ખાલીપાનું અવતરણ
ખાલીપાનું અવતરણ
1 min
155
ફરી એક નવીન જીવતર મળ્યું,
ઊડવા ફલક એક નવતર મળ્યું !
ઉંમરના અંતિમ ઓવારે આજ,
ભવ્યતાનું એક ભણતર મળ્યું !
પછી નિર્બળતાની પરાકાષ્ઠાએ,
બળ ખામીરવંતુ ખડતલ મળ્યું !
સર્વ સંસારી સંબંધોની પેલે પાર,
સ્નેહનું નિ:સ્વાર્થ સગપણ મળ્યું !
બે શબ્દોની વચ્ચે જ અનાયાસ,
આ ખાલીપાનું અવતરણ મળ્યું !
ભેદ ભાષાઓના ભેદાઈ ગયા તો,
ભીતર ભાવભીનું વ્યાકરણ મળ્યું !
દ્વંદ ને નિર્દ્વંદના ઊડી ગયા છેદ તો,
સમયે શૂન્યતાનું સમીકરણ મળ્યું !
'પરમ' ઝંખનાય થઈ નિર્મૂળ અંતે,
ગમતીલું એક 'પાગલ'પન મળ્યું !
