મુલાકાત
મુલાકાત
અડધી રાત હોય કે મળસકું
એનો સાદ સાંભળતો ને એ તરત જ સાબદો થઈ જતો !
ઘરનું નામ એનું અલગ હતું
એના નામના શબ્દો ઉચ્ચારાતા
અને એ પછી એ શબ્દો વાયુવેગે તેના કર્ણમાં પ્રવેશતા
તે બોલતો: હં…
ત્રણ -ચાર વાર આવું બન્યું
એ પછી એણે જાતને જ પ્રશ્ન પૂછ્યો: હેએ..એવું તે શું કારણ હશે ?
શા માટે એક ચોક્કસ વ્યક્તિના શબ્દો કાને પડતાં જ
ભલભલી ઊઘ સાઈડ આપી દેતી હશે ?
ભલભલા સ્વપ્નને બ્રેક વાગી જતી હશે ?
અંદરથી ઉત્તર મળ્યો: નાળસંબંધ
એ પછી તરત જ તેના મનમાં એક દ્રશ્ય ખડું થયું
મોઢે બુકાની બાંધેલ એક જવાબદાર વ્યક્તિ
દોરડા સમાન એક આંતરડાને ચોક્કસ સાધન વડે
અલગ કરતી હતી.
ખેર, એ પછી તે ઊભો થયો
ને સ્ટોપર ખોલી
એ પછી નજર સામેના રસ્તા પર ચાલવા લાગ્યો
આકાશમાં છૂટા છવાયા વાદળો
આજ્ઞાંકિત વિદ્યાર્થીઓની પેઠે ચૂપચાપ
પોતાની જગ્યાએ સ્થિર હતા
ચાલતા ચાલતા તે એક સરસ તળાવ આગળ આવી પહોંચ્યો.
તળાવનું રિનોવેશન કરેલું હતું.
સરકારી જબાનમાં કહીએ તો
બ્યુટિફીકેશન કરેલું હતું.
એને એક વિચાર સાંપડ્યો કે માનવજીવનનુ પણ કેમ બ્યુટીફીકેશન ન થઈ શકે !
તળાવની ફરતે મોરનિન્ગ વોક કરી રહેલા કેટલાક યુગલો
તેની નજરે ચઢ્યા
એમાંના ઘણાખરા પુરુષોએ ફોરેનના ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેર્યા હતા
એને વિચાર આવ્યો: આ મોરનિન્ગ વોક કરવાની જરૂર એન આર આઈને જ કેમ પડતી હશે ? આ વિચારની પાછળ પાછળ એને બીજો એક વિચાર પણ આવ્યો. આ વિચાર હેઠળ તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો: હેએ. ખેતરમાં કે કારખાનાંમાં કામ કરતા સ્ત્રીઓ -પુરુષો અહીં કેમ જોવા મળતા નહીં હોય ?
અંદરથી તરત જ જવાબ મળ્યો: એમના મોરનીન્ગ વોક અને ઈવનીન્ગ વોક ખેતરમા ને કારખાનાંમાં થઈ જતા હોય છે.
એને જુદા જુદા યુગલોની જુદી જુદી વાતો સાંભળવા મળી.
એક પુરુષ બોલ્યો: રશ્મિતા, આ મારી ચરબી કેમની ચઢી ગઈ કંઈ ખબર ન પડી !
રશ્મિતા બોલ્યા: તમે આખી જિન્દગી પોતે જ ખાધા કર્યું…...કોઈને આપ્યું નહી ને એટલે…..
એને રશ્મિતાનો જવાબ ગમી ગયો.
એ બેઠો હતો એક બાંકડે. એને તો પાક્કી ખાતરી પણ નહોતી કે રશ્મિતાનુ નામ ખરેખર રશ્મિતા છે કે કેમ !
પણ કોઈ નામ આપીએ તો સારું ને….
એને એ સવારે ખ્યાલ આવ્યો કે માણસ ખાલી ચૂપ બેસી રહે તોયે કેટલું બધું જાણી શકે છે !....
એ પછી એણે આંખો બંધ કરી અને જોયું તો મનમાં ભૂત-ભવિષ્ય-વર્તમાનના કાલ્પનિક-વાસ્તવિક પ્રસંગો ઠેકડા મારતા હતા.
એણે એ બધાને સખણા રાખવાના પ્રયત્નો કર્યા.
અને એમાં એને કામયાબી પણ સાંપડી.
જ્યારે બધું સ્થિર થતું ત્યારે તેને એક દિશા મળતી.
આ દિશા એટલે શાહીબાગની કોઈ સોસાયટી કે ફ્લેટમાં રહેતી કોઈ યુવતી નહી !
દિશા મળવી એટલે કશુંક કરવાની યોગ્ય રીત સૂઝવી.
જ્યારે તે ઘેર પરત ફર્યો ત્યારે બે પ્રશ્નનો સામનો કરવો પડ્યો: એક, ક્યાં ગયો હતો અને બે, શું કામ ગયો હતો.
એણે જવાબ આપ્યો: તળાવે ગયો હતો. મારે મારી જાતને મળવું હતું.
