પપ્પાની અપોઇન્ટમેન્ટ
પપ્પાની અપોઇન્ટમેન્ટ


હું જાણું છું તમે ખૂબ બીઝી રહો છો,
ઘરમાં ઓછું ને બહાર વધુ રહો છો,
મહેનત પણ અમારા માટે જ કરો છો,
પણ તમારા આ બીઝી શેડ્યુલમાંથી
મને મારી માટે તમે સમય આપો ને
પપ્પા, તમારી અપોઇન્ટમેન્ટ આપો ને!
તમે ઘરે રોજ રાત્રે મોડા આવો છો,
પણ ત્યારે હું સુઈ ગયો હોઉં છું,
'ને સવારે હું વહેલો જાગું એ પહેલાં,
તમે તમારા કામે નિકળી જાઓ છો,
પણ એક દિવસ માટે રજા રાખો ને!
પપ્પા, તમારી અપોઇન્ટમેન્ટ આપો ને!
હું જાણું છું કે તમે રજા નથી લેતા પણ,
ક્લાઇંટને મળવાના ચાર્જીસ તો લો છો,
મળીને એમની તકલીફો સમજી લો છો,
પપ્પા તમે મને પણ ક્લાઇંટ બનાવો ને
મારી પિગી બેંકના બધા પૈસા રાખો ને!
પપ્પા, તમારી અપોઇન્ટમેન્ટ આપો ને!