નાનકડું ગામ
નાનકડું ગામ
મારું નાનકડું ગામ, જાણે ગોકુળિયું ધામ
રૂડી સરોવરની પાળ, ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ, ગાગર છલકે રે વાટ
હૈયે હરખના ભાવ, કરતા દિલડાની વાત
દોડી કરીએ સ્નેહે સન્માન, કે મારા …આંગણાના થાજો મહેમાન
લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીનાશ
માવતરનાં મીઠાં છે ગાન, ધરે પુનિત પ્રકાશ
ગામનું વહાલું પાદર, જાણે વૃન્દાતે વન
પ્રભાતનાં નીકળે કિરણ, છૂટે ગાયોનાં ધણ
પધારી પ્રેમનાં કરજો રે પાન, કે મારા …આંગણાના થાજો મહેમાન
વહે પ્રભાતિયાના સૂર, છલકે શ્રધ્ધાનાં નૂર
આદરનાં ઉભરાય પૂર, મલકે વડીલોનાં ઉર
ઊંચી ડુંગરાની કોર, નદી છલકાવે પૂર
બોલે પપૈયા ને મોર, કરે પંખી કલશોર
દેવા માનવંતા મોંઘેરા માન, કે મારા …આંગણાના થાજો મહેમાન
વહે નાનકડી નદી, એ તો જીવન સંગાથી
ચૌટે ચબૂતરાનાં પંખી, ઠારે અંતરનો અગ્નિ
અઢારે વસ્તીનાં ઠામ, દીઠાં મોટેરાં નામ
ઝરે અમૃતના બોલ, કરે કુદરતનાં મોલ
ભૂલ્યા છીએ ભાવે રે ભાન, કે મારા …આંગણાના થાજો મહેમાન
શ્રાવણનો ઝરમર વરસાદ, રેલાવે ભક્તિ પ્રસાદ
આયખું અજવાળે આજ, ખીલે જીવનની સાંજ
આરતીએ છલકતા પ્યાર, વહે અશ્રુની ધાર
લાગ્યો અલખનો ભેખ, વાંચી વિધાતાના લેખ
ઘટ ઘટમાં દીઠા છે રામ, કે મારા …આંગણાના થાજો મહેમાન.
