મીંડું
મીંડું

1 min

55
છું શબ્દમાં અનુસ્વાર,
શૂન્ય છું હું સંખ્યામાં,
દ્વિગુણ બનું કોમ્પ્યુટરે,
સ્તંભ એનો મીંડું ને એક.
દ્વિસંગી આધાર ભાષાનો,
બાયનરી વગર સૌ શૂન્ય,
બદનામ ભમરડા નામે,
ઠોઠ નિશાળિયા પરિણામે.
રંગ રૂપ બદલું શબ્દના,
પ્રગટું અર્ધ અક્ષર સ્વરૂપે,
કિંમત બદલું દર અંકે,
સ્થાન મીંડાનું પામીને.
પુરી ભલે ગમે ત્યાં થાય,
કતાર શરુ થાય શૂન્યથી,
મીંડું ગોળ અમથું નથી,
નથી આદિ કે અંત એનો.
મીંડા વગર અધૂરા શબ્દ,
અધૂરા આંકડા ને વિજ્ઞાન,
શૂન્ય છું હું સંખ્યામાં,
મારા વગર સૌ શૂન્ય.