mariyam dhupli

Children Stories Romance Inspirational

4  

mariyam dhupli

Children Stories Romance Inspirational

દિલ ચીર કે દેખ ( ભાગ - ૪ )

દિલ ચીર કે દેખ ( ભાગ - ૪ )

5 mins
572


મારા ઓરડામાં ફક્ત મારા રીડિંગ લેમ્પનો પ્રકાશ આછો આછો પથરાયેલો હતો. એ પ્રકાશને સ્વીચ વડે દ્રશ્ય અને અદ્રશ્ય કરવાની રમત હું રમી રહ્યો હતો. થોડીવાર એ ઓરડામાં ઉજાશ રહેતો અને થોડીવારમાં એ ઓરડો ગાઢ અંધકારમાં ડૂબી જતો. સામે દિશાનાં અંધકારભર્યા ઓરડાની જેમ. ઊંઘી ગઈ હશે ? કે પછી પથારીમાં બંધ આંખે એજ દ્રશ્ય નિહાળી રહી હશે જે હું મારા અર્ધજાગ્રત મન ઉપર નિહાળી રહ્યો હતો. 

વારંવાર એ દ્રશ્ય દિશાએ મારી છાતી સુધી પસારેલા હાથથી શરૂ થતું અને બન્નેનાં હોઠનાં હળવા ઉષ્માભર્યા સ્પર્શ ઉપર આવી અટકી જતું. એ દ્રશ્ય સાથે મારું વિશ્વ પણ અટકી પડ્યું હતું. પરીક્ષાનું ટાઈમટેબલ મારી ભીંત ઉપરથી મને ફાટી આંખે નિહાળી રહ્યું હતું. પરંતુ મારી આંખો સામે એ નીરસ સમયપત્રક નો ' સ ' પણ ડોકાઈ શકતો ન હતો. એ આંખો સામે તો ઇન્દ્રધનુષી રંગો છલકાઈ રહ્યા હતા. 

દિશાનો મીઠો ચહેરો, એનું આકર્ષક યૌવન, મારા શરીરને અત્યંત નજીકથી સ્પર્શેલા એના શરીરનાં દરેક કોમળ અંગો, એના એ રસદાર પાતળા ધ્રુજતા હોઠ, એના હૃદયનો એ ગરમ ધબકાર જે હું સાંજે જીવંત અનુભવીને આવ્યો હતો. મારું મન અને મગજ બન્ને એ ઘડી ઉપર થંભી ગયું હતું.  મારું શરીર, મારી આત્મા બન્ને દિશાને ઝંખી રહ્યા હતા. અચાનકથી એ હજારો માઈલ દૂર હોવાની અનુભૂતિ થઇ રહી હતી. હવે એ દૂરી અસહ્ય હતી. હવે એનાથી દૂર રહેવાની એક એક ક્ષણ જાણે કાળા પાણીની સજા સમાન હતી. 

મને દિશાને પામવું હતું. એના શરીરમાં પ્રવેશી એની આત્મા સુધી પહોંચવું હતું. દિશા જોડે જીવન માંડવું હતું. પણ શું એનાં રૂઢિચુસ્ત માતા-પિતા આ સંબંધ માટે હામી પૂરાવશે ? અને મારા બા અને પિતાજી ? આમ તો બન્ને ખૂબજ ખુલ્લી વિચારશ્રેણી ધરાવતા હતા. પણ પ્રશ્ન અહીં જૂદી જૂદી જાતિનો હતો. પિતાજી શિસ્ત અને નિયમોની બાબતે ખૂબજ કડક હતાં. બા પણ ધાર્મિક બાબતોમાં અત્યંત મક્કમ વિચારો રાખતી હતી. 

બોસ, આ ભારત હતું. અહીં રોમેન્ટિક ફિલ્મો કરોડોનાં વ્યવસાય કરતી હોય.પ્રેમની વાર્તાઓ અને ગીતો જ સુપર હિટ થતા હોય. પણ જયારે સંબંધ અને લગ્નની વાત આવે ત્યારે બધું 'અરેન્જ' કરવાને પ્રાધાન્ય મળે. સાચા જીવનનાં પ્રેમી પંખીડાઓને સમાજનાં તિરસ્કાર અને ઘૃણાનાં અને પોલીસનાં ડંડાઓનો શિકાર થવું પડે. મારાં મનનો બળાપો ઊંડા ઉચ્છવાસ દ્વારા ટેબલ ઉપર નિષ્ક્રિય ઉઘડેલા પુસ્તકોનાં પાનાઓને શેકી રહ્યો હતો કે મારાં ઓરડાનાં દરવાજે ટકોરા પડ્યા. 

