માંગીશ હું
માંગીશ હું
મારાં ઉદાસ દિવસોનો હિસાબ માંગીશ હું
મારાં ઉપરના જુલ્મોનો જવાબ માંગીશ હું
કરચો હજી કણી માફક ખૂચે છે જે આંખમાં
મારાં બધાં એ તૂટેલાં ય ખ્વાબ માંગીશ હું
છલકાવ્યા તો નથી મે જામ મયકદામાં કદી
જન્નતમાં જામે કૌસરની શરાબ માંગીશ હું
છાયુંં છે અંધકારે આસમાન આ આજ તો
તારી અવેજમાં એક માહતાબ માંગીશ હું
પીળૉ લઈ રંગ પીંછીથી બનાવું સૂરજ અહીં
ઝળહળ કરે જે જીવન આફતાબ માંગીશ હું
નહીં હુ ડરું કબરનાં અંધકારથી દોસ્તો
મારી કબરમાં મૌલા અબુ તુરાબ માંગીશ હું
તારાં કહેરથી દુનિયા ડરે છે જાલિમ, છતાં
નિર્દોષ કાજ તડપીને અજાબ માંગીશ હું
પંડિત કે મૌલવી જે કહે છે પ્રેમ તો છે ગુનો
જેમાં લખ્યું ગુનો છે એ કિતાબ માંગીશ હું
‘સપના’ સહેજ અમથા સળવળે નયનની તળે
સંતાડવા એ પાપણની નકાબ માંગીશ હું
