પુસ્તકાલય
પુસ્તકાલય


અજ્ઞાનના અંધકારમાંથી
જ્ઞાનનાં પ્રકાશપૂંજ તરફ લઈ જાય છે પુસ્તક
પિતા સમ હૂંફ ને માતાનું વાત્સલ્ય
તો એકાંતમાં મિત્ર બની જાય છે પુસ્તક
લખલૂટ કોઈ લૂંટી લે પણ,
ન કદી ખૂટે, જ્ઞાનનું અક્ષયપાત્ર છે પુસ્તક
ધર્મ, ભાષા, નાત-જાતથી છે પરે
સૌ કોઈને માનવતાથી જોડે છે પુસ્તક
છલોછલ વરસાવે પ્રેમ પ્રિયતમની જેમ
રણમાં મીઠી વીરડી સમાન છે પુસ્તક
રામાયણ ને મહાભારત મહાકાવ્યોનો નિચોડ
તો ભગવદ્ ગીતાનો સાર છે પુસ્તક
મરીઝ, ઘાયલ ને બેફામની ગૂંજે ગઝલ
મેઘાણી, પન્નાલાલને મુનશીની નવલ છે પુસ્તક
ઈતિહાસની પ્રતો વર્ણવે છે ભૂતકાળ સુનહરો
વર્તમાનનું પ્રતિબિંબ ઝીલતું દર્પણ છે પુસ્તક
પણ આજે, પુસ્તકાલયમાં રડે છે પુસ્તક
અંધકારમાં કરોળિયા સાથે ટળવળે છે પુસ્તક
ઉધ્ધાર કાજે ભાવકોની રાહ જોવે છે પુસ્તક.