વટેમાર્ગુ
વટેમાર્ગુ


ઊઠી પરોઢિયે, પકડતાં વાટ અજ્વાળીયે
પહેરી વાઘા અંગ બાંધી પાઘ શીર ફાળિયે,
કાપવો પથ ઘણો વિકટ વનમાં ધૂળ ડમરી
વરસે સૂરજ માથે તૃષાએ મટકી જળ ભરી,
ચમકતા કંકર ગ્રીષ્મ તાપે, કંટક વેર્યા કેડીએ
ખડતલ પગરખાં બાંધ્યા પાય જાણે બેડીએ,
ભર્યું ભાતું ભામિની રાંધી હૃદય ભેર સંગ લઈ
હોંશ એક જોવા તણી દોહિત્ર દુહિતા ઘેર જઈ,
સામે મળ્યાં કોઈ ચાલતાં કોઈ વળી વેલડાં
પૂછતાં વાટમાં એકમેક ભાગતાં થઈ ઘેલડાં,
હરખ વધે આઘે દેખાઈ કોઈ વૃક્ષ ને ઓટલા
ઢળે સાંજ બીકે માથે થાક્યાં ઉપાડી પોટલાં,
આશ બંધાઈ જ્યમ દીઠાં દૂર દૂર બે ખોરડાં
મૂકી દોટ જાણે પગલાં હવે આત્મજા ઓરડાં,
હરખાયા હવે સૂણ્યું રામરામ ગામનાં પાદરે
પૂછ્યું ભાભલે મહેમાન કોના થશો આ માદરે,
ઢળ્યો સૂરજ થયું અંધાર હાલો તઈં અમ ઘરે
જોઈ ત્યાં તો બેટડી હેલ લઇ કૂવે જે જળ ભરે,
હાકલે ઓળખ્યાં એકમેક દોડતાં સામસામે
ને વહાલે વળગ્યાં કીકલી કીકલા નામ નામે.