જોયફુલ સન્ડે
જોયફુલ સન્ડે
જેવો તે ઘરમાં દાખલ થયો અને પોતાનો સાદો મોબાઇલ ગોખલામા મૂક્યો કે તેણે ટાઇમ કેટલો થયો હતો એ જોઇ લીધું. બરોબર સવારના 11:30 વાગ્યે તે ઘરમાં દાખલ થઇ ગયો હતો. દેવળમા જ્યારે ખ્રિસ્તયગ્ન અને કાર્યક્રમ પૂર્ણ થઇ ગયા હતા ત્યારે તેણે મોબાઇલમાં નજર નાંખી હતી. એ વખતે સમય 10:27 બતાવતો હતો.
"બહુ મોડું થયું આ વખતે" તે મનોમન બોલ્યો પણ હતો. એ ઘણું બધું મનમાં જ બોલ્યા કરવા ટેવાયેલો હતો. એ જ્યારે કોલેજમાં ભણતો હતો એ વખતે ગુજરાતી ભણાવતા કોઇ એક મેડમે એવા મતલબની વાત ; વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ સમક્ષ કરી હતી કે ઇટાલીમાં જઇએ તો રસ્તા પર એવા માણસો મળી આવે કે જે પોતાની સાથે વાત કરતા હોય. અંગ્રેજીમાં આને મોનોલોગ તરીકે ઓળખવામાં આવે છે.
ખેર, સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે મનમાં નક્કી તો હતું જ કે દેવળમા જવું. 8:10 થવા આવ્યા ત્યારે તેણે સ્નાન કરવાની વાત કરી. આ જાણી માએ મો વાંકું કર્યુ. માની દલીલ એવી હતી કે સમય થઇ જવા આવે છે ત્યાં સુધી કેમ કોઇ અગત્યનું કામ પૂર્ણ કરતો નથી. એ પછી એણે દેવળમા જવાનું મોડું થઇ જતું હોઇ નહાવાનું કેન્સલ રાખ્યું.
કેવળ હાથ-પગ ધોઇ નાખ્યા. એ પછી કપડાં પહેરીને દેવળમા જવા માટે રવાના થયો. મા સાથે વાત કર્યા મુજબ માંસાહાર આરોગવાનો હોઇ તેણે જરુરી નાણા અને કાપડની થેલી લીધા. એણે થોડા વધારે નાણાં લીધા કેમકે લીલોતરી શાકભાજી પણ લાવવાનું હતું. એ પછી તેણે પોતાની સ્કૂટી બહાર કાઢી. અને તેની ઉપર સવાર થઇ દેવળ જવા રવાના થયો. જેવો તે દેવળના પટાંગણમાં પ્રવેશ્યો કે તેને યુવાનો-સ્ત્રીઓ- બાળકો- પુરુષોની ભીડ જોવા મળી.
