જમાનાનો જાદુ
જમાનાનો જાદુ
ગડગડાટ આભલે, આ વાદળોથી સરજાય,
કંદરાના પડઘા મફતમાં, હુંકારા ધરી જાય,
લાવ લાવની લતે, સાગર ખારો થઈ પસ્તાય,
ન્યોછાવરી મેઘો કેવો, લીલોતરી પીરસી જાય,
છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય,
ઢોળના દાગીના, સુવર્ણ ભાવે વેચાઈ જાય,
સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય,
કાગળના ફૂલો, મહેફીલના રંગો માણી જાય,
દ્વારે ઊભા ભગવાન સામે, કમાડ બંધ થાય,
થાપ દઈ શ્રધાને, પાખંડી ખુદ પૂજાઈ જાય,
રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય,
ખીલે માનવતા તો પ્રભુતા પ્રગટી જાય,
ગ્રહણ દોષે ગગને, સૂરજ વિષાદી વરતાય,
થઈ સપ્તરંગી વીજ, ઉત્સવો સજાવી જાય.
