મમ્મી
મમ્મી


સાવ અજાણ્યું ગામ ધ્રોલ. બીએડનો કોર્સ કરવા આવેલા અમે સૌ મિત્રો ચિંતામાં હતા. ઘર મળશે કે નહીં, વાતાવરણ ફાવશે કે નહીં, માણસો કેવા હશે, કોલેજનો પહેલો દિવસ કેમ રહેશે, પ્રોફેસર્સ કેવા હશે વગેરે -વગેરે. આ બધી ગડમથલ સાથે ગામમાં રૂમ ગોતવા ગયા અને એક સોસાયટીમાં આવ્યા.
" જુઓ, ત્યાં સામે દેખાય એ મકાન ભાડે આપે છે", એક અજાણ્યા વ્યક્તિએ અમને એ મકાન બતાવ્યું. " માવતર" લખેલા એ મકાનનો દરવાજો ખખડાવતા એક આધેડ વયની સ્ત્રીએ દરવાજો ખોલ્યો.
" મકાન ભાડે આપો છો?" મેં પૂછ્યું.
" હા, પણ જેવા- તેવાને નહીં " એ બહેન બોલ્યાં.
" અમે જેવાં-તેવાં નથી", મારાથી બોલાઈ ગયું.
એ બહેને મોઢું બગાડ્યું.
" અમે જવાની તૈયારી કરતા હતા ત્યાં તેઓ બોલ્યા, " સામાન મૂકી કોલેજ જઈ આવો. પછી નિરાંતે વાત કરીશું."
બધા ગયા પણ મને હોમ સિકનેસ લાગતી હતી એટલે મેં જવાનું માંડી વાળ્યું.
થોડીવાર થઈ એટલે પેલા બેન આવ્યાં. " તું કોલેજ ના ગયો."
"ના" કહેતા મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
" ઘર યાદ આવે છે? ભણવું હોય તો બધું કરવું પડે. ચા પીવી છે? લેતી આવું?" તેમણે મને પૂછ્યું.
" હું ચા નથી પીતો", મેં કહ્યું.
" તો અહીં કઈ ઘર નથી કે માંગો તે મળે", તેઓ ખિજાઈને જતા રહ્યાં. થોડીવાર પછી ગરમાગરમ દૂધ અને બટેટાપૌઆ લઈને આવ્યા અને મને કહે, " લે ખાઈ લે." હું જરાક મલકયો.
એ પણ મલકાયા. " શું નામ છે તારું?", એમણે પૂછ્યું. " ધર્મેન્દ્ર", મેં કહ્યું.
" તમારું ? " મેં તેમની સામે જોઇને પૂછ્યું.
" મમ્મી. હવે દૂધ પી લે ઠરી જશે અને હા રોજરોજ આ નખરા નહીં પોસાય અને ભાડુ એડવાન્સ લઈશ", જતા-જતા એમણે પોતાની આંખમાંથી આંસુ લૂછયા અને મેં ઘરે મમ્મીને ફોન લગાડીને કહ્યું, " મમ્મી, તું ચિંતા નહીં કરતી. તું હંમેશા મારી સાથે જ છો." હું પૌઆ ખાઈ કોલેજ જવા તૈયાર થયો.