તેને તરત ખ્યાલ આવી ગયો કે સરઘસ નીકળ્યું હોવું જોઇએ અને એવું જ હતું. આ સરઘસ કરમસદ ખ્રિસ્તી મહોલ્લામાંથી કાઢવામાં આવ્યું હતું. મધર મેરીનો જન્મ દિવસ આમ તો આઠ સપ્ટેમ્બરના રોજ ચાલ્યો ગયો હતો. પણ તેની ઉજવણી બારમીએ રાખવામાં આવી. તેણે પોતાની સ્કૂટી યોગ્ય ઠેકાણે મૂકી. જેવો તે દેવળમા પ્રવેશ્યો કે તેણે જોયું કે દેવળ હકડેઠઠ ભરાઇ ગયું હતું. પુલપીઠની નજીક એને એક માણસ બેસી શકે એટલી જગ્યા દેખાઇ આવી. એક કિશોરની જોડે તે ગોઠવાઈ ગયો. તે જ્યાં બેઠો હતો ત્યાં કુંડાળું કરેલું હતું. તેની નજર વેદી પર પડી. વેદીને સરસ રીતે શણગારી હતી. રંગીન-સ્વચ્છ કાપડથી વેદી શોભતી હતી. કેટલેક ઠેકાણે કૃત્રિમ ફ્લાવર્સ તો કેટલેક ઠેકાણે કુદરતી ફ્લાવર્સ ગોઠવવામાં આવ્યા હતા. તેણે પડદા પર જોયું તો કેટલુંક લખાણ વાંચવા મળ્યું. ( happy birthday mama mary September-8)
તેણે જોયું કે દેવળના પ્રવેશદ્વારેથી નાની બાળાઓ પ્રાર્થના નૃત્ય કરતી કરતી દેવળના આગળના ભાગે આવી રહી હતી. કેટલીક મહિલાઓ પણ સજીધજીને ; પોતાના માથા ઉપર ઘડા-બેડાં મૂકીને બાળાઓની પાછળ પાછળ ચાલી રહી હતી. અમુક યુવાનો અને કિશોરો પોતાના સ્માર્ટ ફોન થકી આ નયનરમ્ય દ્રશ્યને કેમેરામાં કંડારી રહ્યા હતા. ભોયતળીએ બેઠેલા તમામ ભક્તજનો સ્હેજ વાંકા વળીને નૃત્ય કરતી બાળાઓને જોઇ રહ્યા હતા. મધર મેરીની પ્રતિમાને દેવળમા લાવવામાં આવી. અને એક ઠેકાણે મૂકવામાં આવી. તેણે જોયું કે પ્રતિમાને સરસ રીતે શણગારવામાં આવી હતી. મધર મેરીને નવી નક્કોર સાડી પહેરાવવામાં આવી હતી જોકે તે સાડીનો રંગ ઓળખવા ગયો પણ ન ખબર પડી. તેને વિચાર આવ્યો કે પોતે જો પોતાનો સ્માર્ટફોન લાવ્યો હોત તો પ્રતિમાનો ફોટો પાડી લેત અને એ પછી રંગના જાણકારને તે બતાવીને જે તે રંગ કયો છે તે જાણી લેત. તેણે ઓબ્ઝર્વ કર્યું કે બાળાઓએ પહેરેલી ફ્રોકનો રંગ ગુલાબી અને સફેદ હતો. તેણે બધી બાળાઓના ચહેરા પર ફુલ મેક અપ કરેલો જોયો.
"આ બાળાઓને પોતાની પ્રતિભા દર્શાવવાની કેટલી બધી તાલાવેલી. આ પ્રત્યેક બાળા ચોક્કસપણે એવું વિચારતી હશે કે સહુ મારી નૃત્યકલા નીહાળે" એણે વિચાર કર્યો. તેને એક બાળાની બંને આંખોના પોપચાં પર ગુલાબી અને આછા કાલા રંગના શેડ્સ જોવા મળ્યા. થોડી જરી કે ઝરી પણ છાંટેલી જોવા મળી. બાળાઓ આવતા જ 'પોન્ડસ' પાવડરની ખુશ્બુ ચૉતરફ પ્રસરી વળી. વળી ઉપર પંખા પોતાની પાંખો ફફડાવી રહયા હતા અને એને કારણે ખુશ્બુ આખા દેવળમા પ્રસરી રહી હતી. માથાના વાળ પણ કોઇએ સાધના કટ તો કોઇએ છુટ્ટા રાખ્યા હતા.
બાળાઓનુ નૃત્ય નીહાળતા એને એવો વિચાર આવ્યો કે એમને કેટલું સારું કોઇ ચિંતા નહી. એમને વિશે વિચાર કરતાં કરતાં એનું મન એમની મમ્મીઓ તરફ ચાલ્યું ગયું. એમની મમ્મીઓએ કેટલી જહેમત ઊઠાવીને પોતાની દીકરીઓને તૈયાર કરી હશે ! એમની મમ્મીઓ એમને તૈયાર કરતી હશે એ વખતે એમને દુન્યવી ચિંતા સતાવતી નહીં હોય ? એણે વિચાર કર્યો.
