વાત મારી આટલી માન...
વાત મારી આટલી માન...
1 min
14.2K
પંખીની કાપી પાંખ, ઊડવા આપ્યું આકાશ,
અટકાવ્યો સૂરીલો રાગ!
સંબંધની આડમાં, વ્હાલી કહી લાડમાં
ફેલાવ્યો છે બેડીનો પાશ!
વિધાતા, વાત મારી આટલી માન...
દીકરીને રમવાને આપો મેદાન.
છતનો ચંદરવો મને ઓછો પડે છે,
આપોને ટૂકડો આકાશ!
ઊડવું છે મારે સીમાઓની પાર,
મારી પાંખનો વધારીને વ્યાપ!
કોયલના કંઠે બાજ્યો છે ડૂમો,
શેં,, આવે એના ગાનમાં તાન?
વિધાતા, વાત મારી આટલી માન...
દીકરીને રમવાને આપો મેદાન.
વેદ અને ઉપનિષદ વાંચે સમાજ,
કોઈ કરે ગીતાના ગાન,
અલ્લાહ હોય કાને બહેરો એમ,
પાડી બૂમો, રીઝવવા કરે આજાન॰
વ્હાલીની વેદનાને વાંચી હો કાશ,
તો, ન મૂરઝાત ફોરમતો ફાગ!
વિધાતા, વાત મારી આટલી માન...
દીકરીને રમવાને આપો મેદાન.
પીંજરની કાયાને પહોળી કરીને,
આભાસી આપી મોકળાશ!
જીવતી છે હસ્તી, જણસ કૈ નથી એ,
કેમ કરો એનું કન્યાદાન?
લીલ્લાંછમ વાંસ કેરી વાંસળી થવું તું ને,
ગૂંગળાવી દીધો છે શ્વાસ!
વિધાતા, વાત મારી આટલી માન...
દીકરીને રમવાને આપો મેદાન.
