સૂનો ઓરડો
સૂનો ઓરડો
1 min
199
ભર્યો ભાદર્યો રહેતો હંમેશાં જે,
ને કોલાહલથી વળી ગાજતા રહેતાં,
ત્યાં વ્યાપી ગયો આજ જોને સૂનકાર,
કોરી ખાય સૂના ઓરડાનો વિસ્તાર.
દિવાલોની પેલી તિરાડો બોલતી,
મનગમતા લખાણોને એકલી તોલતી,
ફીટતી પોપડીઓનો કેવો હાહાકાર !
કોરી ખાય સૂના ઓરડાનો વિસ્તાર.
બિછાનાની ક્રમબધ્ધ તે હારમાળા,
લાગતા ના કોઈપણ સામાને તાળાં,
મારી કે તારી જગ્યાની મીઠી તકરાર,
કોરી ખાય સૂના ઓરડાનો વિસ્તાર.
વિખરાયા થોડાં પાના જમીન પર,
સ્મૃતિચિહ્ન જાણે મૂકયા કોફિન પર,
રહી ગયો બસ યાદોનો ગુલઝાર,
કોરી ખાય સૂના ઓરડાનો વિસ્તાર.