તેને બાળકોના ચહેરા જોતાં ખ્યાલ આવી ગયો કે બાળકો અને પુખ્ત ઉમરની વ્યક્તિની મન: સ્થિતીમાં આસમાન-જમીનનો ફેર છે. ઉદ્વેગ ભર્યો હોય એવું મન ક્યારેય નૃત્ય કરી શકે નહી. તેને ખાતરી થઇ ગઇ કે બાળકોના મન ઉદ્વેગ રહિત જ હોય. બધી બાળાઓની કેષગૂમ્ફનની સ્ટાઇલ પણ અલગ અલગ હતી. એક બાળાએ અંબોડો વાળ્યો હતો. ખેર, એને ગમતાં ભકિતગીતો પણ ગાવામાં આવ્યા એટલે એ આનંદવિભોર થઇ ગયો. તેને એક ગીત બહુ ગમ્યું: પ્રભુ તારી સંગ સંગ ચાલતો રહું, પ્રભુ તારા વચનોમાં શ્રદ્ધા ધરુ.
હાન્ના અને યોહાકીમનુ નાટક પણ અત્રે પેશ કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે એમાં પુરુષનુ પાત્ર એક મહિલાએ ભજવ્યું હતું. એમને બહુ મોટી ઉમરે સંતાન પ્રાપ્તિ થાય છે. જોકે એણે એક વસ્તુ માર્ક કરી કે પ્રોફેશનલ કલાકારોમાં જે મિજાજ જોવા મળે છે એવો મિજાજ તેને અહીં જોવા ન મળ્યો. હાન્ના બનેલ મહિલાએ ગાઉન ધારણ કર્યુ હતું અને ગરદન આગળ પ્રોટેસ્ટન્ટ મહિલા પહેરે એવો સ્કાર્ફ બાધ્યો હતો. યોહાકીમ બનેલ મહિલાએ ફાધર પહેરે એવો ઝભ્ભો પહેર્યો હતો.
ખેર, ઉપસ્થિત રહેલ ફાધરે એમની સ્ટાઇલમાં ધર્મબોધ આપ્યો હતો. છેલ્લે બધાનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુજી ઊઠ્યું હતું. આકાશે એક બાબત નોંધી હતી કે કોઇપણ ઇવેન્ટની અસર કે પ્રભાવ થોડો સમય માટે જ રહેતી હોય છે. એ પછી એ વિચારો ક્યાં જતા રહેતા હશે એવો એને સવાલ હંમેશાં થતો રહેતો હતો. જોકે એણે સ્વયં એક ટેકનિક શોધી રાખેલી કે ઇવેન્ટને શબ્દબદ્ધ કરી દેવી જેથી કરીને એ મિજાજ અને વિચારો છટકી ન જાય!
થોડી વાર બાદ કેક કાપવામાં આવી. એને જ્યારે કેક આપવામાં આવી ત્યારે એક વાક્યનો જન્મ થયો: હર કેક પે લિખા હૈ ખાનેવાલે કા નામ. દબદબાભેર મધર મેરીના બર્થ ડેની ઉજવણી કરવામાં આવી. અને કેક કાપવા નાની નાની બાળાઓ ભેગી થઈ હતી. લાલ રંગની ફ્રોક જે બાળાએ પહેરી હતી એ બાળા કોણ જાણે કેમ રડી રહી હતી. "કદાચ એને એમ હશે કે કેક કાપવાનું કામ પોતાને કેમ સોપવામાં ન આવ્યું" આકાશે વિચાર કર્યો. અને બુન્દીનુ વિતરણ પણ કરવામાં આવ્યું. ગરબા પણ રાખવામાં આવેલ પણ જો તે જોવા રહે તો ઘેર પહોંચવામાં મોડું થઇ જાય તેમ હતું અને એટલે વહેલી તકે તેણે પોતાની સ્કૂટી પાસે જઇને બુન્દીનુ પેકેટ ઠેકાણે મૂકી દીધું.
