નામ એનું વસંતી
નામ એનું વસંતી
1 min
26
નામ એનું વસંતી….
છંદ-મંદાક્રાન્તા
આવી રે આ, ઋતુ રૂપલડી, નામ એનું વસંતી
ઝૂમે જોને, પરિમલ સજી, અંગ લીલાં સુગંધી
ખીલે સોળે, કુદરત રૂડી, ઘૂમતી વન્ય રંભા
કેવાં શોભે, કુસુમ ભરણાં, સૌરભી ધન્ય રંગી
આવો પંખી, ષટરસ ફળે, સ્વાગતો છે સુભાગી
વ્હાલાં લાગે, કલરવ વને, ગીત છેડો ઉરેથી
બાંધી માળા, રમત રમજો, બાલ સંગે વિહંગો
કે વા મીઠા , ઉરલ ટહુકા, ને લચે સૌ સુખેથી
દે સંદેશા, છૂપલ ટહુકા, ગાવ ને ગીત સાથે
આશ્લેષે આ, હરખ ધરતું, કોણ આ પ્રીત ઓથે
હૈયાં ઝૂમે, નયન ઉભરે, મસ્ત મસ્તી સજેલાં
શ્રેષ્ઠા શોભે , મઘમઘ થઈ, વિશ્વ આખું નવોઢા
હર્ષોલ્લાસી, હૃદય સરસી, વાહ વાત્સલ્યધાત્રી!
વાસંતી ઓ, સુરભિજડિતા, મગ્ન ડૂલ્યો હું યાત્રી
રમેશ પટેલ(આકાશદીપ)