મારાં ક્રાંતિકારી વિચારોને ઝડપથી ખંખેરતો હું ટેબલ ઉપર ટટ્ટાર બેસવાનો ડોળ રચવા માંડ્યો. કલાક પછી આખરે એની તરફ નજર કરવા માટે મારું પુસ્તક પણ જાણે મને થપકાભરી નજર વડે વીંધી રહ્યું. મારો હાથ રીડિંગ લેમ્પની સ્વીચ ઉપરથી હતી ઉતાવળે પુસ્તકનાં પાનાઓ ફેરવવામાં વ્યસ્ત થયો. 

"તને ઓરડામાં બોલાવ્યો છે. તારી રાહ જોઈ રહ્યા છે."

પિતાજીનો સંદેશો મારા સુધી પહોંચાડી બા લાઈબ્રેરી તરફ નિયમબદ્ધ પોતાનું રાત્રી વાંચન કરવા જતી રહી. મારી આંખો સામે સાંજે ઘરનાં દરવાજે ઉભેલું એમનું કડક શરીર ઉભું થઇ ગયું. મારાં હાથ થોડા ધ્રુજ્યા. હૈયું અતિ વેગે ધડકવા લાગ્યું. પણ એનો ધબકાર થોડા સમય પહેલા અનુભવાઈ રહેલા ધબકાર કરતા અત્યંત જૂદા સ્વરૂપનો હતો. એસી ઓન હતું. પણ મારો ચહેરો પરસેવાથી તરબતર હતો. આખરે રીડિંગ લૅમ્પ બંધ કરી હું પિતાજીનાં ઓરડા તરફ હિંમત ભેગી કરતો નીકળી પડ્યો. 

પિતાજીનાં ઓરડામાં પણ એમનાં રીડિંગ લૅમ્પનો ખપ પૂરતો અજવાશ હતો. 

"સીટ"

મને નિહાળતાંજ એમણે પોતાનાં હાથમાંનું પુસ્તક સંકેલી લીધું. ચશ્મો ધીમે રહી નજીકનાં ડેસ્ક ઉપર ગોઠવી દીધો. એની પડખે એમનાં હાથમાંનું પુસ્તક આવી ગોઠવાયું. એમની નજર થોડા સમય માટે પુસ્તકનાં શીર્ષક ઉપર થોભી. 

'ધી રોડ લેસ ટ્રાવેલ્ડ'

થોડાં દિવસો પહેલાં મારાં જન્મદિવસે મને એમનાં તરફથી ભેટમાં એ પુસ્તક મળ્યું હતું. જે ઘરની લાઈબ્રેરીમાં મારી રાહ જોતું રહી ગયું હતું. 

"વાંચ્યું ?"

એમની અપેક્ષા હતી કે કદાચ ટેવ પ્રમાણે એમણે ભેટ ધરેલું એ પુસ્તક હું વાંચી ચૂક્યો હોઈશ. દર વખત જેમ અમે એ પુસ્તકનાં સારા નરસા પાસાઓ ઉપર પોતાનાં વિચારોનું આદાનપ્રદાન કરીશું. એમાંથી શીખવા લાયક જીવન ફિલસૂફી ઉપર મંતવ્યોની વહેંચણી થશે. પરંતુ એ બધી અપેક્ષાઓ ઉપર મેં ઠંડા કલેજે પાણી રેડી નાખ્યું. 

"સમય નહીં મળ્યો."

એક ક્ષણ માટે એમની આંખોમાં વિશ્વાસથી આંખો મેળવી મેં નજર શીઘ્ર નીચે ઢાળી દીધી. એ આંખોનો અનુભવી પ્રકાશ મારાથી ન જીરવી શકાયો. 

"પરીક્ષાઓ ક્યારે છે ?"

એમની કડક આંખો હજી મારી નમેલી દ્રષ્ટિનો સંપર્ક શોધવાનો પ્રયાસ કરી રહી હતી. પણ એ નમેલી જ સુરક્ષિત હતી. 

"આવતા મહિને. આપ ચિંતા ન કરો."

મારાં અવાજમાં ધ્રુજારી અનુસરી રહી હતી. મારાં ધ્રૂજતા વાક્યને એમણે અર્ધા માર્ગેજ વીંધી નાખ્યું. 