કેક તો એણે દેવળમા જ એક નાનું બાળક આરોગે એ રીતે આરોગી લીધી હતી. તેણે ચેક કરી લીધેલું કે દાઢીના વાળમાં કેકનો અંશ ચોંટી તો નથી રહ્યો ને ! તેણે મનોમન મધર મેરીને હેપ્પી બર્થ ડે કહી દીધું. તેને અફસોસ થયો કાશ પોતાની પાસે મધર મેરીનો વોટ્સ એપ નંબર હોત તો કેટલું સારું ! પોતે કોઇ એવું સ્ટેટસ મૂક્ત કે જેમા એમને શુભેચ્છા પાઠવી શકાય!
ખેર; એ પછી એણે ચર્ચ પટાગણને અલવિદા કહી દીધું. શ્રી રામ પ્રોવિઝન સ્ટોર આગળ આવ્યો અને વીસ રુપિયાની સૂકી પૂરી બંધાવી. દસ રુપિયાનું ચવાણું પણ બંધાવ્યું. ટોસ્ટનુ પેકેટ પણ ખરીદ્યું. એ પછી તે શાક મારકેટમાં ગયો. રીંગણ, કેળાં અને ડુગળી -બટાકા ખરીધ્યા બાદ તે એક પરિચિત લારીવાળા પાસે આવ્યો. એની લારીમાં કેળાં હતા પણ લીલા હતા. એને તો પીળા કેળાં પસંદ હતા. લારીવાળાએ એની દાઢી જોતા કહ્યું, "વિજય સુવાડા જેવા દેખાવ છો ? " જે રીતે એના મુખમાંથી 'આ શુ'? નીકળી પડે છે એમ એ વેળા એ કોણ ? " કેમકે એણે તો આ નામ પહેલી વાર સાંભળેલુ. તેને જવાબ મળ્યો: તમને નથી ખબર…. એ ગાયક છે. તમે એના જેવા દેખાવ છો. એની વાત સાંભળીને આકાશને ઘેર પહોચીને સર્ચ કરવાની ઇચ્છા થઇ આવી.
ખેર , એ પછી એક પરિચિત શખ્સ એની પાસે આવ્યો. એણે પોતાનું મો નીચે રાખ્યું હતું. આકાશને એણે પૂછ્યું: ગામમાં જતો હોય તો મન લઇ જઇશ ? આકાશે બીજે ઠેકાણે જવાનું ખોટું બહાનુ કાઢ્યું અને પેલાને ધરાર ના પાડી. પેલો કશું બોલ્યા વિના ચાલતો થયો.
પોતે હમણાં જ દેવળમા જઇને આવ્યો છે ને આવું નહણક ખોટું બોલ્યો એવું વાક્ય તેના કાનમાં કોઇક બોલી રહ્યુ હતું. તેનો આત્મા તેને ડંખ્યો. એ પછી તે પોતાની સ્કૂટી સંગ ઘેર જવા રવાના થયો પેલો શખ્સ ઉદાસ ચહેરે રસ્તા પર ચાલી રહયો હતો. એને એક ગીતની પંક્તિ યાદ આવી: આજ પુરાની રાહો સે કોઇ મુજે આવાજ ન દે…. એને પેલા ચાલતા જતા શખ્સમા દિલીપ કુમાર દેખાયા. તેણે બ્રેક મારી. પેલો શખ્સ નજીક આવી ગયો. બેસી ગયો. વળી પાછું એક ફિલ્મી ગીત તેના કાનમાં કોઇ ગુનગુનાવી રહ્યું ન હોય એવું તેને લાગ્યું. ગીત હતું: હં...એક એક સે ભલે દો….દો દો સે ભલે તીન….તો એક અલગ અવાજમાં બીજું કોઇક ગાઇ રહયુ હતું: દુલ્હા દુલ્હન સાથ નહી...બાજા હૈ બારાત નહી. તેણે નોંધ્યું કે પેલો શખ્સ ધીરે ધીરે ખુલી રહ્યો હતો. તેને એક નવું રહસ્ય સમજાયું કે માણસને જ્યારે મદદ કરીએ છીએ ત્યારે એના અંતરમાં અમુક વેવ્સ ક્રિએટ થતા હોય છે. એ પછી તે અભિવ્યક્ત થયા વિના રહેતો નથી. તે બોલ્યો: આજે સરસ રહ્યું નંઇ!
