વગાડ ડુગડુગી જંબુરા- છે મહામારી
વગાડ ડુગડુગી જંબુરા- છે મહામારી
હાલ જંબુરા મીડિયાને ધાબે
છે મહામારી જ ચૂક નક્કી થાશે
તમાશાને તેડુ કરીએ
વગાડ ડુગડુગી ખેલ કરીએ
નવતર અરિ, અજબની વસ્તી
વિપદા વધારે કાળા બજારી
ખૂટે ખાટલા, હાંફે તંત્ર લાચારી
જંબુરા,
માર ગુલાંટી, વગાડ ડુગડુગી..
ગુરુ, દિલ્હીનો ઠાકુર છે જબરો,
થાળી વગાડી વિશ્વાસ જગાવે
દૂર દેશાવરે લાગે તાળાં, વતનવાસીને વહારે ધાવે
ચૂપ જંબુરા, તું છે વિપક્ષી નેતા
લોક નારાજી ; તારી રોજી
ના કંઈ કરવું, બસ કોતરવું
ખેલ જમાવી, વગાડ ડુગડુગી..
દેશ- વિદેશના મીડિયા તારા
દેખાડ ગંગાએ શબના ઢેરા
ટીકા- કરણને લાગ્યાં તાળાં
મળ્યો મોકો, વેર જ તણખા
છેડ રાગ જંબુરા નાચી નાચી
માથું કૂટી, વગાડ ડુગડુગી..
આવી કાળ લહર બીજી ભારી,
સો વરસે જોઈ વિશ્વે મહામારી
વિકટ મારગડે સરકાર લડતી,
જલ થલ નભે સેવા સંચરતી
ખેલ તારો સંભાળ જંબુરા
લોકડાઉને રૈયત બેહાલે
કાળા વાવટા તારી ઓથે
નાખ દોષ ઠાકુરને માથે
પાડ પસ્તાળું, મીઠું ભભરાવી
કોરોના ફંગસ આપદા જ ભારી
ચેપી રોગ ન સમજે અંધ ટોળાં
ભાંડ જંબુરા, નેતા જ નઘરાળા
દર્દ ઊગ્યાં હર શ્વાસમાં ભારી
મહામારી ગરજે કરી તારાજી
જાગજો સરકાર, જાગજો જનતા
ખુદની ચિંતા છોડી લડે સંવેદનધારી
વેક્સિન એ હિતકારી પ્રતિકારી
બસ ચેતજો, દેશહિતે સૌ વિચારી
જંબુરાની ડુગડુગી, બને કલ્યાણી !
