લાગણીઓનું છેદન
લાગણીઓનું છેદન


હદમાં ધરબાયેલી લાગણીઓનું છેદન થયું,
ફરી આજ એક કુમળા ફૂલનું વિચ્છેદન થયું.
સૂર્યની સામે હસીને ટગર ટગર જોતું તું,
વાયરા સાથે વાતો કરતું ફુંદા સાથે ફરતું 'તું.
કલરવ કરતાં પંખીઓ સાથે મસ્ત બનીને ગાતું 'તું,
પણ લાગે જાણે એવું કે કોઈકથી એ ડરતું 'તું.
અમસ્તા સ્પર્શ માત્રથી ડરીને સહમી જાતું 'તું,
ભીતરમાં અજાણ્યા કોઈ ડરને પાળીને બેઠું 'તું.
પંખીઓની પાંખે બેસી મસ્ત ગગનમાં ઉડવું 'તું,
પણ લાગણીઓના વાડામાં મન પરોવી બેઠું 'તું.
અંધારામાં સાચવજે એવું મને શીખવ્યું હતું,
વસ્ત્રાહરણ તો ભરીસભામાં દ્રૌપદીનું થયું હતું.
સ્ત્રી હોવાનું ગૌરવ સદાય એને થતું 'તું,
પણ સહનશક્તિના નામે એનું શોષણ થતું 'તું.
ભરોસો કોનો કરવો એ જ સમજાતું ન 'તું
દીકરાને પણ કેળવો એવું કોઈ કહેતું 'તું.
મારું મારું કરી જેને સન્માન આપ્યું 'તું,
તારું તારું કરી એણેજ ત્યાગી દીધું 'તું.
ડરી ડરીને જીવવાનું એણે શીખી લીધું 'તું,
એનું અસ્તિત્વ જ કદાચ એનાથી ડરતું 'તું.