સોમ
સોમ
શિવજીનો શણગાર બની, જટાઓ શોભે તું સોમ, તું જ દર્શને સાગર હૈયાં, લઈ ઉછાળા માપે વ્યોમ,
કામણગારો દૂર દૂર વસે, સદા રમે દિલને દરબાર, ઘૂમે આભલે ઉજાસ ધરી, શોભે થઈ હૈયાનો હાર,
ઘૂંઘટ ખોલી બોલે રસિયા, ખીલ્યો હૈયે ચાંદલિયો રાજ, છલકે સાગર સ્નેહ લહરે, સાંવલિયો સુભાગી આજ,
આભે ભરી શીળી ચાંદની, રોમે રોમ પ્રગટાવે પ્રીત, સરિતા કિનારે રાતરાણી સંગ, દિલડું ગાયે મીઠાં ગીત,
ખીલે રજની હસે અવની, જોઈ પૂનમની રાતલડી, સૌનો પ્યારો બાળ કનૈયો, રાધા સંગ ખેલે રાસલડી,
બાળ રામજી કહે મા કૌશલ્યા, દોને રમવા નભનો ચાંદ, માતે ધરિયો જળનો થાળ, શશિ પ્રતિબિંબે રમતા વૈકુંઠનાથ,
તારું દર્શન છે મન પાવન, અમીનેષ નયનો ઝીલે દાદ, તારું સગપણ જોડ્યું માએ, તું ઘૂમે થઈ મામા ચાંદ.
