નવો અવતાર
નવો અવતાર
એકાંત પળોમાં સ્મરણોનું અવિરત ઝરણું સદા ખળખળ વહે છે
સન્નાટાના સૂર ઘૂંટાઈ ઘૂંટાઈ ને મૌનને ઓર ઘેરું કરે છે
ત્યારે દર્દ અને વેદનાની અંતર આર્દ્રતા ની ચરમસીમા આવી પહોંચે છે
અને અચાનક આંસુઓનો વેગ મર્યાદાના તમામ બંધનો ને તોડી નાખે છે
એક મોરપીંછ ના સ્પર્શ જેવી હળવાશની અનુભૂતિ હૃદય ને નિરંતર સ્પર્શતી જણાય છે
અસ્તિત્વનો ઈ-મેઈલ આવે છે આત્માના ઈનબોક્સ માં-
"રુદન એતો હૃદય નો અભિષેક છે !!!"
આંસુઓના એકરારમાં જ આંસુઓનું અભિવાદન છે જે એક અદ્રશ્ય આયામમાં ખેંચીને લઇ જાય છે
જીવન સરિતા બે-ઘડી જાણે આંસુઓના મહા સાગરમાં સમાંય જાય છે
અને વગર કિનારાનું એક ક્ષેત્ર દ્રશ્યમાન થાય છે ને અંતર સત્તા આ ક્ષેત્ર માં એકાકાર થઇ જાય છે
ત્યારે..................
ઘડિયાળના કાંટા અને બારે બાર આંકડા અચાનક અદ્રશ્ય થઇ જાય છે અને બચે છે માત્ર અને માત્ર અંત:કરણ ની અનુભૂતિ
અને નીરવતાનું ગુંજન.....ટક્ક.... ટક્ક..... ટક્ક...... ટક્ક..............! ! ! ! !
આ અનુભવ સીધો અને પ્રત્યક્ષ નથી...સંસારિક રુદન પછી જ સાચી ખબર પડે છે ... એ તમામ ખોટા સંબંધોની અને જીવન સરિતા
એક નવા ઘાટને પખાળતી આગળ નીકળી જાય છે અને પછી એક ઘાટ એવો આવે છે જેને કોઈ જ કિનારો નથી હોતો
ત્યારે
સંસારિક રુદન રુહાની રુદનમાં ફેરવાઈ જાય છે અને રુદનનો ગુણધર્મ બદલાઈ જાય છે
અકારણ આંસુઓનું પુર ભૂતકાળના તમામ ઝારા-ઝાંખરા કાંટા-કાંકરા ને ખેંચીને એક પારદર્શક વર્તમાનને ઉઘાડો કરે છે
ઉઘડેલા આ વર્તમાનમાં પછી કોઈ જ ભવિષ્ય પણ નથી હોતું
સંસારી એકલતાની ગાઢ અંધકાર ભરી રાત્રીનો અંત આવે છે ને પછી ભીડ વચ્ચે પણ એક શાશ્વત એકાંત સદાને માટે ઘેરાયેલું રહે છે
જીવનનું નિત નવું પરોઢ સત્યના કુણા કુણા તડકાથી હવે આત્માને રોજ વીતરાગ ના વારિ થી નવડાવે છે
હવે પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલી રોજ-નવી રોજ એક સોનેરી તક બનીને મારી સામે મરક મરક હસતી ઉભી હોય છે
જેનું સ્વાગત હાસ્યના હારતોરા થી થાય છે અને અભિવાદન આંસુઓના તોરણ બાંધી ને મારે કરવું જ પડે છે
હવે જીવનમાં રોજ નવો નિખાર રોજ નવી ચમક અને જીવવા માટે નો આત્મ વિશ્વાસ બક્ષે છે
હૃદયના પ્રત્યેક ધબકારમાં પ્રતિપલ એક નવો વેગ ભરે છે
હવે પ્રતિદિન એક નવો અવતાર મુજમાં ધારણ થાય છે
