સુવાસ
સુવાસ


ફૂલ અને સુવાસ
વચ્ચે થઈ અંટસ.
અભિમાનથી કહે ફૂલ,
" હું જ છું સુંદર ને મનભાવન."
સુમધુર સ્વરે કહે સુવાસ,
"મારા વગર તારો ન પૂછે કોઈ ભાવ.
બની રહે તું વન વગડાનું સાવ.
ન બિરાજે તું દેવને શીશ,
કે ન સોહે પ્રિયતમાને કેશ.
ન બને તારું ગુલકંદ કે અત્તર.
પડી રહે તું
ખૂણે પડેલી ફૂલદાનીમાં,
બની શોભાનું પૂતળું.
પુષ્પાંજલિનું પામે ન તું ગૌરવ,
ન ચઢે તું કબર કે મજારે."
સાંભળી સુવાસને,
સહમી ઉઠ્યું ફૂલ,
પટ્ કરીને વળગી ગયું સુવાસને.
ને પસ્તાવાના આંસુ સાર્યા,
બે ઝાકળના ટીપાં.