શ્રાવણી પૂનમ
શ્રાવણી પૂનમ


શ્રાવણી પૂનમે હસતા ઉપવન,
સ્નેહ સુમનથી મહેંકે આંગણ,
આંખ ધરે પ્રેમ મોતીના થાળા,
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા.
ફૂલ હસે ને હસે બહેનડી,
તારા હસે ને હસે ભાઈલો,
છલકે સ્નેહ સરોવર સારા,
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા.
વરસ્યા ઝરમર મેઘ આભલેબે,
હૈયાં હરખરસ ઢોળે,
મિલન મધુરાં મોંઘાં ભાળ્યાં,
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા.
રેશમનો દોરો સ્નેહનો ગોટો,
ભાલે તિલક કરી હેતે બાંધ્યો,
આરતી કરે સ્નેહ ફૂવારા,
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા.
ખોલ રે વીરા હસતું મુખ,
આશીષ પ્રસાદે ઓવારું સુખ,
જુગજુગ જીવજો ભાઈલા મારા,
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા.
મંગલ જોડી ભાઈ બહેનની,
વીરો પૂરસે આશડી તારી,
છલકાવું અમર પ્રેમના પ્યાલા,
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા.