STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

યશવંતી ગુજરાત

યશવંતી ગુજરાત

1 min
34

 યશવંતી ગુજરાત…

 

ગુણીયલ   ગુર્જર   ગિરા  અમારી, ગૌરવવંતા ગાન

સ્નેહ  સમર્પણ  શૌર્ય  શાંતિના,  દીધા  અમને  પાઠ

રાજવી  સાક્ષર  સંત મહાજન , ધરે  રસવંતા  થાળ

જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ 



જનમ્યા  ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા  છે ગુલદસ્ત

તવ  રંગે  સોડમે  ખીલ્યાં, મઘમઘતાં  માનવ પુષ્પ

 વિશ્વ  પથ  દર્શક  ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન

ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

  

રમ્ય   ડુંગરા   સરિતા  મલકે,  ધરતી  ઘણી  રસાળ 

ગરબે ઝગમગે જીવન દીપ ને,જગત જનનીનો સાથ.

ધરતી   મારી  કુબેર  ભંડારી, ભરશું  પ્રગતિ સોપાન

જય  જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર  તવભાલ.

 

રત્નાકર  ગરજે   ગુર્જર   દ્વારે,  કરે  શૌર્ય  લલકાર

મૈયા   નર્મદા  પુનિત  દર્શિની  ભરે   અન્ન  ભંડાર

માત  મહીસાગર  મહિમાવંતી, તાપી  તેજ  પ્રતાપ

જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત


પાવન  તીર્થ , તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન  અમાપ

સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર

વલ્લભ  સરદાર  સંગે  ગાજે  ગગને  જય  સોમનાથ

ધન્ય  ધન્ય  ગુર્જરી માત  શોભે યશચંદ્ર  તવ  ભાલ

 

ભારતવર્ષે   પરમ  પ્રકાશે, જાણે  હસ્તી  પર  અંબાડી

સપ્ત  સમંદર સવારી  અમારી, દરિયા  દિલ  વિશ્વાસી

અનુપમ  તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત

રમાડે  ખોળે  સિંહ સંતાન , શોભે  યશચંદ્ર  તવ ભાલ

 

ગાયાં પ્રભાતિયાં ભક્ત નરસિંહે, આભલે  પ્રગટ્યા ઉમંગ

સાબર  દાંડી  શ્વેત  ક્રાન્તિના, દીઠા  પુણ્ય  પ્રતાપી રંગ

'આકાશદીપ'  વધાવે  વીર  સુનિતા  છાયો પ્રેમ અનંત

ધન્ય  ધન્ય ગુર્જરી માત, શોભે  યશચંદ્ર  તવ  ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in