તે શખ્સ પણ દેવળમા આવ્યો હતો. જોકે એ શખ્સની ખરાબ આદત એ હતી કે તે ડ્રીન્ક કરતો હતો.
હવે આકાશ લગભગ ઘેર આવી ગયો હતો ને એને માંસ ખરીદવાની વાત યાદ આવી. તેણે પેલા શખ્સને ઊતરવા જણાવ્યું અને પોતે પરત કરમસદ ખાતે આવ્યો અને ચોક્કસ જગ્યાએથી માંસની ખરીદી કરી. આ વખતે એણે જોયું કે પોતે મોડો પડ્યો હોઇ ઘણી બધી મરઘીઓનુ કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. એને તારની બનાવટના પાંજરામાં ગણીગાંઠી મરઘીઓ જોવા મળી. એણે મરઘીઓ પર નજર નાંખી દીધી. એ પછી પેલા કસાઈ સામે જોઇને કહ્યું, "અઢીસો." તેણે ઓબ્ઝર્વ કર્યું કે એને જે માંસ આપવામાં આવ્યું હતું તે ઠંડુગાર થઇ ગયું હતું. તેને અંદાજ આવી ગયો કે છેલ્લી મરઘીને મોતને ઘાટ ઉતાર્યે બે કલાક થઇ ગયા હશે ! એ પછી તેણે પેલા શખ્સને એક સો રુપિયાની નોટ આપી. એ પછી એણે આકાશને ચાલીસ રુપિયા પાછા આપ્યા. આકાશને ભાવમાં દસ રુપિયા વધી ગયા હોવાનો અંદાજ આવી ગયો.
એ પછી તે ત્યાંથી ઘેર આવવા રવાના થયો. રસ્તામાં એ જ ખ્રિસ્તી ભાઇ મળ્યા જેમને બેસાડતા તેની સ્કૂટીમાં એક વખત પંક્ચર પડયું હતું અને જેમણે ઉતર્યા બાદ આભારના શબ્દો પણ ઉચ્ચાર્યા નહોતા. તેને અંદાજ આવી ગયો કે આજે ભગવાન પોતાની કસોટી કરવામાં પાછી પાની નહીં કરે. એણે સ્કૂટી ઊભી રાખી. પેલા ભાઇ બેસી ગયા. કશી વાત ન કરી.
જ્યારે ઉતર્યા ત્યારે તેણે વિચાર્યું કે હમણાં કશું કહેશે પણ એક શબ્દ ન ઉચ્ચારયો એમણે. આકાશ મનોમન બોલી ઊઠ્યો: ટેકન ફોર ગ્રાન્ટેડ! એ ભાઈ માથું નીચું રાખીને પોતાના ઘરમાં ઘૂસી ગયા. એણે માસીને પાંચસો ગ્રામ બટાકા આપ્યા કે જે તેમણે મંગાવ્યા હતા. એ પછી તેણે ઘેર આવીને માંસને ધોઇ આપ્યું. એ પહેલા એણે માંસના ટુકડા કર્યા હતા. એ પછી બાકીનું કામ તેણે માને હવાલે કર્યુ. એ પછી તેણે પેલી સૂકી પુરીને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દીધી અને પોતે લાકડાના પલંગને અઢેલીને બેઠો. પોતાના અંતરાત્માને પૂછ્યું: શુ સમજાયું ?
જવાબ મળ્યો: કસોટી કોઈ પણ સમયે આવશે. તૈયાર રહેવાનું.
