આવ રે મેઘા
આવ રે મેઘા
2 mins
235
આવ રે મેઘા….
દશે દિશાએ વાયુ વાયે
કાળાં ડિબાંગ વાદળ ઉમટે
અંબર ગાજે,વીજ ઝબૂકે
ધરતીનો ધબકાર પુકારે
આવરે મેઘા મારે દ્વારે(૨)
કેવો વરસે....
ઝરમર ઝરમર ધારે વરસે
વાયુના વીંઝણાએ વરસે
આસમાનથી ત્રાંસો વરસે
સાંબેલાની ધારે વરસે
રાજાશાહી ઠાઠે વરસે…આવરે મેઘા
અષાઢે આખેઆખો વરસે
શ્રાવણે ઝરમરિયો વરસે
પારેવાની પાંખે વરસે
મોરલાને કંઠે વરસે
ભૂલકાંની સંગાથે વરસે…આવરે મેઘા
કેવો વરસ્યો……
પર્વતની ટેકરીએ વરસ્યો
ઊંડી ઊંડી ખીણે વરસ્યો
ભેખડો તોડી ને વરસ્યો
ગામ–શહેરની વાટે વરસ્યો
સૃષ્ટિ માટે દોડી વરસ્યો…આવરે મેઘા
માનવની શ્રધ્ધાથી વરસ્યો
ચાતકના પ્રેમે એ વરસ્યો
મોરલાના નાચે વરસ્યો
નવોઢાના સાદે વરસ્યો
ધીંગી ધરાને કાજે વરસ્યો….આવરે મેઘા
કેવો છલક્યો કેવો મલક્યો….
સરોવરને કિનારે છલક્યો
બંધતણા દરવાજે છલક્યો
નદીઓના કાંઠાએ છલક્યો
ગામોની વાટો એ છલક્યો
દિલ દઈ ડેલીએ વરસ્યો…..આવરે મેઘા
ડાંગરની ક્યારીએ મલક્યો
ઊંચા ઊંચા તરૂએ મલક્યો
મોતી થઈ પાંદડીએ મલક્યો
વાડતણા વેલાએ મલક્યો
વહાલો મારો લીલીછમ મલક્યો…આવરે મેઘા
ગરીબોના કૂબાએ મલક્યો
ખેતરે મોલ થઇ મલક્યો
ખેડૂતોના અંતરથી મલક્યો
વેપારીની વખારે મલક્યો
વાહ ધરણીધર કેવો મલક્યો….આવ રે મેઘા
કેવો ચમક્યો કેવોમહેંક્યો…
મેઘ ધનુષના રંગે ચમક્યો
ચાંદલીયાના જળકુંડે ચમક્યો
પંકજની પાંદડીએ ચમક્યો
સાગરની સેજે રે ચમક્યો
મંદિરના શિખરીએ ચમક્યો…..આવરે મેઘા
ધરતીની ખુશબુ થઈ મહેંક્યો
મોરલાના કંઠડે ગહેંક્યો
શ્યામલ રૂપ ધરીને છલક્યો
ખીલતા યૌવનથી મલક્યો
ભક્તિની શક્તિથી ખૂબ ઝબૂક્યો….આવરે મેઘા
ગાજતો રહેજે ,વરસતો રહેજે
દશે દિશાએ દોડતો રહેજે
વરસે વરસે ભીંજાવતો રહેજે
સૃષ્ટિને સજાવતો રહેજે
મેઘાડંબર ગજાવતા રહેજે….ગજાવતો રહેજે
વહાલા મેઘા આવતો રહેજે …..આવતો રહેજે
રમેશ પટેલ(આકાશદીપ)
