બીજો તારલો
બીજો તારલો
ઢળતી સંધ્યા દીસે સલૂણી, કેવા સુંદર નજારા
ધીરે ધીરે આભથી ઊતર્યા, ઠંડી લહેરે અંધારા
ટમટમ કરતા વ્યોમ તારલા ભાત પાડી ને હસતા
કવિરાજ કહે, વાહ !
કુદરત, કેવા આનંદ ખજાના તારા,
દૂર દૂર આકાશ મધ્યે, દીઠો એક તારલો ખરતો
કવિ સહસા બોલ્યા, પ્રભુ સૃષ્ટિ કલ્યાણ કરજો
ખંધુ હસી, શ્રીમતીજી ધીરેથી બોલ્યાં, સૂણજો
જો બીજો તારલો ખરતો દેખો....
- તો ઘરનો વિચાર કરજો,
સાંભળો સારું થયું કે પવિત્ર અગિયારસ છે આજે
વાડામાં પાક્યું છે પપૈયું, વાળું દીધું ; પ્રભુએ ભાવે
કવિરાજ હસીને બોલ્યા....
આપણા દિન પણ આવશે...
કલમ મારી એવી ચાલશે, જમાનો વાહવાહ ગાશે,
હસી શ્રીમતી વદિયાં વાણી, મેં વાત સાંભળી છાની
ગાયક નવોદિત કલાકારે, આજ ચ્હાની લારી કાઢી
ગાયાં ગાન જામી હવા, પછી લોકોએ પોરો ખાધો
ઘર ચલાવવા, ચ્હાની લારી પર સઘળો આધાર દીઠો
કવિરાજ સપનામાં ડૂબ્યા, ખુશ થયા હેરી પોર્ટર ભાળી
ઊંઘમાં થયા ગાલ ગુલાબી, સવારે પકડી કલમ,
ધરી એજ ખુમારી.
