છે. શું શિષ્ય એ નકામી વસ્તુ શોધી શકશે, કે પછી આ શોધ તેના પોતાના જ અસ્તિત્વના સૌથી મોટા ભ્રમને તોડી નાખશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational