તકદીર ખુદા એ લખી
તકદીર ખુદા એ લખી
1 min
13.5K
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
તું ખેર કર હજી મતિ મારી ભમી નથી.
લીટી ભરી છે ખાસ કશી બાતમી નથી,
જા માફ કરુ ખુદા છે તું કૈ આદમી નથી.
કારણ વિના તને હું સતત એમ અવગણું,
શ્રદ્ધાળુની દુકાનમાં, ઇશની કમી નથી.
સંબંધના અતૂટ ચણેલા મહેલ પર,
પડઘાય છે અઝાન, હજી પણ સમી નથી.
પ્રસ્તાવના સહેજ સમયની નકારતાં,
ખેંચાઈ'તી કટાર, એ સ્હેજે નમી નથી.
ના આવડી મને જે રમત ત્યાં રડી લીધું
પણ દાવ કોઈ દિલમાં રહીને રમી નથી.
ચિહ્નો દિશા વિહીન મળ્યા વાક્યમાંથી જ્યાં,
કાગળ કહે કલમને "શબદમાં અમી નથી."
