હું ચોમાસું થાતો
હું ચોમાસું થાતો


તારા શ્વાસોમાં વહેતો થઈ મોજ બની લહેરાતો,
તું જો આવે પાસે ત્યારે હું ચોમાસું થાતો,
તારી સામે જોઈ લઉં ત્યાં હું તો થાતો વાદળ,
આંખો તારી ઝુકી જતી મેં જોયું મારી આગળ,
જળભરેલી એ આંખોમાં હું જ હવે દેખાતો,
તું જો આવે પાસે ત્યારે હું ચોમાસું થાતો.
તે કીધેલી વાતોમાં હું દેતો થોડું ધ્યાન,
તારા શબ્દોની મારે બહુ નજીકની ઓળખાણ,
એ જ સંબંધે હું તો બારેમાસ ભલે ભીંજાતો,
તું જો આવે પાસે ત્યારે હું ચોમાસું થાતો.
અષાઢ ભીનું લાગે તારું દિલ ખોલીને હસવું,
મારી સાથે બેસીને આમ જીવનભરનું શ્વસવું,
એમાંય પણ તારી સાથે થોડો હું શરમાતો,
તું જો આવે પાસે ત્યારે હું ચોમાસું થાતો.