Kanala Dharmendra

Children Stories Tragedy Inspirational

3  

Kanala Dharmendra

Children Stories Tragedy Inspirational

પરસ્પરાદર્શ

પરસ્પરાદર્શ

3 mins
373


આમ તો દરેક દીકરા માટે પહેલો સુપરહીરો એનો પિતા જ હોય છે. હું એમાં અપવાદ નથી. જોકે મારા સુપરહીરોમાં એક્શન કરતા પણ વધુ સશક્ત મૌન હતું. જોકે પૂરતી સમજણને અભાવે મને એ મૌન ક્યારેક અકળાવતું પણ ખરું. આવે વખતે મમ્મી બાજી સાંભળી લેતી.


ઉંમર વધતા સુપરહીરોનું સ્થાન બીજા હીરો લેવાં માંડે. ક્યારેક સમજણના અભાવે પણ એવું બને. મારા કિસ્સામાં પણ મારી સમજણનો ગજ ટૂંકો પડ્યો. મેં પપ્પાને નિરાશ અને નીરસ સમજી લેવાની ભૂલો કરવાનું શરૂ કર્યું. એક દિવસ મારાથી બોલાઈ પણ ગયું , " એમને એક પણ તહેવાર ના ગમે, ખુલીને હસે નહીં, ઝડપથી કોઈ નિર્ણય ન લે, કોઈ વાતમાં ઉત્સુકતા નહીં. આવું કેમ?" મમ્મીએ મારા


માથે હાથ ફેરવતાં એક વાર્તા કહી, " એક છોકરો. ખૂબ ગરીબ પણ ખૂબ સુખી. મા-બાપ ચાર ભાઈઓ અને એક બહેન. તેના પપ્પા ભગત. ભજન ગાય, ગાયોની સેવા કરે . દુનિયદારીમાં ઓછો રસ પડે. કસોટી સતની જ હોય એ ન્યાયે કસોટીના પહેલા પડાવમાં એ છોકરાના પપ્પાને રાજરોગ થઈ. બધી સમૃદ્ધિ દવાની શીશીઓ સાથે ખૂટતી ગઈ. પપ્પાના દેહાવસાનમાંથી ઘર ઊંચું આવે તે પહેલાં તેના મમ્મીએ પણ વિદાય લીધી. પણ એ છોકરાના મોટાભાઈ સરકારી નોકરી કરતાં હતા એટલે બહુ ચિંતા નહોતી. એક દિવસ તડકામાં નોકરીએથી આવ્યા બાદ મોટાભાઈની તબિયત બગડી. રાતે ખૂબ ઝાડા-ઉલ્ટી થયાં બાદ સવારે એનું અવસાન થયું. એક વર્ષમાં ત્રણ મરણ. પેલો છોકરો રાતોરાત ઘરમાં સૌથી વડીલ બની ગયો. નવમું ભણતો છોકરો ઘરનો મોભી! ઓલ્ડ એસ એસ સી ની પરીક્ષા ફી ભરવાના પણ પૈસા નહોતા. એ તો માંગી-ભીખીને ભર્યા પણ પરીક્ષા કેન્દ્ર દૂર હતું. છેલ્લા પેપર વખતે પૈસા ખૂટયા. દોસ્તોને ખ્યાલ હતો. પૈસા ન આપવા પડે એટલે વહેલી બસમાં જતાં રહ્યાં. આ છોકરો ઘરના ઓટે બેસીને રડતો હતો. આજુબાજુમાં રહેતી ડોશીઓને વાત સાંભળી દયા આવી અને એ બધાએ ફાળો કરીને એક રૂપિયો આપ્યો. આંસુ લૂછીને એ પરીક્ષા આપવા ગયો. પેપર તો પુરા થયાં પણ પરીક્ષા નહીં. છોકરાની નાનપણથી કરેલી સગાઈ તૂટી ગઈ કારણકે હવે તેનું કોઈ હતું નહીં તો એવા ગરીબ અને ઘણી-ધોરી વગરના ઘરમાં કોણ છોકરી આપે. છેવટે પરિણામ આવ્યું. છોકરો પરીક્ષામાં પાસ થયો. તરત જ કારકુનની નોકરી મળી. પોતાનાથી નાના ભાઈ- બહેનને ભણાવીને નોકરીએ લગાડ્યા અને એ બધાના પોતાની પહેલા લગ્ન કર્યા. પછી કેટલાંક વડીલો એના માટે પણ એક છોકરી શોધી લાવ્યા.


તને ખબર છે આ છોકરો એટલે જ તારા પપ્પા. કદાચ આ કારણસર જ એ તહેવાર તમે ઉજવો છો એમ નથી ઉજવાતા, કદાચ એટલે જ એ વારંવાર કપડાં નથી લીધા કરતાં, કદાચ કુદરતની એ ક્રૂર થપાટ બાદ ખુલીને હસી નથી શકતા, કદાચ.....", મમ્મી આગળ ન બોલી શકી. હું પણ હિબકે ચડ્યો અને ત્યારથી જ મારા પપ્પા મારી પ્રેરણા બન્યા. મારા બધા તોફાન બંધ કરી મેં ભણતા-ભણતા જ કમાવાનો નિર્ણય કર્યો અને વિરાસતના અનિલ કપૂર જેવો જ એક સંકલ્પ કર્યો અને મનોમન બોલ્યો, " આઈ ડોન્ટ લવ યુ પપ્પા બટ ફ્રોમ ટુડે ઓનવર્ડ્ઝ આઈ વિલ લીવ યુ." આજે પણ હું એને જ જીવું છું.


Rate this content
Log in