"જો બેટા.."

આરામખુરશી ઉપર તેઓએ શરીર આરામદાયક પરિસ્થિતિમાં ગોઠવતાં મને સંબોધ્યો. એ સંબોધનથી મને આરામદાયક અનુભૂતિ ન થઇ. મારી નજર ભોંય ઉપર અહીંથી ત્યાં ભટકેલા મુસાફર જેમ દિશાવિહીન ભમવા લાગી. 

"આ ઉંમરજ આવી છે. શરીરનું રસાયણ ભલભલા ભાવો પેદા કરે છે. હું સમજું છું. ને એમાં કશું ખોટું નથી. બધુંજ પ્રાકૃત્તિક છે. એમાં કોઈ અપરાધભાવ જેવું અનુભવવાની જરૂર નથી. પણ હા, એ રસાયણ જબરું છેતરામણું હોય છે. ભ્રમણાંઓની લટાર મરાવતું રહે છે. પ્રેમ, ઇશ્ક, મહોબ્બ્ત. બધું એની જગ્યાએ બરાબર છે. પણ જો ફિલ્મોમાં દેખાતાં એ સંબંધો સાચા લાગવા માંડે તો પછી સમસ્યા ઉદ્દભવે. આકર્ષણ થાય. કોઈ ગમે. બહુ ગમે. તો સરસ. એમાં કશું ખોટું નથી. એ તો એક સંકેત છે કે બધું સામાન્ય છે. પણ એ આકર્ષણને ઘણી પરીક્ષાઓ પસાર કરવી પડે છે. ને જ્યાં સુધી સમયની ભઠ્ઠીમાં તપી એની સાર્થકતા પૂરવાર ન થાય, જ્યાં સુધી કઠિન પરિસ્થિતિઓના ચકાસણી જગતમાં એ દરેક કસોટીઓ પાર ન કરી લે ત્યાં સુધી એ ઘનિષ્ઠ સંબંધમાં પરિવર્તન પામવા લાયક થતું નથી. દૂર કિનારે બેઠા ક્ષિતિજને નિહાળતા જે આનંદ આવે છે એ કેટલો રમણ્ય હોય છે ! પણ જો એ ક્ષિતિજને અડકવાની જીદ લઇ બેસીએ તો પછી નકામી, બિનજરૂરી ધમાલો સર્જાય. જે ન પામી શકાય એની પાછળ આંધળી ડોટ મૂકતા જે સાચા અર્થમાં પામવા લાયક હોય એનાથી હાથ ધોવા પડે. સમજ્યો ? "

પડખેનાં ડેસ્ક ઉપરથી ચશ્મો ઉઠાવી એમણે ફરી ચઢાવી લીધો. પુસ્તક ફરી હાથમાં લીધું. અને શાંત જીવે પુસ્તકમાં ખોવાઈ ગયા. 

"સવારે ઉઠવા માટે અલાર્મ ગોઠવી દેજે. પરીક્ષાઓ નજીક છે. બી ફોક્સ્ડ."

હું 'હા' કહું છું કે 'ના'. મેં માથું હામીમાં હલાવ્યું કે નકારમાં ધુણાવ્યું. એની નોંધ લેવાની એમને કોઈ જરૂર ન લાગી. અતિ ઝડપે મારું શરીર સંકેલી હું મારાં ઓરડા તરફ ઉપડી ગયો. મળેલા આદેશ અનુસાર અલાર્મ ગોઠવ્યું અને અંધકારભર્યા ઓરડામાં પથારી ઉપર લંબાવ્યું. જીયાનો ચહેરો આંખ સામે આવ્યો અને મનમાંથી ઘૃણાનો કડવો સાગર ઉમટી પડ્યો. જો સામે હોય તો એનું ગળું ઘોંટી દેવાની તત્પરતા હાથોમાં ઉઠી રહી. એનાં લીધેજ અદાલતમાં હાજર અપરાધી જેમ હું પિતાજીનું નીરસ, લાંબું વ્યાખ્યાન સાંભળી આવ્યો હતો. 

એક સરસ મજાનું જમણ જમ્યા પછી એક ખાટો ઓડકાર જેમ બધીજ મજા બગાડી મૂકે એમ પિતાજીનાં એ લાંબા લચક ભાષણ દ્વારા મારાં બગડેલા મિજાજને ધાબળામાં લપેટી મેં બળજબરીએ આંખો મીંચી દીધી. 


Rate this content
Log in